નોહર. હનુમાનગઢ (hanumangarh) જિલ્લાની ખુઈયાં પોલીસ એક વિચિત્ર કેસમાં (Weird case) ફસાઈ છે. આ પછી પોલીસ દિવસ-રાત ગધેડાઓની (donkeys) શોધમાં વ્યસ્ત થઈ ગઈ છે. વાત એમ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ખુઈયાં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ-અલગ 70 ગધેડા (Donkeys stolen) ચોરાઇ ગયા છે. જેની ફરિયાદ ગધેડાના માલિકોએ પોલીસને કરી છે, પરંતુ જ્યારે પોલીસે કોઈ કાર્યવાહી ન કરી, ત્યારે CPI(M)ના કાર્યકરો અને ગધેડાના માલિકોએ ખુઈયાં પોલીસ સ્ટેશન (Khuiyan police station)માં ધરણા કર્યા.
ધરણા બાદ પોલીસ સક્રિય બની અને હવે આ વિસ્તારમાં ગુમ થયેલા 70 ગધેડાઓની શોધખોળમાં મચી પડી છે. મહત્વની વાત એ છે કે પોલીસને થોડી સફળતા પણ મળી અને પોલીસે 15 ગધેડા શોધી આપ્યા. પરંતુ મુશ્કેલી ત્યારે થઈ જ્યારે ગધેડાના માલિકોએ આ 15 ગધેડા તેમના નથી એમ કહીને તેમને લઈ જવાનો ઇનકાર કરી દીધો હતો. હવે પરેશાન પોલીસ ગધેડા માલિકોને આ ગધેડા લઈ જવા માટે સમજાવી રહી છે, જ્યારે ગધેડાના માલિકો પોતાના જ ગધેડા લેવા પર અડગ છે. આવી સ્થિતિમાં પોલીસે ફરી એકવાર ગધેડાઓને શોધવાનું શરૂ કર્યું છે.
માલિકોએ નામથી બોલાવ્યા- ‘ચિન્ટુ-પિન્ટુ’ પણ ગધેડાઓએ જવાબ ન આપ્યો
પોલીસ જેવી 15 ગધેડાને લઈને પોલીસ સ્ટેશન પહોંચી અને ગધેડાના માલિકોને તેમના ગધેડા લઈ જવા કહ્યું તો માલિકોએ ગધેડાને ચિન્ટુ, પિન્ટુ, કાલુ વગેરે નામોથી બોલાવવાનું શરૂ કર્યું. જ્યારે કોઇપણ ગધેડાએ જવાબ ન આપ્યો ત્યારે ગધેડાના માલિકે કહ્યું કે આ અમારા ગધેડા નથી, એ જ્યાંથી આવ્યા છે તેમને ત્યાં છોડી દો.
ગધેડાના માલિકોને તેમના નામથી બોલાવતા જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. એવામાં 15 ગધેડાઓને શોધનારી પોલીસના પ્રયાસો વ્યર્થ ગયા. સાથે સાથે એ ચિંતા પણ ઉભી થઈ કે જો ગધેડાને શોધીને ફરીથી લાવવામાં આવે અને ગધેડાના માલિકો ફરીથી ચિન્ટુ, પિન્ટુ વગેરે નામોથી બોલાવે અને ગધેડા જવાબ ન આપે તો શું થશે?
આજીવિકાનું સાધન છે ગધેડા
ગધેડાના માલિકોનું કહેવું છે કે ગધેડા તેમની આજીવિકાનું સાધન છે. એક ગધેડાની કિંમત લગભગ 20 હજાર રૂપિયા છે અને આ રીતે ચોરાયેલા 70 ગધેડાની કિંમત લગભગ 14 લાખ રૂપિયા છે. ગધેડાના માલિકોનું કહેવું છે કે ગધેડા ભાર વહનનું કામ કરે છે અને ચોરી થયા બાદ તેમની આજીવિકા ખતમ થઈ ગઈ છે. તેઓએ માગણી કરી છે કે પોલીસ જલ્દીથી તેમના ગધેડાને શોધી આપે કારણકે તેમના ગધેડા તેમની વાત સમજે છે અને અન્ય ગધેડાઓ પાસેથી કામ કઢાવવું મુશ્કેલ છે.
આ મામલે ખુઈયાં પોલીસે ટીમો બનાવી છે જે ગામડે ગામડે ગધેડાઓને શોધી રહી છે. તો પોલીસનું કહેવું છે કે ના તો આરોપીઓ મળી રહ્યા છે અને ના તો ચોક્કસ ગધેડા મળી રહ્યા છે. હવે ખુઈયાં પોલીસ ચિંતિત છે. અહીંના લોકો પોલીસને ગધેડા શોધતી જોઈને મજા પણ લઈ રહ્યા છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર