Youtuber Nischal Malhan Fan: યુટ્યુબર્સ પણ આજકાલ સેલિબ્રિટિ સ્ટેટ્સ ભોગવતા હોય છે. એક યુટ્યુબરને મળવા માટે છેક 300 કિમી સાઇકલ ચલાવીને એક શખ્સ દિલ્હી પહોંચ્યો હતો.
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રહેતા યુટ્યુબરને મળવા માટે પટિયાલાથી એક 13 વર્ષનો બાળક સાયકલ ચલાવીને માત્ર 3 દિવસમાં 300 કિમીનું અંતર કાપીને દિલ્હી પહોંચ્યો છે. જોકે આટલી મહેનત બાદ પણ બાળકને યુટ્યુબર ન મળ્યા કારણકે તે કોઈ કામથી દુબઈમાં હતો. કંઈપણ કીધા કર્યા વગર બાળક ઘર છોડીને જતા અને 3 દિવસ સુધી લાપતા રહેતા અંતે બાળકના પરિવારજનો, પટિયાલા પોલીસ અને દિલ્હી પોલીસે બાળકને શોધવાના તમામ પ્રયાસો કર્યા અને આખરે બાળક દિલ્હીના પિતમપુરા વિસ્તારમાંથી મળી આવ્યું છે.
હકીકતમાં આ ધોરણ 8નો વિદ્યાર્થી 13 વર્ષનો બાળક 4 ઓક્ટોબરે પટિયાલાના તેના ઘરેથી સાયકલ પર દિલ્હીમાં રહેતા યુટ્યુબર નિશ્ચય મલ્હાનને મળવા માટે નીકળ્યો હતો. પરિવારના સભ્યોને શંકા હતી કે બાળક યુટ્યુબરને મળવા જઈ શકે છે કારણકે તે યુટ્યુબ ચેનલનો મોટો ચાહક છે.
બાળક લાપતા થતા ગુમ થવાની ફરિયાદ તરત જ પટિયાલાના અણજ મંડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. પટિયાલા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. બાળકને શોધવા માટે પરિવારજનોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. દરેક જગ્યાએ બાળક અંગે કોઈ પણ માહિતી મળેતો જાણકારી આપવા અપીલ કરવામાં આવી હતી. પટિયાલાથી દિલ્હી રૂટના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચેક કરવામાં હતા. આ વિડીયો ફૂટેજમાં બાળક જતો જોવા મળી રહ્યો છે.
સામે પક્ષે દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓને પણ તરત જ ગુમ થયેલા બાળક અંગે જાણ કરવામાં આવી હતી. દિલ્હીની પોલીસ પણ તરત જ એક્શનમાં આવી ગઈ. બાળક જેને મળવા માટે બહાર આવ્યો હતો તે યુટ્યુબર નિશ્ચય મલ્હાન દિલ્હીના મૌર્ય એન્ક્લેવ પોલીસ સ્ટેશનના પીતમપુરા વિસ્તારમાં રહે છે.
પોલીસે તે સોસાયટીના આરડબ્લ્યુએનો સંપર્ક કર્યો અને સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોયા, જેમાં બાળક પોલીસને દેખાયો. પોલીસને ખબર પડી કે યુટ્યુબર નિશ્ચય મલ્હાન દુબઈ ગયો હોવાથી તેના ઘરમાં નથી, પરંતુ સર્ચમાં પોલીસને બાળકની સાયકલ યુટ્યુબરની સોસાયટીમાંથી મળી આવી હતી.
ત્યારબાદ દિલ્હી પોલીસે બાળકની આસપાસ શોધખોળ શરૂ કરી અને પોલીસને 7 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે પીતમપુરાના એક પાર્કમાંથી છોકરો મળી આવ્યો હતો. સકુશળ મળી આવતા બાળકના પરિવારે દિલ્હી પોલીસનો આભાર માન્યો છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર