કર્ણાટકનો એક કિસ્સો (Weird story) હાલ ઘણો ચર્ચામાં છે. અહીં એક ગાય સીધી 20 ગ્રામ સોનાની ચેઈન (Cow Swallowed Gold Chain) જ ગળી ગઈ! જ્યારે પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે તેમના માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. આ ઘટના કર્ણાટકના સિરસી તાલુકાના હીપાનાહલ્લીમાં રહેતા શ્રીકાંત હેગડે નામના વ્યક્તિના ઘરે બની હતી. 4 વર્ષની ગાયના પેટમાં સોનાની ચેઈન હોવાનું પણ તબીબોએ મેટલ ડિટેક્ટરની મદદથી શોધી કાઢ્યું હતું.
શ્રીકાંત હેગડે પાસે 4 વર્ષની ગાય અને વાછરડું છે. તેમણે દિવાળી પછી ગૌ પૂજાનું આયોજન કર્યું હતું. હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે અને કર્ણાટકમાં તેને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. ગૌ પૂજા દરમિયાન પરિવારે ગાયને સ્નાન કરાવ્યું અને ફૂલ-હાર ચઢાવીને તેની પૂજા કરી. આ દરમિયાન જે ઘટના બની તેની પરિવારને જાણ પણ ન થઈ.
ગાય સોનાની ચેઈન જ ગળી ગઈ
શ્રીકાંતના પરિવારે ગૌ પૂજા સમયે તેમની ગાયને 20 ગ્રામની સોનાની ચેઈન પહેરાવી. પૂજા બાદ પરિવારે ફૂલની માળા, સોનાની ચેઈન કાઢીને બાજુમાં રાખી દીધી. થોડા સમય બાદ ખબર પડી કે ત્યાંથી સોનાની ચેઈન ગાયબ થઈ ગઈ છે. પરિવારજનોએ આખા ઘરમાં શોધખોળ કરી પરંતુ સોનાની ચેઈન ક્યાંય મળી. પરિવારને શંકા ગઈ કે ગાય ફૂલો અને પાંદડા સાથે સોનાની ચેઈન પણ ગળી ગઈ છે. એવામાં તેમણે આગામી 30-35 દિવસ સુધી ગાય અને તેના વાછરડાના છાણ પર નજર રાખી. જોકે, તેમને સોનાની ચેઈન ન મળી.
પૂજા પૂરી થયાના એક મહિના પછી પણ સોનાની ચેઈન ન મળી ત્યારે પરિવારના સભ્યોએ ગાયને પશુચિકિત્સક પાસે લઈ જવાનું નક્કી કર્યું. ડોક્ટરે મેટલ ડિટેક્ટરની મદદથી ગાયની તપાસ કરી અને જણાવ્યું કે પશુના પેટમાં ધાતુ છે. સ્કેનિંગ બાદ ગાયના પેટમાં ચેઈન હોવાનું જણાયું હતું. આ પછી પરિવારની પરવાનગી લીધા બાદ ડોક્ટરે ગાયની સર્જરી કરીને ચેઈન બહાર કાઢી હતી. જોકે, ચેઈનના કેટલાક ભાગો હજુ પણ ગાયબ છે, પરંતુ ગાય સારી સ્થિતિમાં છે અને સર્જરી બાદ ઝડપથી સ્વસ્થ થઈ રહી છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર