Home /News /explained /Insurance policy: હેલ્થ કે લાઇફ ઈન્શ્યોરન્સ જ નહીં, આ વીમા પોલિસી પણ ખૂબ જરૂરી

Insurance policy: હેલ્થ કે લાઇફ ઈન્શ્યોરન્સ જ નહીં, આ વીમા પોલિસી પણ ખૂબ જરૂરી

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

વીમા પોલિસી (Insurance policy) ખરીદવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો જીવન વીમો (Life insurance) અને આરોગ્ય વીમા પોલિસી (Health insurance policy) ખરીદવાનું પસંદ કરે છે.

મુંબઈ: વીમા પોલિસી ખરીદવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો જીવન વીમો (Life insurance) અને આરોગ્ય વીમા પોલિસી (Health insurance policy) ખરીદવાનું પસંદ કરે છે. લોકોના આ નિર્ણય પાછળ ઘણા કારણ જવાબદાર છે. ખાસ કરીને લોકો માટે જરૂરી છે તેવું વીમા કવચ તેમને વેચવામાં ખાસ ધ્યાન અપાતું નથી. અમુક પ્રોડક્ટમાં ડિસ્ટ્રિબ્યુટર માટે વધુ નફો હોય છે. જેથી તેઓ જીવન વીમા કે આરોગ્ય વીમાનો જ આગ્રહ કરે છે. જેથી વીમાની ખરીદી વખતે પોતાની રીતે પણ ગણતરી કરી નિર્ણયો લેવા જરૂરી છે. આજે અહીં એવા ખાસ વીમા કવચ અંગે જાણકારી આપીશું જે લાઇફ કે હેલ્થ વીમા કવચ જેટલા જ મહત્ત્વના છે.

પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ (Personal Accident Insurance)

અકસ્માતનો ભોગ ગમે તે વ્યક્તિ ગમે ત્યારે બની શકે છે. અકસ્માતમાં ઇજાના કારણે આજીવન શારીરિક ખામી રહી જાય તો આર્થિક સ્થિતિ પર સીધી અસર થાય છે. અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિ સામે કમાણી કરવામાં પડકાર ઊભા થાય છે. આ ઉપરાંત શારીરિક ખામી મુજબ ઘર, કારને મોડિફાઇ કરાવવા, નર્સ કે અન્ય કોઈ વ્યક્તિને સારસંભાળ માટે રાખવા, વ્હીલચેર જેવી જરૂર ડિવાઇસ ખરીદવી જેવા ઘણા ખર્ચ સામે આવીને ઊભા રહે છે. તેમજ થેરાપી અને ટ્રીટમેન્ટ પાછળ પણ પૈસા વપરાય છે. આવા ખર્ચને આરોગ્ય વીમામાં સામેલ કરવામાં આવતા નથી. પણ પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ પ્લાનમાં આ ખર્ચ કવર થાય છે.

પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ પ્લાનમાં શું કવર થાય છે?

વ્યક્તિગત અકસ્માત વીમા પોલિસી વળતર આપે છે અને ત્રણ પ્રકારની વિકલાંગતાઓને આવરી લે છે.

1) કાયમી વિકલાંગતા- જ્યાં વીમાધારક વ્યક્તિને એવી શારીરિક ખોટ ઊભી થાય છે, જેના કારણે તે આજીવન કમાઈ શકતો નથી.

2) આંશિક અને કાયમી વિકલાંગતા- જ્યાં વીમાધારક વ્યક્તિ આંશિક પરંતુ સાજા ન થઈ શકે તેવા નુકસાનથી પીડાય છે. જેના કારણે તેની જીવન જીવવાની ક્ષમતા નબળી પાડે છે.

3) કામચલાઉ વિકલાંગતા- જ્યાં વીમાધારક વ્યક્તિને મોટું શારીરિક નુકસાન થાય છે અને તે કામચલાઉ સમય ગાળા માટે સામાન્ય જીવન જીવવામાં અસમર્થ છે. અમુક પોલિસીમાં મોતના કિસ્સામાં પણ વળતર મળે છે.

પોલિસી માટે ખર્ચ કેટલો થાય?

આ પોલિસીઓનું પ્રીમિયમ રિસ્ક ક્લાસ હેઠળની કેટેગરી મુજબના તમારા વ્યવસાય પર નિર્ભર રહેશે. પરંતુ તે સામાન્ય રીતે સસ્તું હોય છે. ઉદાહરણ તરીકે આકસ્મિક મૃત્યુ, કાયમી અને કામચલાઉ વિકલાંગતાને આવરી લેતી રૂ. 15 લાખની પોલિસીમાં રિસ્ક કલાસ-3 માટે રૂ. 3,540નો ખર્ચ થશે. જોકે, રિસ્ક ક્લાસ-1માં આ જ પ્લાન માત્ર 2,213 રૂપિયાનો મળશે.

તમારી પ્રોફાઇલના આધારે વીમા કંપનીઓ તમને પ્લાન આપશે. તમારી ક્ષમતા મુજબ તમે કવરેજ પસંદ કરી શકો છો.

ટુ વ્હીલર ઈન્શ્યોરન્સ

ટુ વ્હીલર ઈન્શ્યોરન્સ મહત્ત્વની પોલિસી છે. જેને આપણામાંના મોટાભાગના લોકો નજરઅંદાજ કરે છે. આ પોલિસી બજારમાં સક્રિય રીતે વેચાતી નથી. જેથી લોકો ઓછી ખરીદે છે. ટુ-વ્હીલર વીમા પોલિસી વાહન માલિકને અકસ્માત, ચોરી અને વાહનને કોઈ ગંભીર નુકસાન જેવી વિવિધ બાબતો માટે કવર આપે છે. ટુ વ્હીલર વીમા પ્લાન બે પ્રકારના હોય છે

થર્ડ પાર્ટી કવર: આ પ્લાનમાં અકસ્માતના કિસ્સામાં વીમા પોલિસી ધારક વાહનના માલિક અથવા મુસાફરો સિવાયની થર્ડ પાર્ટી એટલે કે અન્યને જે નુકસાન થાય તે આવરી લેવામાં આવે છે. આ પોલિસી થર્ડ પાર્ટી હોવાથી તેની પાછળ ખર્ચ પણ ઓછો થાય છે.

Comprehensive પ્લાન: આ પોલિસીમાં વાહનના ટોટલ લોસ, ચોરી કે થર્ડ પાર્ટીને થયેલા નુકસાનને પણ આવરી લેવામાં આવે છે. પર્સનલ એક્સિડન્ટ કવરમાં વૈકલ્પિક રાઈડરને પણ ક્યારેક આવરી લેવાય છે.

શા માટે આ પોલિસી જરૂરી છે?

સરકારે ટુ-વ્હીલર ધરાવતા દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદવી ફરજિયાત બનાવી છે. કાયદા મુજબ તમારી પાસે ટુ-વ્હીલર વીમા કવર હોવું આવશ્યક છે. તેમજ આપણા દેશમાં બાઇકની ચોરી પણ ખૂબ સામાન્ય બાબત છે. ઉપરાંત દેશના રોડ, શેરીઓ અને ખાડા સાહિતની બાબતોના કારણે આકસ્મિક નુકસાન સામાન્ય વાત છે. તેથી આવા નાણાકીય નુકસાન સામે તમારા વાહનને બચાવવા માટે આ પોલિસી ખરીદવાનો વિચાર કરવો જોઈએ

ખર્ચ કેટલો થશે?

ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પોલિસીના પ્રીમિયમમાં ટુ-વ્હીલરની સ્થિતિ અને મોડેલના આધારે રૂ. 1,500થી રૂ. 25,000 સુધીનો ખર્ચ થઈ શકે છે.

સાઇબર ઇન્સ્યોરન્સ

આજના ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમનુ પ્રમાણ વધતું જાય છે. સાયબર વીમો તમને ફિશિંગ સ્કેમ, ડેટા લોસ, સાયબર એટેક વગેરે જેવા ઇન્ટરનેટ આધારિત જોખમો સામે રક્ષણ પૂરું પાડે છે. તેમજ કોઈપણ નાણાકીય નુકસાનના કિસ્સામાં વળતર પણ આપે છે

શા માટે જરૂરી છે સાયબર વીમો?

દેશમાં ડિજિટલ પ્રવૃત્તિનું પ્રમાણ વધી રહ્યું છે. ઓનલાઈન ખરીદી અને પૈસાની લેવડ દેવડની સંખ્યા વધી છે. આ ઉપરાંત અત્યારે વર્ક ફ્રોમ હોમ પણ ચાલુ છે ત્યારે સાઇબર હુમલાનું પ્રમાણ પણ વધ્યું છે. જો તમારા ઈન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસમાં સાઇબર હેકર ઘુસી જાય તો બેંક ડિટેઇલ, પાસવર્ડ સહિતનો ડેટા તફડાવી શકે છે. જેના કારણે આર્થિક નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં સાઇબર વીમા પ્લાન તમને આવા નુકસાન સામે અસરકારક રીતે રક્ષણ આપી શકે છે.

આ ઉપરાંત તમારા વૃધ્ધ માતાપિતા હાથમાં સ્માર્ટફોન હોય તો અજાણતા સાઇબર ફ્રોડમાં ફસાઈ શકે છે. તમારે યાદ રાખવું જોઈએ કે, સાઇબર વીમા પોલિસી કેટલીક મર્યાદા સાથે આવે છે. જેથી તમારે પોલિસી માટે સાઇન અપ કરતા પહેલા આવી મર્યાદાઓને કાળજીપૂર્વક તપાસવી જોઈએ. તેથી તમને ભવિષ્યમાં ક્લેમ સમયે તકલીફ પડે નહીં.

કેટલી ખર્ચ થશે?

તમે કયા પ્રકારના નુકસાનને આવરી લેવા માંગો છો તેના આધારે સાયબર વીમા પોલિસીના પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ પોલિસી સસ્તી હોય છે. ઉદાહરણ તરીકે, બજાજ એલિયાન્ઝ સાયબરસેફના રૂ. 50,000ના મૂળભૂત કવરની કિંમત રૂ. 662 જેટલી ઓછી હોઈ શકે છે. જ્યારે એચડીએફસી એર્ગો e@secureનું રૂ. 1 કરોડનું કવર માટે દર વર્ષે આશરે રૂ.14,273 થશે.

અહીં ઉલ્લેખનીય છે કે, ભવિષ્યમાં શું થશે તેનો કોઈને ખ્યાલ નથી. અકસ્માત, ચોરી, તફડંચી, હેકર દ્વારા મોબાઇલ/ લેપટોપ હેક થઈ જાય કે ગંભીર બીમારીનું નિદાન થાય તેવી સ્થિતિમાં આવી પોલિસી ખૂબ કામ આવે છે. (MAHAVIR CHOPRA, moneycontrol)
First published:

Tags: Health insurance, Insurance, Life Insurance, Vehicle Insurance