જેદ્દાહ, સાઉદી અરેબિયા : જેદ્દાહના કિંગ અબ્દુલ અઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક વિમાને ઉડાન ભર્યાના થોડી જ મિનિટોમાં પરત ફરવું પડ્યું હતું. વિમાનમાં મુસાફરી કરી રહેલી એક માતા તેના બાળકને વેઇટિંગ લોંઝમાં જ ભૂલી ગઈ હતી. આ વાતની જાણ થતાં મહિલાએ વિમાનને ક્રૂને વિમાન પરત લેવાની વિનંતી કરી હતી.
સામાન્ય રીતે કોઈ મોટી ઇમરજન્સીના કેસમાં વિમાનને પરત બોલાવવામાં આવતું હોય છે અથવા પાયલટ લેન્ડિંગ માટેની મંજૂરી માંગતો હોય છે. પરંતુ એક માતા એરપોર્ટ પર પોતાના બાળક ભૂલી ગયાનું જાણીને એરપોર્ટનો સ્ટાફ પણ અવાક રહી ગયો હતો.
ફ્લાઇટ નંબર SV832ના પાયલટનો એર ટ્રાફિક કંટ્રોલર સાથેની વાતચીતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, "એક મુસાફર વેઇટિંગ એરિયામાં પોતાનું બેબી ભૂલી ગયો હોવાથી અમે પરત આવવાની મંજૂરી માંગીએ છીએ. શું અમે પરત આવી શકીએ?" પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલરની વાતચીતનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ અંગે સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પાયલટની આવી વાત સાંભળ્યા બાદ ટ્રાફિક કંટ્રોલર તેના એક સાથી સાથે પ્રોટોકોલ અંગે વાત કરી રહ્યો છે. બાદમાં તે પાયલટને ફરીથી પ્લેનને લેન્ડ કરવા માટેનું કારણ પૂછે છે.
જે બાદ પાયલટ કહે છે કે, "અમે તમને પહેલા જણાવી ચુક્યા છીએ કે એક મુસાફર ટર્મિનલ પર તેનું બેબી ભૂલી ગયો છે, તે મુસાફરી કરવાનો ઇન્કાર કરી રહ્યો છે અને પરત ફરવા માંગે છે."
અહેવાલ પ્રમાણે આ ફ્લાઇટ જેદ્દાહથી કુઆલાલુમ્પુર ખાતે જઈ રહી હતી.
પાયલટની આવી વાત સાંભળ્યા બાદ ટ્રાફિક કંટ્રોલર કહે છે કે, "ઓકે. તમે પરત આવી શકો છો. આ અમારા માટે સાવ નવું હતું."
પાયલટના આવા કાર્યની સોશિયલ મીડિયા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. વિમાન પરત ફર્યા બાદ માતા અને બાળકનું મિલન થયું હતું. માતા અને બાળક વિશે વધારે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર