Home /News /explained /

World Stroke Day: દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે, જાણો સ્ટ્રોકના કારણો, ચિહ્નો અને સારવાર વિશે

World Stroke Day: દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે, જાણો સ્ટ્રોકના કારણો, ચિહ્નો અને સારવાર વિશે

દર વર્ષે આશરે દોઢ કરોડ લોકો લકવાના શિકાર થાય છે.

વર્લ્ડ સ્ટ્રોક ડે (World Stroke Day) દર વર્ષે 29 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. તેનો હેતુ આ બીમારીના વધી રહેલા દર્દી અને તેની ગંભીરતાને લઈને જાગૃત્તિ ફેલાવવાનો છે. વર્લ્ડ સ્ટ્રોક કેમ્પેઈનની રિપોર્ટ મુજબ, દર વર્ષે આશરે દોઢ કરોડ લોકો લકવાના શિકાર થાય છે.

વધુ જુઓ ...
  ફક્ત ભારતમાં નહીં, પણ દુનિયાભરના લોકોમાં જોવા મળતી વિકલાંગતા અને મૃત્યુના સૌથી મુખ્ય કારણોમાંથી એક છે સ્ટ્રોક (stroke). સ્ટ્રોક, લકવો કે પક્ષાઘાત મગજથી જોડાયેલી ગંભીર બીમારી છે જેનો શિકાર કોઈ પણ, ક્યારેય પણ થઈ શકે છે.

  સ્ટ્રોક એટલે શું?

  મગજને લોહી પહોંચાડનારી નળીમાં ખામી સર્જાતા શરીરનું કોઈ અંગ કામ કરતું બંધ થઈ જાય તો તેને સ્ટ્રોક કહે છે. જો સમયસર તેનો ઈલાજ ન થાય તો વ્યક્તિ જિંદગીભર વિકલાંગ બની શકે છે.

  વર્લ્ડ સ્ટ્રોક ડે (World Stroke Day) દર વર્ષે 29 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. તેનો હેતુ આ બીમારીના વધી રહેલા દર્દી અને તેની ગંભીરતાને લઈને જાગૃત્તિ ફેલાવવાનો છે. વર્લ્ડ સ્ટ્રોક કેમ્પેઈનની રિપોર્ટ મુજબ, દર વર્ષે આશરે દોઢ કરોડ લોકો લકવાના શિકાર થાય છે. તેમાંથી લગભગ 50 લાખ લોકોના મૃત્યુ આ જ ગંભીર બીમારીને લીધે થાય છે અને 50 લાખ લોકો અપંગ બની જાય છે. રિપોર્ટ મુજબ દર 33 સેકન્ડે વ્યક્તિને લકવો થાય છે અને દર 3 મિનિટે કોઈ એક વ્યક્તિ સ્ટ્રોકને લીધે મૃત્યુ પામે છે. એક અંદાજ મુજબ લકવા દરમ્યાન દર સેકન્ડે લગભગ 32,000 જેટલા મગજના કોષો નાશ પામતા હોય છે.

  સ્ટ્રોકના પ્રકારો અને લક્ષણો

  સ્ટ્રોકના મુખ્ય બે પ્રકારો છે. (1) Brain Ischemia (મગજને પૂરતા પ્રમાણમાં લોહી ન મળવું) (2) Brain Hemorrhage (મગજમાં રક્તસ્ત્રાવ થવો)

  લગભગ 80-85% કિસ્સામાં લકવો મગજ સુધી લોહી ન પહોંચવાને લીધે થાય છે અને 15% લોહીની નળી ફાટવાથી હેમરેજ થવાથી થાય છે. આમાના 30% કિસ્સામાં મગજની અંદરની સૂક્ષ્મનળીઓમાં તકલીફ હોય છે જેને સ્મોલ વેસલ ડીસીઝ કહેવાય છે. ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ અટકી જતાં મગજના કોષોને પોષણ અને ઓક્સિજન ન મળે તો કોષો કામ કરતા અટકી જાય છે. તો લકવાના બીજા પ્રકારમાં લોહીની નળી ફાટવાથી દર્દી લકવાગસ્ત બને છે. ઘણાં દર્દીઓને લકવાને લીધે બોલવામાં, જોવામાં કે સમજવામાં તકલીફ થાય છે. તો હાથ, પગ કે શરીરનું કોઈ અંગ બેજાન થવું વગેરે લક્ષણો દેખાય છે. આ પરિસ્થિતિમાં બને એટલું જલ્દી ડોક્ટરની સલાહ લઈને ઈલાજ કરાવવો જોઈએ. એક વખત જ્યારે સ્ટ્રોક આવે છે ત્યારબાદ તેના લક્ષણો જોવા મળે છે. આ પુરુષો અને મહિલાઓમાં અલગ-અલગ લક્ષણો જોવા મળે છે.

  કેટલાંક લોકો Transient Ischemic Attackનો ભોગ બને છે એટલે કે સ્ટ્રોક આવ્યા બાદ 24 કલાકમાં તેમને રાહત થઈ જાય છે. પણ 30 ટકા દર્દીઓને પછીના પાંચ વર્ષમાં મોટા પક્ષાઘાતની અસર થતી જોવા મળે છે.

  સ્ટ્રોક થવાના કારણો કયા છે?

  - વધુ પડતું લોહીનું દબાણ એટલે કે હાઈ બ્લડ પ્રેશર (High Blood Pressure)
  - ધૂમ્રપાન, તમાકુ અથવા દારૂનું વધુ પડતું સેવન
  - ડાયાબિટીસનું અસંતુલન
  - હૃદયરોગો, વાલ્વના રોગો તથા અનિયમિત નાડી
  - જૂનો લકવો અથવા ટીઆઈએ (Transient Ischemic Attack)
  - બેઠાડું જીવન, શારીરિક કસરતનો અભાવ, ચરબીનો ભરવો, તણાવ
  - લોહીમાં ચરબીનું અસંતુલિત પ્રમાણ
  - વારસાગત (જીનેટિક કારણો)

  આ પૈકીના મોટાભાગના જોખમી પરિબળો લકવો તેમજ હૃદયરોગ બંને માટે માટે જવાબદાર છે. યોગ્ય સારવારથી આ પરિબળોને કાબૂમાં લઈ શકાય છે. 40 વર્ષથી વધુ વયની વ્યક્તિએ નિયમિત તપાસ કરાવવી જરૂરી છે.

  લકવાની ચેતવણીના ચિહ્નો BE-FAST

  B- Balance problem: ક્ષણિક લથડિયા ખાવા, ચક્કર આવવા કે ચાલવાની તકલીફ થવી
  E- Eye: ક્ષણિક ધૂંધળું કે ડબલ દેખાવું. આંખમાં તકલીફ થવી કે ઓછું દેખાવું.
  F- Face: અચાનક એકબાજુ મોઢું વાંકુ થવું
  A-Arm: એકબાજુના હાથપગ કામ કરતા અટકી જવા
  S-Speech: થોડા સમય માટે બોલવાની કે સમજવાની તકલીફ થવી
  T-TIME: તાત્કાલિક ઈમરજન્સી સ્ટ્રોક સર્વિસ/એમ્બ્યુલન્સનો સંપર્ક કરવો

  લકવાનું નિદાન શું છે?

  સ્ટ્રોક એક ઈમરજન્સી કન્ડિશન છે. જો સ્ટ્રોકને શરૂઆતમાં જ ઓળખીને ઈલાજ કરવામાં આવે તો એનાથી પ્રભાવિત લોકો સામાન્ય જીવન જીવી શકે છે કેમકે તેનો અસરદાર ઈલાજ શક્ય છે. લક્ષણ દેખાવાના શરૂઆતી સાડા ચાર કલાકમાં જો ઈલાજ થાય તો મોટા નુકસાનથી બચી શકાય છે. લકવો એ મગજનો રોગ હોવાથી અનુભવી ફિઝીશ્યન અથવા મગજના રોગના નિષ્ણાત (neurophysician) પાસે તાત્કાલિક સારવાર લેવી જોઈએ. દર્દીના સીટી સ્કેન અથવા એમઆરઆઈ ટેસ્ટ પરથી સારવારનો યોગ્ય નિર્ણય લેવામાં આવે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Brain stroke, Lifestyle, આરોગ્ય

  આગામી સમાચાર