લખનઉ. એક તરફ દેશમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave) બેકાબૂ બની છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં કોરોના (COVID-19)એ મોટો ભરડો લીધો છે. તો બીજી બાજુ દેશમાં રસીકરણ (Corona Vaccination)ની પ્રક્રિયાને વેગ આપવામાં સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. તેવામાં હજુ પણ કોરોનાની રસી અંગે લોકોમાં અનેક શંકાઓ પ્રવર્તી રહી છે અને લોકો રસીકરણથી દૂર ભાગી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
યુપીના બારાબંકી (Barabanki)ના રામનગર જીલ્લાના સિસાદા ગામમા આરોગ્ય વિભાગની ટીમ લોકોને જાણ કર્યા વગર જ કોરોનાની વેક્સિન (Covid Vaccine) આપવા માટે પહોંચી ગઈ હતી. આ વાતની જાણ ગામ લોકોને થતા લોકો સરયુ નદી (Saryu River) ના કિનારે દોડી ગયા હતા. આ અંગે શિશુપાલ નામક ખેડૂતે કહ્યું કે, કોરોનાની રસી લીધા બાદ પણ લોકો મરી જાય છે. ઘણા લોકોને રસી લીધા બાદ પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. જો મરવું જ છે, તો વેક્સિનની શું જરૂર છે?
લોકોમાં હજુ પણ ગેરસમજ છે કે કોરોનાની રસી ઘાતક છે. શિશુપાલે વધુમાં જણાવ્યુ કે, મોટા શહેરમાં રહેતા મારા અમુક મિત્રો દ્વારા મને આ જાણકારી મળી છે. જ્યારે સ્થાનિક અધિકારીઓએ પણ મારા સવાલોના સરખા જવાબ આપ્યા નથી. મારા અંગત કાકા દિલ્હીમાં કોરોનાની રસીના બંને ડોઝ લીધા બાદ થોડા દિવસો બાદ મૃત્યુ પામ્યા હતા. તેનાથી વધુ શું પુરાવા જોઇએ મારે.
વધુ એક ગામવાસી મોહમ્મદ એહસાને પણ રસી લેવાથી ઇન્કાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, 'એવી કોઈ ખાતરી છે કે રસી લીધા બાદ હું સંક્રમિત નહીં થાઉં? આસપાસના ગામના ઘણા લોકો રસી લીધા બાદ સંક્રમિત થઇ ચુક્યા છે. સરકાર રસીકરણ પર જોર કેમ દઈ રહી છે? સરકારે એવા લોકોને રસી આપવી જોઈએ, જેઓ રસીની માંગ કરી રહ્યા છે.'
એટલું જ નહીં, ગામમાં રસીને લઈને એવી અફવાઓ પણ ફેલાવાઈ છે કે કોરોના રસી લેવાથી નપુંસકતાનો શિકાર થવાય છે.
રવિવારે સાંજે સિસોદા ગામમાં સ્વાસ્થ્ય અધિકારીઓ રસીકરણ માટે પહોંચતા જ અનેક લોકો નદીમાં કૂદી પડ્યા હતા અને રસી ન લેવાની જીદ પકડી હતી. રામનગર તાલુકાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રાજીવ જણાવ્યા અનુસાર વેક્સીનના ડરથી લગભગ 200 લોકો સરયૂ નદી કિનારે ભાગી ગયા હતા. જયારે સ્વાસ્થ્ય વિભાગની ટીમ પહોંચી તો તેઓ નદીમાં કૂદી પડ્યા હતા.
રાજીવકુમારે જણાવ્યું કે, એ મહા મહેનતે લોકને સમજાવી નદીમાંથી બહાર આવવા મનાવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. લોકોને ખૂબ સમજાવ્યા બાદ પણ તેઓ એકના બે ન થયા. જોકે, થોડા લોકોને ગળે વાત ઉતરતા 1500ની વસતી ધરાવતા ગામમાં માત્ર 18 લોકો રસી લેવા માટે તૈયાર થયા હતા. આ ઘટના જોઈને અધિકારીઓ પણ ચકિત થઇ ગયા હતા.
નોડલ અધિકારી રાહુલ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, તેઓ સ્થાનિક લોકોનો કોરોના રસી પ્રત્યેનો ડર ભગાવવા માટે અને રસીકરણના લાભ જણાવવા સદંતર પ્રયાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સીએમ યોગી આદિત્યનાથે કોરોનાથી મુક્ત થયેલા ગામ માટે 'મેરા ગાંવ-કોરોના મુક્ત ગાંવ' અંતર્ગત પુરસ્કાર આપવાની જાહેરાત પણ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર