મથુરા : ઉત્તર પ્રદેશના મથુરામાં સદર બજાર પોલીસ મથક હેઠળ આવતા સિવિલ લાઇન વિસ્તારમાં બુધવારે સાંજે એક કલાક સુધી હાઇવૉલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. જોકે, તપાસ કરતા આ ડ્રામા પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. હકીકતમાં એક યુવક અને યુવતીએ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે રસ્તા વચ્ચે નાટક કરતા પોતાના ગાડીને ફૂંકી મારી હતી. આટલું જ નહીં યુગલે ધડાધડ ફાયરિંગ પણ કર્યું હતું. હવે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસે શુભમ ચૌધરી અને અંજુલા શર્મા પર સંબંધિત કલમ લગાડીને ગુનો દાખલ કર્યો છે. પોલીસે IPCની વિવિધ કલમો ઉપરાંત ગેરકાયદે હથિયારોથી ફાયરિંગ કરવા બદલ 3/25 અંતર્ગત પણ કાર્યવાહી શરૂ કરી છે.
લગ્ન તૂટી જતા માનસિક સ્થિતિ બગડી
આરોપીઓએ પોલીસ પૂછપરછમાં અનેક ખુલાસા કર્યાં હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે ચર્ચામાં આવવા માટે બંનેએ નાટક કર્યું હતું. પોતાની મહિલા મિત્રને કારણે લગ્ન તૂટવાને કારણે શુભમ ચૌધરીએ આખું ષડયંત્ર રચ્યું હતું. યોજના પ્રમાણે હંગામા પછી રસ્તા પર જ શુભમ અને અંજલી લગ્ન કરવાના હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મંગળવારે જ શુભમના લગ્ન તૂટ્યા હતા. તેના લગ્ન 17મી નવેમ્બરના રોજ નક્કી હતી. પરંતુ મહિલા મિત્ર સાથે સંબંધની વાત જાહેર થતાં લગ્ન તૂટી ગયા હતા. જે બાદમાં તેની માનસિક સ્થિતિ બગડતા તેણે પોતાની મહિલા મિત્ર સાથે લગ્ન કરવા માટે અને તેને યાદગાર બનાવવા માટે આવું નાટક કરવાનું નક્કી કર્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે શુભમે પોતાની માતાને પણ આ નાટકની માહિતી આપી હતી. એટલું જ નહીં શુભમે અમુક મીડિયાકર્મીઓને પણ ફોન કરીને આ નાટકની જાણકારી આપી હતી.
બુધવારે સાંજે એસએસપી ઓફિસ પાસે પોલીસ ચોકી સામે શુભમ અને અંજુલાએ નાટક શરૂ કર્યું હતું. બંનેની સાથે ત્રણ બાળકો પણ હતા, જે શુભમની બહેનના હતા. બંનેએ પહેલા પોતાની કારને આગ લગાવી દીધી હતી. જે બાદમાં રસ્તા પર જ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી ચાલતા ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. બંને વારેવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીકા કરી રહ્યા હતા. અંજુલા શુભમને બંદૂકમાં ગોળી લોડ કરીને આપતી હતી અને તે ફાયરિંગ કરતો હતો. આશરે એક કલાક સુધી ચાલેલા ડ્રામામાં પોલીસ મૂકપ્રેક્ષક બનીને ઉભી હતી. જે બાદમાં વકીલોએ બંનેને સમજાવ્યા હતા અને પોલીસને સોંપી દીધા હતા.
એસએસપી શલભ માથુરે જણાવ્યુ કે શુભમની માનસિક હાલત સારી નથી. શુભમની માતાએ જણાવ્યું કે અનેક લોકોએ તેની પાસેથી ઉધાર પૈસા લીધા છે, પરંતુ પરત ન આવતા તે ડિપ્રેશનમાં આવી ગયો છે. પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર