Home /News /gandhinagar /

Power corridor: આ મહિનાના અંતમાં વયનિવૃત્ત થઇ રહેલા આ IAS અધિકારીને નિવૃત્તિ બાદ મોદી સરકારમાં મળી શકે છે પ્રાઇમ પોસ્ટીંગ

Power corridor: આ મહિનાના અંતમાં વયનિવૃત્ત થઇ રહેલા આ IAS અધિકારીને નિવૃત્તિ બાદ મોદી સરકારમાં મળી શકે છે પ્રાઇમ પોસ્ટીંગ

વયનિવૃત્તિ પછી તેમને નર્મદા નિગમમાં વિશેષ જવાબદારી મળી શકે તેમ છે. (PIC-Dr Rajiv Kumar Gupta Twitter)

સચિવાલયના સૂત્રો કહે છે કે વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી આશિષ ભાટીયાને એક્સટેન્શન મળવાની સંભાવના ખૂબ ઓછી છે. અગાઉ 2020માં શિવાનંદ ઝા જ્યારે પોલીસ વડા તરીકે નિવૃત્ત થયા ત્યારે સિનિયર પોલીસ અધિકારીઓની બદલી થઇ હતી તેમ હવે આશિષ ભાટીયા નિવૃત્ત થશે ત્યારે આ બદલીઓ તોળાઇ રહી છે.

વધુ જુઓ ...
ગુજરાત (Gujarat News)ના સિનિયર આઇએએસ અને હાલ ઉદ્યોગ વિભાગમાં અધિક મુખ્યસચિવનો હોદ્દો ધરાવતા ડો. રાજીવકુમાર ગુપ્તા (IAS Dr RajivKumar Gupta)આ મહિનાના અંતમાં વયનિવૃત્ત થઇ રહ્યાં છે. તેમની પાસે અત્યારે ઉદ્યોગ ઉપરાંત નર્મદા નિગમનો પણ ચાર્જ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) અને તેને સંલગ્ન 36 જેટલા પ્રોજેક્ટમાં તેમનું યોગદાન મોટું રહ્યું છે. આ સ્મારક બન્યું ત્યારે સંપૂર્ણ જવાબદારી કે શ્રીનિવાસ (K Sreenivas)ની હતી પરંતુ ત્યારપછી એમિનિટીઝ ઉભી કરવામાં રાજીવકુમાર ગુપ્તાનો મોટો ફાળો છે.

વયનિવૃત્તિ પછી તેમને નર્મદા નિગમમાં વિશેષ જવાબદારી મળી શકે તેમ છે. સચિવાલયના સૂત્રો કહે છે કે રાજીવકુમાર ગુપ્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના ઓફિસર માનવામાં આવે છે તેથી ગુજરાતમાં તેઓને મહત્વની જગ્યા મળવાની શક્યતા વધી જાય છે.

જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવે છે ત્યારે રાજીવકુમાર ગુપ્તા હંમેશા તેમની સાથે જોવા મળતા હોય છે. આ એક એવા અધિકારી છે કે જેઓ ચીફ સેક્રેટરીના દાવેદાર હતા પરંતુ કેન્દ્ર સરકારે તેમની જ બેચના પંકજકુમારને પસંદ કર્યા ત્યારે રાજીવકુમાર ગુપ્તાને ઉદ્યોગ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેની સાથે-સાથે નર્મદા નિગમના સીએમડીની પણ જવાબદારી આપી હતી.  તેઓ અત્યારે આ બન્ને જગ્યાએ ફરજ બજાવી રહ્યાં છે. 31મી મે નારોજ તેઓ નિવૃત્ત થઇ રહ્યાં છે પરંતુ તેમને સરકારમાં નિવૃત્તિ પછીનું પ્રાઇમ પોસ્ટીંગ મળી શકે છે.

આ પણ વાંચો- Gyanvapi Masjid case: સંઘના વરિષ્ઠ પ્રચારક ઈન્દ્રેશે કહ્યું- દુનિયા સત્ય જાણવા માંગે છે, તે બહાર આવવું જોઈએ

આ અગાઉ તેઓ જ્યારે જીએનએફસી (GNFC)માં હતા ત્યારે તેમણે લીમડાની 12થી વધુ આઇટમો બનાવીને આ નિગમને નફો કરતું બનાવ્યું હતું. તેમણે આ નિગમમાં નીમ પ્રોજેક્ટની મહત્વની કામગીરી કરી આદિવાસી બહેનોને રોજગારી આપવાનું મોટું કામ કર્યું છે. તેમની કામગીરીની કદર રૂપે તેમને રાજ્ય સરકારમાં નવી જવાબદારી સોંપવામાં આવે તેવું ચર્ચાઇ રહ્યું છે.

સંજય શ્રીવાસ્તવ ડીજીપી ના બને એ માટે કઇ લોબી સક્રિય છે?

ગુજરાતમાં હવે સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલી નિશ્ચિત માનવામા આવે છે. આ બદલીમાં મુખ્યત્વે રેન્જ આઇજી અને શહેરોના પોલીસ કમિશરોનો સમાવેશ થાય છે.

ગુજરાતના હાલના ડીજીપી એટલે કે પોલીસ વડા આશિષ ભાટીયા આ મહિનાના અંતમાં નિવૃત્ત થઇ રહ્યાં છે ત્યારે સિનિયર ઓફિસરોમાં મોટાપાયે ફેરફારો તોળાઇ રહ્યાં છે.

આ પણ વાંચો- અમદાવાદીઓ આનંદો! શહેરની યશકલગીમાં ઉમેરાશે વધુ એક પીછું, અટલ ફૂટ ઓવરબ્રિજ તૈયાર, જુઓ આંખને ટાઢક આપતી તસવીરો

સચિવાલયના સૂત્રો કહે છે કે વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી આશિષ ભાટીયાને એક્સટેન્શન મળવાની સંભાવના ખૂબ ઓછી છે. અગાઉ 2020માં શિવાનંદ ઝા જ્યારે પોલીસ વડા તરીકે નિવૃત્ત થયા ત્યારે સિનિયર પોલીસ અધિકારીઓની બદલી થઇ હતી તેમ હવે આશિષ ભાટીયા નિવૃત્ત થશે ત્યારે આ બદલીઓ તોળાઇ રહી છે.

સિનિયોરીટી અનુસાર, હાલ અમદાવાદના પોલીસ કમિશનરની જવાબદારી સંભાળતા સંજય શ્રીવાસ્તવ આગામી ડીજીપી બની શકે તેમ છે , ત્યારે એક આખી લોબી તેમના વિરુદ્ધ સક્રિય થઇ છે. જો કે હજુ સુધી રેસમાં સંજય શ્રીવાસ્તવ જ સૌથી આગળ જણાઇ રહ્યાં છે. પરંતુ સૂત્રો કહે છે કે રાજ્યના પોલીસ વડા સંજય શ્રીવાસ્તવ બની રહ્યાં છે. તેમને મળેલી સૂચના પ્રમાણે તેમને કાયમી ડીજીપી બનાવવા કે કાર્યકારી ડીજીપી બનાવવા તેનો નિર્ણય લેવામાં આવ્યો નથી. કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જો તેમને કાયમી ડીજીપી બનાવવા આવે તો બે વર્ષ સુધી તેમને ડીજીપી રાખવા પડે તેમ છે અને તેમની નિવૃત્તિનો સમય વધારવો પડે તેમ છે.

જો તેમને ડીજીપી બનાવવામાં આવશે તો અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા ખાલી પડશે. અમદાવાદના પોલીસ કમિશનર માટે સ્પર્ધા સૌથી વધારે ઉગ્ર છે. અમદાવાદની સાથે જ વડોદરા, સૂરત અને રાજકોટનાં પોલીસ કમિશ્નરોની પણ નિમણૂંકો તોળાઇ રહી છે. અનિલ પ્રથમ ઘણાં વર્ષોથી બઢતી સાથે ગુજરાત સીઆઇડી ક્રાઇમમાં ફરજ બજાવી રહ્યાં છે. હવે તેમને ફિલ્ડમાં મૂકવામાં આવે તેવી ચર્ચા છે.

આ પણ વાંચો- જામનગરની હેતાંશી ગંભીર બીમારીની ચપેટમાં, News 18 ગુજરાતીની મુહિમ "હેતાંશી ની વ્હારે આવો"

હાલના સુરતના પોલીસ કમિશનર અજય તોમરને ગુજરાત ઇન્ટેલિજન્સ વિંગના વડા તરીકે અને હાલમાં આઇબીના વડા તરીકે ફરજ બજાવી રહેલા અનુપમસિંહ ગેહલોતને સીઆઇડી ક્રાઇમના વડા તરીકે મૂકવામાં આવી શકે છે.

પંકજકુમારની નિવૃત્તિની ચર્ચા, રાજકુમાર નવા વહીવટી વડા

સચિવાલયમાં આજકાલ રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમારના નિવૃત્તિ અને નવા વહીવટી વડાની ચર્ચા કેન્દ્રસ્થાને છે. પોલીસ અધિકારીઓની બદલી થવાની છે તેવી જ રીતે મે ના અંતમાં કે જૂનના પ્રથમ સપ્તાહમાં સિનિયર આઇએએસ અધિકારીઓની બદલીઓ તોળાઇ રહી છે.

રાજ્યના ચીફ સેક્રેટરીની સુપ્રીમ પોસ્ટ

પરથી પંકજકુમાર 31મી મે ના રોજ વયનિવૃત્ત થઇ રહ્યાં છે. તેમને એક્સટેન્શન મળે તેવી કોઇ શક્યતા અત્યારે જણાતી નથી, કેમ કે જો તેમને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તો તેઓ નવેમ્બર સુધી ફરજ બજાવી શકશે.

પરંતુ ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી તેમને ફરીથી છ મહિનાનું એક્સટેન્શન આપવું પડે તેમ છે. સૂત્રો કહે છે કે અનિલ મુકિમની જેમ પંકજકુમારને બે વાર એટલે કે એક વર્ષનુ એક્સટેન્શન મળી શકે તેમ નથી.

આ પણ વાંચો- Kutch News: કચ્છના વિરાન રણમાં વહેતો વીર વછરા દાદાનો મીઠા પાણીનો ધોધ, વૈજ્ઞાનિકો માટે પણ એક મોટી પહેલી

આ સંજોગોમાં તેઓ 31મીએ નિવૃત્ત થશે ત્યારે તે જ દિવસે ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ તરીકે ફરજ સંભાળતા રાજકુમારને આ સુપ્રીમ પોસ્ટ પર નિયુક્તિ મળવાની સંભાવના છે. રાજકુમાર જ્યારે ડેપ્યુટેશન પર હતા ત્યારે એવું માનવામાં આવતું હતું કે એસ અપર્ણાને ચીફ સેક્રેટરી બનાવવામાં આવશે પરંતુ સરકારે રાજકુમારને ગુજરાત પાછા મોકલ્યા છે. તેઓ જ્યારે ગુજરાત આવ્યા ત્યારે પંકજકુમારને હટાવીને તેમને ચીફ સેક્રેટરી બનાવવા તેવી અટકળો તેજ બની હતી પરંતુ કેન્દ્રએ પંકજકુમારનો ટેન્યોર પૂર્ણ થવા દીધો છે.

રાજકુમાર એ - એસ અપર્ણા કરતાં સિનિયર છે તેથી આ વખતે તેમનો ચાન્સ લાગી શકે તેમ છે. સચિવાલયના સૂત્રો કહે છે કે ગૃહ વિભાગમાં રાજકુમાર નોંધપાત્ર કામ કરી રહ્યાં છે અને તેમના સંપર્ક સીધા દિલ્હી સાથે છે. જો 31મી મે ના રોજ તેઓ ચીફ સેક્રેટરી બનશે તો જાન્યુઆરી 2025 સુધી આ હોદ્દા પર રહી શકશે.

ગુજરાતમાં ચીફ સેક્રેટરીની નિયુક્તિ હંમેશા નાણા અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવમાંથી થતી હોય છે. પંકજકુમાર છેલ્લે ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ તરીકે કાર્યરત હતા. અત્યારે આ જગ્યાએ રાજકુમાર નિયુક્ત થયેલા છે તેથી તેમની શક્યતા પ્રબળ જણાય છે. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાથી રાજ્યના ચીફ સેક્રેટરીના પદ પર સ્થિર અધિકારીની આવશ્યકતા છે.

દક્ષિણ વિસ્તારમાં એક પોલીસ અધિકારી બે વાર સસ્પેન્ડ થયાં.

કોઇપણ વ્યક્તિ જ્યારે પોલીસમાં ભરતી થાય છે ત્યારે તેમણે લોકોની સુરક્ષાના શપથ લેવાના હોય છે. કોઇપણ જાતના પૂર્વગ્રહ રાખ્યા વિના નિષ્ઠા અને પ્રામાણિકતાના સોગંધ પણ લેવામાં આવતા હોય છે, આમ છતાં કેટલાક પોલીસ અધિકારીઓ એવા કરતૂતો કરે છે કે જેનાથી જાહેર જનતામાં રોષ ફેલાય છે. ઘણાં એવા પોલીસ અધિકારીઓ જોવા મળે છે કે જેઓ ડ્યુટી દરમ્યાન રોફ જમાવીને ભ્રષ્ટાચાર અને અનૈતિક કામો કરતા હોય છે.

સુરતમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો કિસ્સો ખૂબ વાયરલ બન્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં ફરજ દરમ્યાન વિવાદોમાં આવેલા એક પીએસઆઇ અગાઉ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તે દરમ્યાન ગંભીર ગુનામાં ફરિયાદીને ધમકાવવાની બાબતે સસ્પેન્ડ થયા હતા. છેલ્લે તેઓ સુરત ગ્રામ્યના કડોદરામાં ફરજ બજાવતા હતા. ત્યાં તેમણે કથિત રીતે મહિલા સહ કર્મચારીને સોશ્યલ મિડીયાના માધ્યમથી મેસેજ મોકલીને તેની હેરાનગતિ કરતા હોવાનાં આરોપ લાગ્યાં હતાં.

મહિલા સુરક્ષાની વાતો કરતી સરકારમાં અને ગૃહ રાજ્યમંત્રી જે વિસ્તારમાંથી આવે છે ત્યાં આવો કિસ્સો બનતા પોલીસ અધિકારીઓમાં તેની ઘણી ચર્ચા હતી. આખરે મામલો જિલ્લા પોલીસ વડા સુધી જતાં અને ફરિયાદ થતાં આ પ્રકરણની ઉચ્ચકક્ષાએ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ પિડીત મહિલા કર્મચારીની પૂછપરછ બાદ રિપોર્ટ જિલ્લા પોલીસ વડા સમક્ષ આવ્યા પછી તેમને બીજી વખત સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gandhinagar News, Gujarati news, IPS officers, ગાંધીનગર`

આગામી સમાચાર