નવી દિલ્હી: મનુષ્ય અનેક વખત મુશ્કેલીઓ સામે હારીને એવા નિર્ણય કરતો હોય છે જે તેના માટે હાનિકારક હોય છે. જેમાં આત્મહત્યા (Suicide) જેવો નિર્ણયો પણ હોય છે. જોકે, આ નિર્ણય ખરેખર કાયરતાની નિશાની છે. આ દરમિયાન ક્યારેક એવું પણ થતું હોય છે કે વ્યક્તિ આપઘાત કરવામાં નિષ્ફળ રહેતો હોય છે અને તેની જિંદગી બચી જાય છે. ન્યૂઝર્સીમાં રહેતા એક વ્યક્તિ સાથે પણ કંઇક આવું જ બન્યું છે. આ વ્યક્તિએ આપઘાત માટે નવમા માળેથી કૂદકો (Man Jumped From 9th Floor) લગાવ્યો હતો. જોકે, મોતે આ વ્યક્તિને દગો દીધો હતો. વ્યક્તિ સીધો એપાર્ટમેન્ટ નીચે ઊભેલી BMW કાર પર પડ્યો હતો. જે બાદમાં આ વ્યક્તિની જે હાલત થઈ હતી, તેને જોઈને ભલભલા લોકો ધ્રૂજી જાય!
આ બનાવના એક સાક્ષીએ જણાવ્યું કે, આ વ્યક્તિ આટલી ઊંચાઈ પરથી નીચે પડવા છતાં જીવિત હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ વ્યક્તિ નીચે કાર પર પડ્યો હતો. તેને ખૂબ ગંભીર ઈજા પહોંચી હતી પરંતુ તે ભાનમાં હતો. એટલું જ નહીં, તે નીચે રહેલા લોકો સાથે વાતચીત પણ કરી રહ્યો હતો. સૌથી પહેલા તેણે લોકોને પૂછ્યું કે શું થયું? જે બાદમાં લોકોએ તેને જણાવ્યું કે તે નવમા માળેથી નીચે પડી ગયો છે. દર્દથી કણસતા આ વ્યક્તિને ગાડીમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને બાદમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
કારના હાલ બેહાલ
અમેરિકામાં બનેલા આ બનાવની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. વ્યક્તિએ પોતાની ઓળખ છૂપાવી રાખી છે. જોકે, કહેવામાં આવે છે કે તેની ઉંમર 31 વર્ષ છે. તેણે કોઈ ફિલ્મના સીનની જેમ નવમા માળેથી છલાંગ લગાવી હતી. જોકે, તે સીધો નીચે પાર્ક કરેલી બીએમડબલ્યૂ કાર પર લેન્ડ થયો હતો. આટલી ઊંચાઈ પરથી નીચે પડવા પર વ્યક્તિને તો ઇજા પહોંચી જ હતી, સાથે સાથે BMW કારના હાલ પણ બેહાલ થઈ ગયા હતા. કારની છત દબાઈ ગઈ હતી. સાથે જ દરવાજા અને આગળનો કાચ તૂટી ગયો હતો. વ્યક્તિ આ તૂટેલી કારમાં ખરાબ રીતે ફસાયો હતો.
ન્યૂયોર્ક પોસ્ટ સાથે વાતચીત કરતા ઘટનાના સાક્ષી એવા ક્રિસ્ટીના સ્મિથે જણાવ્યું કે, અચાનક મોટો અવાજ સંભળાયો હતો. શરૂઆતમાં તો તેને કંઈ સમજાયું નહીં કે ઉપરથી શું પડ્યું? થોડા સમય પછી કણસવાનો અવાજ સંભળાયો ત્યારે માલુમ પડ્યું કે કોઈ વ્યક્તિ આટલી ઊંચાઈ પરથી કાર પર પડ્યો છે. વ્યક્તિને ખૂબ ઇજા પહોંચી હતી. તેની હાલત ખૂબ ખરાબ હતી.
જે બાદમાં ઇમરજન્સી કૉલ કરીને એમ્બ્યુલન્સ અને પોલીસને જાણકારી આપવામાં આવી હતી. આ વ્યક્તિ નીચે પડી ગયા બાદ લોકો સાથે વાતચીત કરી રહ્યો હતો. હાલ કારના માલિકની ઓળખ નથી થઈ શકી. જોકે, એક વાત નક્કી છે કે પોતાની ડ્રીમ કારની આવી હાલત જોઈને થોડા સમય માટે તે પણ સંતુલન ગુમાવી દેશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર