જાકાર્તાઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને રોકવા માટે દરેક દેશ લોકોને માસ્ક (Mask) પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નું ગંભીરતાથી પાલન કરવા માટે દિશા-નિર્દેશ આપતા રહે છે. તેમ છતાંય લગભગ તમામ દેશોમાં મોટી સંખ્યામાં એવા પણ લોકો છે જે સરકારી આદેશોનું ઉલ્લંઘન કરી કોરોના સંક્રમણને વધુ ઝડપ આપી રહ્યા છે. આવા લોકોને પાઠ ભણાવવા માટે ઇન્ડોનેશિયા (Indonesia)ના પૂર્વ જાવા (East Java) પ્રાંતના વહીવટીતંત્રએ અનોખી સજાની જાહેરાત કરી છે.
માસ્ક ન પહેરનારને કબર ખોદવાની સજા
પૂર્વ જાવા વહીવટી તંત્રએ માસ્ક ન પહેરનારા લોકોને સજા તરીકે કોરોના વાયરસથી મરનારા લોકોની કબર ખોદવાના આદેશ આપ્યા છે. પૂર્વ જાવાના ગેરસિક રિજેન્સીના 8 લોકોએ માસ્ક પહેરવાનો ઇન્કાર કરતાં નજીકમાં જ આવેલા નોબબેટન ગામમાં એક જાહેર કબ્રસ્તાનમાં કબરો ખોદવાની સજા ફટકારવામાં આવી છે. આ લોકો કોઈ પણ દર્દીના અંતિમ સંસ્કારમાં સામેલ નથી થઈ શકતા.
અહેવાલો મુજબ, બે લોકોને એક કબર ખોદવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્મ જિલ્લાના પ્રમુખ સ્યૂનોએ કહ્યું કે અમારી પાસે કબર ખોદનારા લોકોની ઘટ છે. તેથી માસ્ક ન પહેરનારા લોકોને આ કામમાં લગાવવામાં આવ્યા છે. તેઓએ આશા વ્યક્ત કરી કે આ સજાથી ભવિષ્યમાં લોકો માસ્ક ન પહેરવાની ભૂલ નહીં કરે.
ઈન્ડોનેશિયામાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણના 2,18,382 કેસ સામે આવ્યા છે. દેશની રાજધાની જાકાર્તામાં પણ 54,220 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. બીજી તરફ, પૂર્વ જાવામાં અત્યાર સુધી 38,088 કેસ સામે આવ્યા છે. ઈન્ડોનેશિયામાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 8,723 સુધી પહોંચી ગઈ છે. પરંતુ કોવિડ ટેસ્ટ ઓછો થવાના કારણે સાચો આંકડો વધુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર