પરવેઝ, પીલીભીત. ઉત્તર પ્રદેશ પંચાયત (UP Panchayat Election) ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. આ દરમિયાન પીલીભીત (Pilibhit)માં મંગળવારે એક ઉમેદવાર ભગવાન શિવ (Lord Shiva)નો વેશ ધારણ કરી નોમિનેશન ફોર્મ ભરવા પહોંચ્યા. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત તેમના સમર્થકોએ હર હર મહાદેવનો જયકાર કર્યો. ઉમેદવારની ઓળખ મોની બાબાના રૂપમાં થઈ છે. નોમિનેશન ફોર્મ ભરતી વખતે ઉમેદવારની સાથે એક પ્રસ્તાવકને પ્રવેશ આપવામાં આવે છે. ફોર્મ ભરતી વખતે ઉમેદવાર અને પ્રસ્તાવકને માસ્ક પહેરવાની સાથે કોવિડ-19 નિયમોનું પાલન કરવાનું હોય છે.
નોંધનીય છે કે, પીલીભીત જિલ્લા પંચાયત ચૂંટણીમાં આજથી નોમિનેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પહેલા જ દિવસે વોર્ડ નંબર 26 માટે મૌની બાબા નોમિનેશન ફોર્મ ભરવા માટે પહોંચ્યા. બાબા 14 વર્ષથી મૌન વ્રત પર છે. તેમને પૂછવામાં આવ્યું કે બોલ્યા વગર પોતાનો પ્રચાર કેવી રીતે કરશો તો તેનો જવાબ તેમણે લખીને આપ્યો. આ વર્ષે નવરાત્રિમાં મોન વ્રતના 14 વર્ષ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ તેઓ પહેલાની જેમ બોલવા લાગશે. જિલ્લા પંચાયત સભ્ય પદના ઉમેદવાર રામ પ્રકાશ છે. બરખેડા ક્ષેત્રના ઈંટા રોડા ગામના આ તપસ્વી 14 વર્ષથી મૌન વ્રત રાખીને તપસ્યા કરી રહ્યા હતા. પરંતુ ચૂંટણી જાહેર થતાં જ તપસ્વી ચૂંટણી લડવા માટે આકર્ષિત થઈ ગયા.
જ્યારે તપસ્વી રામ પ્રકાશ ઉમેદવાર પત્ર ભરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા તો તેમનો પોશાક જોઈને તમામ ઉમેદવાર આશ્ચર્યમાં મૂકાઈ ગયા. મૌની બાબાની સાથે આવેલા ઓમ પ્રકાશ નામના તેમના પ્રસ્તાવકે જણાવ્યું કે મૌની બાબાનું 14 વર્ષ મૌન વ્રત આ નવરાત્રિમાં ખતમ થઈ જશે અને તેની સાથે જ તેઓ સમાજ સેવામાં લાગી પડશે. તેથી તેઓ જિલ્લા પંચાયત સભ્યની ચૂંટણીના ઉમેદવારનું ફોર્મ ભરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પીલીભીત જિલ્લામાં ત્રીજા ચરણમાં 26 એપ્રિલે મતદાન થવાનું છે . તેના ઉમેદવારી ફોર્મ 13થી 15 એપ્રિલ દરમિયાન ભરાશે. તેમાં જિલ્લા પંચાયત સભ્યોના નોમિનેશનની પ્રક્રિયા કલેક્ટર કચેરી ખાતે થઈ રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર