Home /News /gandhinagar /GPSSB Junior Clerk: જુનિયર ક્લાર્કની રદ્દ કરાયેલી પરીક્ષા આગામી 100 દિવસમાં યોજાશે, નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે
GPSSB Junior Clerk: જુનિયર ક્લાર્કની રદ્દ કરાયેલી પરીક્ષા આગામી 100 દિવસમાં યોજાશે, નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પ્રેસ કોન્ફરન્સ કરીને ફેર પરીક્ષા અંગે વિગતો આપી
GPSSB Junior Clerk Exam Paper Leak: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રદ્દ કરવામાં આવેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આખરે ફરી ક્યારે યોજાશે તે અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું છે. મંડળ દ્વારા પરીક્ષા રદ્દ શા માટે કરાઈ તેનું કારણ પણ જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ આગમી સમયે પરીક્ષા યોજાશે ત્યારે મફત મુસાફરીની સુવિધા પણ આપવામાં આવશે.
ગાંધીનગરઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ પેપર લીકમાં ગુજરાત બહારની ગેંગ સક્રિય હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં અધિકારીએ જણાવ્યું કે, પેપર લીકના કેસમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ ગેંગ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. પ્લાન સાથે આ ગેંગ કામ કરતી હોવાનું જાણવા મળી રહ્યું હોવાનું પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે.
પ્રેસ કોન્ફરન્સમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યુ કે, પોલીસે 29મીની વહેલી સવારે તપાસ કરતા એક આરોપી પાસેથી પરીક્ષાનું પ્રશ્નપત્ર મળી આવ્યું હતું. જે બાદ તપાસ કરીને 15 લોકોને પકડી લેવામાં આવ્યા છે.
વધુમાં જણાવવામાં આવ્યું કે, પોલીસ દ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી રહી હતી. જેના કારણે ગુનો બને તે પહેલા જ આ કૃત્યમાં સંકળાયેલા 15 જેટલા શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. આ સાથે આરોપીઓની વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે.
હવે ક્યારે યોજાશે પરીક્ષા?
મહેનતુ અને સાચા ઉમેદવારોને નુકસાન ના થાય તે હેતુથી ઉમેદવારોના વિશાળ હિતમાં તાત્કાલિક નિર્ણય લઈને સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય મંડળ દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે જણાવવામાં આવ્યું કે મોકૂફ રાખાયેલી પરીક્ષા આગામી 100 દિવસમાં યોજવામાં આવશે. રાજ્યમાં યોજાનારી અન્ય પરીક્ષાઓ, શાળા-કૉલેજની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
પરીક્ષાના ગણતરીના કલાકોમાં પેપર લીકની ઘટના સામે આવ્યા બાદ પરીક્ષા રદ્દ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પંચાયત પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.
હવે જ્યારે પરીક્ષા યોજાશે ત્યારે ઉમેદવારો પોતાનો કોલ લેટર દર્શાવીને ગુજરાત એસટી બસમાં વિના મૂલ્યે મુસાફરી કરી શકશે. પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે મંડળ દ્વારા 5 વર્ષમાં 21 હજાર જેટલી જગ્યાઓ ભરવા માટે 41 પંચાયતના વિવિધ વિભાગોમાં 30 લાખથી વધારે ઉમેદવારો ધરાવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા સફળતા પૂર્વક યોજવામાં આવી છે. જેમાં ઉમેદવારોની પાર્દર્શક રીતે પસંદગી કરવામાં આવી છે.