ગાંધીનગરઃ પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામક કચેરીમાં અચાનક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાતે આવી પહોંચ્યા હતા. ત્યારે વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ચાલી રહ્યુ હતુ. તેમાં મંગળવારે બે બેઠક હોવાથી મુખ્યમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ સમગ્ર દિવસ દરમિયાન કાર્યાલયમાં બેસવાના હતા. પરંતુ અચાનક ફેરફાર કરીને તેઓ તાત્કાલિક કોઈને જાણ કર્યા વગર સાંજે જૂના સચિવાલયમાં આવેલી કચેરીમાં ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હતા.
વરિષ્ઠ પેન્શનર્સ સાથે વાતચીત કરી
મળતી માહિતી પ્રમાણે, મુખ્યમંત્રીએ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી અને તમામ કામની વિગતો મેળવી હતી. આ ઉપરાંત કચેરમાં કામ અર્થે આવેલા વરિષ્ઠ પેન્શનર્સ અને અન્ય અરજદારો સાથે વાત કરી હતી.
જનસંવેદનાપૂર્ણ અભિગમથી કર્મીઓ પ્રભાવિત થયા
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ ઓચિંતી મુલાકાતથી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીના કર્મયોગીઓ આશ્ચર્ય અનુભવવા સાથે મુખ્યમંત્રીના જનસંવેદનાપૂર્ણ અભિગમથી પ્રભાવિત થયા હતા. ત્યારે મુખ્યમંત્રી આવ્યા હોવાની જાણ થતા અન્ય અધિકારીઓ તાત્કાલિક કચેરી પહોંચી ગયા હતા અને તેઓ પણ જોડાયા હતા.