10 વર્ષ પહેલા મેરીલેન્ડ (Maryland)ની રહેવાસી બેકી બેકમેન (Becki Beckmann) નામક એક મહિલાએ પોતાનો આઇફોન ખોઇ (Woman Lost Her iPhone) દીધો હતો. પોતાનો ફોન શોધવા તેણે દરેક સંભવ પ્રયાસો કર્યા. પરંતુ આઇફોન શોધવામાં તેણી નિષ્ફળ રહી અને અંતે થાકીને તેણે નવો ફોન ખરીદ્યો. પરંતુ બેકી બેકમેન ફોન ક્યાં ગયો તે અંગે ખૂબ જ મૂંઝવણમાં હતી. કારણ કે, ન તો તેણી ઘરની બહાર નીકળી હતી અને ન તો તેને ડ્રિંક કરવાની આદત હતી. તો તેનો આઇફોન ક્યાં ગયો હશે તે વિચાર સતત બેકીને થતો હતો. તેણીનો આઇફોન ક્યાં ગાયબ થઇ ગયો તે અત્યાર સુધી એક રહસ્ય રહ્યું હતું. પરંતુ હાલમાં જ બેકીને તેનો આઇફોન ટોઇલેટની પાઇપલાઇનમાંથી (Lost iPhone Found in toilet) મળી આવ્યો હતો.
ધ ન્યૂ યોર્ક પોસ્ટમાં છપાયેલા એક અહેવાલ અનુસાર, 2012માં હેલોવીનની રાત્રે બેકી બેકમેનનો આઇફોન ખોવાઇ ગયો હતો. બેકીએ તેનો ફોન ફરી મળી ગયા બાદ ફેસબુક પર પોસ્ટ કરી જણાવ્યું કે, “મારો આઇફોન ખોવાયા બાદ મેં નવો ફોન ખરીદી લીધો હતો. હું પણ ખૂબ મૂંઝવણમાં હતી કારણ કે મારો ફોન રહસ્યમય રીતે ખોવાયો હતો.”
ખોવાયેલા આઇફોનનો આ વિચિત્ર કેસ ત્યારે ઉકેલાઈ ગયો, જ્યારે બેકી બેકમેન અને તેના પતિને તેમના ટોઇલેટની અંદરથી વિચિત્ર અવાજો સાંભળવાનું શરૂ થયું. તેઓએ જણાવ્યા અનુસાર, તેઓ જ્યારે ટોઇલેટમાં ફ્લશ કરતા, ત્યારે તેમને કોઇ "બેંગિંગ સાઉન્ડ" સંભળાતું હતું. બેકમેને જણાવ્યા અનુસાર, “શરૂઆતમાં અમને લાગ્યું કે ઘરનું બાંધકામ અને ટોઇલેટ જૂના હોવાના કારણે આ વિચિત્ર અવાજ આવી રહ્યો છે.”
વારંવાર બેકી અને તેના પતિને આ અવાજ સંભળાતા હોવાથી બેકીના પતિએ શા માટે અવાજ આવે છે, તે જાણવા ટોઇલેટ તપાસવાનું નક્કી કર્યું. જ્યારે તેણે સરખી તપાસ કરી તો તેમાંથી બેકીનો 10 વર્ષ પહેલા ખોવાયેલો આઇફોન નીકળ્યો. આ જોતા જ બેકીનો પતિ દોડીને બેકીને કહેવા આવ્યો કે, “ટોઇલેટમાંથી જે મળ્યું છે તેના પર કદાચ તને વિશ્વાસ પણ નહીં આવે.” સૌથી ચોંકાવનારી વાત એ છે કે, દાયકા સુધી ટોઇલેટની પાઇપલાઇનમાં રહેવા છતા આઇફોનની સ્થિતિ સારી હતી. બેકી બેકમેન જણાવે છે કે, “આ ઘટના તો મારી અપેક્ષાની બહાર છે.”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર