ગાંધીનગર: રાજ્યમાં ફરીથી કરાઇ એકેડમીની ચર્ચાએ જોર પકડ્યુ છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોલીસ ભરતીમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો કર્યા હતા. પોલીસ એકેડમીમાં PSIની બોગસ તાલીમ લેવાના આરોપ કેસમાં રાજ્ય પોલીસ વડાએ તપાસ સોંપી છે. ષડયંત્રમાં સામેલ લોકો અને માહિતી લીક કરનાર સામે ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા છે.
સંડોવાયેલા અધિકારીને પણ નહીં છોડાય?
યુવરાજસિંહે જણાવ્યુ હતુ કે, આ 1382 જગ્યાની આ ભરતીમાં 10 ઉમેદવારો ગોઠવણથી લાગી ગયા છે. આ સાથે રિઝલ્ટમાં કોઈ ઉલ્લેખ ન હોય તેવા વ્યક્તિ હાલ ટ્રેનિંગ લઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. હાલ આ કેસમાં તપાસનો ધમધમાટ તેજ થતા આ યુવાન સામે કડકમાં કડક પલગા લેવામાં આવશે. આ સાથે પોલીસ દ્વારા સંડોવાયેલા અધિકારીઓ અને લોકોની પણ તપાસ તેજ કરવામાં આવશે.
સનસનીખેજ આક્ષેપ
આપને જણાવીએ કે, યુવરાજસિંહ જાડેજાએ મીડિયામાં આ અંગે અનેક સનસનીખેજ આક્ષેપ કર્યા હતા. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ડીજીપી કાર્યાલયથી આ ક્યાંય નામ નથી તેવા યુવકને એલોટમેન્ટ લેટર પણ આપવામાં આવ્યો છે. જેમાં મયુર તડવીનું નામ પણ દર્શાવવામાં આવેલું છે. આ ઉપરાંત યુવરાજસિંહે કરાઈ ખાતે ટ્રેનિંગ લઈ રહેલા જવાનોની તસવીર પણ મીડિયાને બતાવી અને જણાવ્યું કે હાલ કરાઈ ખાતે લોની ટ્રેનિંગ ચાલી રહી છે. જેમા ભાઈ કાયદાનું જ્ઞાન લઈ રહ્યા છે.
યુવરાજસિંહ જાડેજાએ મીડિયાને એમ પણ જણાવ્યું હતુ કે, અમે ફિઝીકલ અને મુખ્ય પરીક્ષાના પરિણામોની યાદી તપાસ કરી. જેમાં મયુરકુમાર તડવીનું નામ ક્યાય દેખાતું નથી. અમે વડોદરા પોલીસ સ્ટેશન ખાતે જ્યાંથી બધા ઉમેદવારોને નિમણૂક પત્રો મળ્યા તેની તપાસ કરી તો તેમાં પણ તેનું નામ ક્યાંય ન હતુ. નિમણૂક પત્રમાં ત્રીજા નંબરે એક નામ છે વિશાળસિંહ રાઠવા. યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આ ભાઈ પાસ થયો છે અને નિમણૂક પત્રમાં નામ છે પરંતુ કરાઈ ખાતે જે ટ્રેનિંગ લઈ રહ્યો છે તે આ નથી પરંતુ મયુરકુમાર તડવી છે.
યુવરાજસિંહે મીડિયા સામે જણાવ્યું કે, આ કોઈ ભૂલ નથી. આ અધિકારીઓની મિલિભગતથી જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય છે. શંકાની સોય પોલીસ વિભાગની કચેરીના ઉચ્ચ અધિકારી અને બિરસા મુંડા ભવન ખાતેના ઉચ્ચ અધિકારીઓ પર છે. તેમની મિલિભગતથી આ બધું જ શક્ય છે.
જો આવું ન હોય તો, મયુરકુમાર તડવીને કઈ રીતે ખબર પડે કે મારે આ લેટર લઈ જવાનો છે અને હું આ લેટરમાં છેડછાડ કરીશે તો મને સીધી જ કરાઈ ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં એન્ટ્રી મળી જશે. આ ભાઇ છેલ્લા એક મહિનાથી એકેડમીમાં ટ્રેનિંગ લઇ રહ્યા છે.