Explained: નાનું માથું ધરાવતા બાળકોના જન્મ પાછળ જવાબદાર ઝીકા વાયરસ શું છે? અહીં જાણો દરેક સવાલનો જવાબ

ફાઈલ તસવીર

કોરોના વાયરસ મહામારી વચ્ચે ઝીકા વાયરસે દેખા દેતા મામલો વધુ ગંભીર બન્યો છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં એક અઠવાડિયામાં જ ઝીકા વાયરસના 19 કેસ સામે આવ્યા છે.

 • Share this:
  કોરોના વાયરસ મહામારી વચ્ચે ઝીકા વાયરસે દેખા દેતા મામલો વધુ ગંભીર બન્યો છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં એક અઠવાડિયામાં જ ઝીકા વાયરસના 19 કેસ સામે આવ્યા છે. આમ તો ઝીકા વાયરસ કોરોના કરતા ઘણી રીતે જુદો પડે છે. તેનો મૃત્યુદર પણ ઓછો છે, પરંતુ આ વાયરસની અસર ગર્ભવતી મહિલા પણ વધુ ગંભીર થતી હોવાથી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

  ઝીકા વાયરસના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં નાનું માથું કે અવિકસિત માથું ધરાવતા બાળકોનો જન્મ થયો છે. હવે કેરળમાં ઝીકા વાયરસ ફેલાવાની બાબત સામે આવતા કર્ણાટક, મધ્યપ્રદેશ અને તમિલનાડુ સહિતના પાડોશી રાજ્યોએ પણ એલર્ટ જાહેર કર્યું છે. કેરળના તમામ જિલ્લામાં મચ્છરોથી બચવા માટે ફોગીંગ અને હોસ્પિટલમાં ખાસ નિદાન શરૂ કરી દેવાયા છે. આવી સ્થિતિમાં ઝીકા વાયરસ એટલે શું? સરકાર આ વાયરસને લઈ શા માટે ચિંતામાં મુકાઈ છે? ઝીકા વાયરસથી કઈ રીતે બચી શકાય? તે સહિતની બાબતો અંગે જાણવું જરૂરી બની જાય છે.

  ઝીકા વાયરસ શું છે?

  ડેન્ગ્યુ, યલો ફીવર, મગજનો તાવ અને વેસ્ટ નાઇલ વાયરસ ફેલાવતા એડિઝ પ્રજાતિના મચ્છર કરડવાથી આ વાયરસ ફેલાય છે. ઝીકા ફ્લેવિવાઇરિડે ફેમિલીનો વાયરસ છે. તેનું નામ યુગાન્ડાના એક જિલ્લાના નામ પરથી પડ્યું હતું. વર્ષ 1947માં આ જંગલમાં પ્રથમ વખત વાંદરાઓને આઈસોલેટ કરવામાં આવ્યા હતા. તેના પાંચ વર્ષ પછી 1952માં યુગાન્ડા અને તાન્ઝાનિયામાં આ વાયરસ પ્રથમ વખત લોકોમાં જોવા મળ્યો હતો. 2007માં ફેડરલ સ્ટેટ્સ ઓફ માઈક્રોનેશિયના આઈલેન્ડ યપમાં ઝીકા વાયરસ પ્રથમ વખત ફેલાયો હતો. ત્યારબાદ 2013માં ઝીકા વાયરસ મોટા પ્રમાણમાં ફ્રેન્ચ પોલીનેશિયા અને તેની આજુબાજુના નાના નાના દેશમાં ફેલાયો હતો.

  આ વાયરસ મચ્છર સિવાય બીજી કઈ રીતે ફેલાય છે?

  આ વાઇરસ મચ્છરના કરડવાથી ઉપરાંત યૌન સંબંધ બાંધવાથી પણ ફેલાય છે. ગર્ભવતી મહિલાના ભૃણમાં રહેલા બાળકને પણ તેનું સંક્રમણ લાગી શકે છે. અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (CDC)નું કહેવું છે કે, ઝીકા વાયરસ લોહી ચઢાવવાથી પણ ફેલાઈ શકે છે. અલબત આ બાબતે હજુ 100 ટકા ખાતરી થઈ નથી.

  આ પણ વાંચો: Explained : શું કોરોના વાયરસનું સંક્રમણ બીજી વખત લાગી શકે? અહીં જાણો 10 જરૂરી વાતો

  ઝીકા વાયરસથી કઈ બીમારી થાય છે? શા માટે આ વાયરસ જોખમી ગણાય છે?

  માઈક્રોસેફલીના કારણે આ વાયરસને ખતરનાક ગણવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓને ઝીકા વાયરસનું સંક્રમણ લાગે ત્યારે આ વાયરસ ગર્ભમાં રહેલા બાળક સુધી પહોંચી જાય છે. પરિણામે બાળક ગર્ભમાં જ માઈક્રોસેફલીનો શિકાર બની જાય છે. આ જન્મજાત વિકારને કારણે વાયરસનો ભોગ બનેલા બાળકોના માથા અન્ય બાળકોની સરખામણીએ નાના હોય છે.

  વિશ્વ આરોગ્ય સંસ્થાના મત મુજબ બ્રાઝિલ સહિતના જે દેશોમાં ઝીકા વાયરસ ફેલાયો હતો, ત્યાં ગુઈલેન બૈરે સિન્ડ્રોમ ફાટી નીકળ્યો હતો. આ એક પ્રકારનો ન્યુરોલોજીકલ વિકાર છે. જેના કારણે લકવો થઇ શકે અથવા તો મોત પણ થઇ શકે છે. યુએસ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ સ્ટડીઝના મત મુજબ આ સિન્ડ્રોમ ધરાવતા લોકોમાં મૃત્યુદર 8.3 ટકા જેટલો હતો.

  લક્ષણો ક્યાં ક્યાં છે?

  ઝીકા વાયરસનું સંક્રમણ લાગ્યું હોય તેવા મોટા ભાગના લોકોમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી અથવા તો નજીવા લોકોમાં ખૂબ હળવા લક્ષણો જોવા મળે છે.

  ઝીકા વાયરસના લક્ષણ કેટલા દિવસો સુધી રહે છે?

  સામાન્ય રીતે ઝીકા વાયરસના લક્ષણો 2થી 7 દિવસ સુધી જોવા મળે છે. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા બીમાર પડતા નથી. ઝીકા વાયરસમાં મોતની શક્યતા ઓછી હોય છે. પરિણામે મોટાભાગના લોકોને ઝીકા વાયરસનું સંક્રમણ લાગ્યું છે, તે અંગે ખ્યાલ જ હોતો નથી. ઝીકા વાયરસના લક્ષણો ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા અન્ય મચ્છર જન્ય રોગો જેવા જ હોય છે.

  આ પણ વાંચો: કિડનીને સ્વસ્થ રાખવા માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ

  ડોક્ટર પાસે ક્યારે જવું પડે?

  જો તમારામાં ઝીકા વાયરસના લક્ષણો હોય અને ઝીકા વાયરસનું જોખમ ધરાવતા વિસ્તારમાં રહેતા હોય, તો તબીબની મુલાકાત લેવી જોઈએ. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓને ડોક્ટરનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે. ડોક્ટરને પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવવી પણ જરૂરી છે.

  શું ઝીકા વાયરસ માટે કોઈ રસી છે?

  હાલ આ વાયરસ સામે રક્ષણ આપતી કોઈ રસી ઉપલબ્ધ નથી. મચ્છરોના માધ્યમથી આ વાયરસને ફેલાતો રોકવા જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.

  કઈ રીતે સુરક્ષિત રહી શકાય?

  - મચ્છરોથી બચો. તે માટે આખી ફૂલ સ્લીવના શર્ટ અને પેન્ટ પહેરો.

  - AC હોય ત્યાં રહો, બારી દરવાજામાં જાળી લગાવો.

  ઘરની અંદર મચ્છરથી બચવા આટલું કરો

  - ક્યાંય પણ પાણી ભરાયેલું ન રહેવા દો

  - ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાઓ માટે મોસ્કિટો રૈપલેન્ટનો ઉપયોગ કરો.

  - બે મહિનાથી નાના નવજાત અને બાળકો માટે રૈપલેન્ટનો ઉપયોગ ન કરો.

  - નાના બાળકો માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો

  - રૂમમાં AC કે જાળીવાળા બારી-દરવાજા ન હોય તો મચ્છરદાની લગાવીને સુઓ.

  - જ્યાં ઝીકા વાયરસના કેસ મળ્યા હોય તેવા સ્થળોએ યાત્રા કરવાનું ટાળો

  ઝીકા વાયરસ થઈ જાય તો શું કરવું?

  - આ વાયરસની કોઈ સચોટ દવા નથી. તેના લક્ષણોની સારવાર કરવામાં આવે છે.

  - સંપૂર્ણ રીતે આરામ કરો.

  - ડિહાઇડ્રેશનથી બચવા માટે ભરપૂર પ્રમાણમાં પાણી પીવો

  - તાવ અને દુ:ખાવો ઓછો કરવા માટે પેરાસીટામોલ લઈ શકાય છે.

  - એસ્પ્રિન કે અન્ય કોઈ નોન સ્ટીરોઇડ એન્ટી ઈંફ્લેમેટરી દવા ન લો.

  - જો તમે અન્ય કોઈ બીમારી માટે પણ દવા લેતા હોવ તો તબીબની સલાહ બાદ જ દવા લો.

  - મચ્છરથી પોતાની જાતને બચાવો.

  જો તમને ઝીકા હોય તો અન્ય લોકોને કઈ રીતે બચાવવા?

  - લોહી, લાળ, વીર્ય વગેરે જેવા તમારા શરીરના કોઈપણ પ્રવાહીથી તમારા સંબંધીઓ અથવા પરિવારના સભ્યોને દૂર રાખો.

  - અસુરક્ષિત સેક્સ ન કરો.

  - તમારી જાતને અને તમારા પરિવારને મચ્છરોથી બચાવો.

  - ઘરમાં સગર્ભા મહિલા હોય તો તેને મચ્છરથી બચાવો

  ઝીકા વાયરસના દર્દીઓની સંભાળ રાખનારાઓ ચેપથી પોતાને કેવી રીતે બચાવે?

  - સંક્રમિત વ્યક્તિના લોહી કે અન્ય કોઈ પ્રવાહીને હાથ મોજા વગર અડશો નહીં. જ્યાં આવું પ્રવાહી પડ્યું હોય તે સ્થળને પણ હાથ મોજા વડે જ અડો.

  - સાર સંભાળ રાખીને તુરંત બાદ જ સાબુ અને પાણીથી પોતાના હાથ ધુઓ.

  - જો તમારા કપડાં પર સંક્રમિત દર્દીનું લોહી અથવા અન્ય કોઈ પ્રવાહી પડ્યું હોય તો તેને ઉતારીને તરત જ ડિટર્જન્ટ અથવા સાબુથી ધોઈ નાખો.

  - આવા કપડાં ધોવા માટે બ્લીચનો ઉપયોગ કરવો જરૂરી નથી.

  - જે સપાટી ઉપર સંક્રમિત દર્દીનું લોહી કે અન્ય પ્રવાહી પડ્યું હોય ત્યાં તરત ક્લીનર કે ડિસઈન્ફેકટેન્ટથી સાફ કરી દો.

  શું ભારતમાં ભૂતકાળમાં ઝીકા વાયરસ ફેલાયો હતો?

  ભારતમાં ઝીકા વાયરસ સૌપ્રથમ વખત 1952-53માં જોવા મળ્યો હતો. 2018માં રાજસ્થાનમાં ઝીકા વાયરસના 80 કેસ મળી આવ્યા હતા. 2017માં અમદાવાદના બાપુનગરમાં ત્રણ કેસ મળ્યા હતા. તેમજ 2017માં તામિલનાડુના કૃષ્ણનગરી જિલ્લામાં પણ કેસ મળ્યો હતો.
  Published by:kuldipsinh barot
  First published: