રાજસ્થાનના શ્રીગંગાનગરની શહેરમાં 11 મિત્રો સાથે મળીને અનોખી સેવા કરે છે. તેમણે સાથે મળીને એક રસોડુ બનાવ્યું છે જ્યાં રોજ એક હજાર લોકો જમે છે. આ કોરોના મહામારીના સમયમાં અહીં માત્ર 10 રૂપિયામાં જ તમે ભરપેટ જમી શકો છો. આ રસોડાનું નામ છે માં અન્નપૂર્ણા કિચન. તેને ચલાવનાર 11 મિત્રો અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે.
તેમાં સરકારી હોસ્પીટલમાં કંપાઉન્ડર મહેશ ગોયલ, દાળની મિલના માલિક રામાવતાર લીલા, રાજકુમાર સરગાવી અકાઉન્ટંટ, રાજેન્દ્ર અગ્રવાલ અને પવન સિંગલ જે કાપડાના ઉદ્યોગપતિ, અનિલ સરોગી સાડી વેચનાર છે, રાહુલ છાબરા અને ભૂપ સાહારન ઉદ્યોગપતિ, વિનોદ વર્મા જે ફોટોગ્રાફર, દિપક બંસલ વીજ વિભાગના કર્મચારી અને શંભુ સિંગલ ચાના વેપારી છે. આ બધાનો વ્યવસાય અલગ છે તે છતાં તે સમાજમાં કઈક કરવા માંગે છે.
આ શહેરમાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલે સારવાર માટે આવે છે. તેમાથી મોટાભાગના લોકો ગરીબ હોય છે. આ લોકોએ તેમની મદદ કરવાનું વિચાર્યું. ગામડેથી સારવાર માટે આવતા ગરીબ લોકોને પુરતુ ભોજન મળી રહે તે માટે તેમણે રસોડાની શરૂઆત કરી. શહેરના લોકો પાસેથી પણ ફંડ ઉઘરાવ્યું અને લોકોને જમાડવાની શરૂઆત કરી. આજે હજારથી વધુ લોકો અહીં જમે છે. રસોડુ સતત ચાલતુ રહે તે માટે લોકો પણ સામે ચાલીને અહીં દાન આપી જાય છે. કોઈ રૂપિયા તો કોઈ ખાદ્ય સામગ્રી આપી જાય છે. રસોડમાં 500 લોકો કામ કરે છે. અહીં દર્દી અને તેમના પરિવાર માટે 10 રૂપિયામાં ભોજન અને નિરાધાર વૃદ્ધો માટે ભોજન અને દૂધ-ચા મફતમાં આપવામાં આવે છે.
હોસ્પિટલના બધા વોર્ડમાં જઈને કૂપન વહેંચવામાં આવે છે. અહી પાર્સલની સુવિધા પણ છે. અહી સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી અને સાંજે ૭ વાગ્યા થી રાતના ૯ વાગ્યા સુધી ભોજન મળી રહે છે. શ્રીગંગાનગરમાં શરૂ થયેલા આ રસોડા બાદ રાયસિંહનગર અને રાવતસર જેવા વિસ્તારમાં આવા રસોડાની શરૂઆત કરવામાં આવી છે. તે જગ્યાએ રોજના ૪૦૦ જેટલા લોકો જમે છે.
આ મિત્રોનું સેવાકાર્ય લોકડાઉનમાં પણ ચાલતુ રહ્યું. લોકડાઉનમાં દર્દીઓ હોસ્પિટલમાં ઘણાં ઓછા થઈ ગયા ત્યારે પણ રસોડુ ચાલતુ રહ્યું. અહીથી રસોઈ જરૂરિયાતોને મોકલવામાં આવતી હતી. ત્યારે 5000 જેટલા ફૂડપેકેટ બનાવીને આપવામાં આવતા હતા. આ વિસ્તારના બધા લોકો આ મિત્રોના સેવાકાર્યને બિરદાવી રહ્યા છે.