દુલ્હનને પહેરેલી સાડી સારી ન હોવાનું કહી દુલ્હાના માતાપિતાએ લગ્ન રદ કરી નાખ્યા, દુલ્હાને ભગાડી દીધો

પ્રતિકાત્મક તસવીર

કર્ણાટકનો અજીબોગરીબ કિસ્સો : લગ્ન રદ કર્યા બાદ દુલ્હાના માતાપિતાએ તેને ભાગી જવા કહ્યું, દુલ્હનના માતાપિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી.

 • Share this:
  બેંગલુરુ : કર્ણાટકમાં એક લગ્ન અજીબોગરીબ કારણને લીધે રદ થયા છે. હકીકતમાં દુલ્હાના માતાપિતાએ છેલ્લી ઘડીએ લગ્ન રદ કરી નાખ્યા હતા. જે બાદમાં દુલ્હો ફરાર થઈ ગયો છે. દુલ્હાના માતાપિતાએ એવું કહીને લગ્ન રદ કરી નાખ્યા હતા કે, દુલ્હને લગ્નની વિધિ દરમિયાન જે સાડી પહેરી હતી તે સારી ન હતી. એટલે કે દુલ્હાના માતાપિતાને સાડીની ક્વૉલિટી સારી લાગી ન હતી.

  આ બનાવ બુધવારે બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે દુલ્હાનું નામ બીએન રઘુકુમાર છે, જે કર્ણાટકના હસન ટાઉનની નજીકના એક ગામનો વતની છે. રઘુકુમાર તેના માતાપિતાના આદેશ બાદ લગ્ન સ્થળેથી રવાના થઈ ગયો હતો.

  હસન સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ શ્રીનિવાસ ગૌવડાએ ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આ મામલે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રઘુકુમાર હાલ ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે." ફક્ત દુલ્હા સામે જ નહીં પરંતુ પોલીસે રઘુકુમારના માતાપિતા સામે પણ ફરિયાદ દાખલ કરી છે.

  એવી પણ માહિતી છે કે દુલ્હા અને દુલ્હનના આ પ્રેમ લગ્ન હતા. રઘુકુમાર અને બીઆર સંગીથા એક વર્ષ પહેલા પ્રેમમાં પડ્યાં હતાં. જે બાદમાં બંનેના માતાપિતા અને પરિવારના અન્ય સભ્યોની સહમતિથી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

  લગ્નની વિવિધ વિધિ દરમિયાન રઘુકુમારના માતાપિતાએ સંગીથાને તેણે પહેરેલી સાડી બદલવા કહ્યું હતું. કારણ કે રઘુકુમારના માતાપિતા સંગીથાએ જે સાડી પહેરી હતી તેનાથી ખુશ ન હતા. તેમને સાડીની ક્વૉલિટી સામે વાંધો હતો.

  આવા આદેશ બાદ દુલ્હન અને દુલ્હાના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદમાં દુલ્હાના પરિવારે ગુરુવારે યોજનારા લગ્ન રદ કરી નાખ્યા હતા. એટલું જ નહીં માતાપિતાએ દુલ્હાને એટલે કે તેને પુત્રને ગુમ થઈ જવાનું કહ્યું હતું. જે બાદમાં આ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: