Home /News /explained /Secret to Long Life: કોણ છે એ લોકો જે 100 વર્ષ જીવે છે, શું છે તેમના લાંબા આયુષ્યનું રહસ્ય?

Secret to Long Life: કોણ છે એ લોકો જે 100 વર્ષ જીવે છે, શું છે તેમના લાંબા આયુષ્યનું રહસ્ય?

100 વર્ષના પડાવ સુધી પહોંચેલી બે મહિલાઓ (Image- shutterstock)

Reason Why People Live to 100: દુનિયાભરમાં એવા ઘણાં લોકો છે જે 100 વર્ષ કે તેથી વધુ જીવે છે. ઇટલીનું એક ગામ છે, જ્યાં લગભગ દરેક વ્યક્તિની ઉંમર 90 વર્ષ તો હોય જ છે. જાપાનમાં પણ લોકો લાંબુ જીવે છે. આખરે તેમના આ દીર્ઘાયુષ્યનું શું રહસ્ય છે, જાણીએ.

વધુ જુઓ ...
Reason Why People Live to 100: દુનિયામાં કેટલીય પ્રકારની બીમારીઓ, યુદ્ધ, તણાવ, આર્થિક તંગી જેવી મુશ્કેલીઓનો લોકો સામનો કરે છે. એવામાં લાંબુ જીવવાની વાતને ઘણાં હસી કાઢે છે. પરંતુ આપણે ઘણી વખત એવા લોકો વિશે પણ સાંભળીએ છીએ જેઓ ખુશી ખુશી 100 વર્ષ જીવી જાય છે. એવામાં સવાલ થાય કે- આખરે કઈ રીતે? એ કયું સિક્રેટ છે, જેની બદોલત તેઓ ખુશી ખુશી ઉંમરના આ પડાવ સુધી પહોંચી ગયા.

2017માં એક સ્ટડી સામે આવી જેમાં ઇટલીના દૂરના ગામડામાં 90 પાર લોકોથી વાત કરવામાં આવી અને તેમની વાતચીત પરથી એ ખ્યાલ આવ્યો કે તે તમામ લોકોમાં જીવંત રહેવાનું જુનુન હતું. તેમની ઉંમર 90 થી 101 વર્ષ વચ્ચે હતી. ‘ઇન્ટરનેશનલ સાયકોગેરિયાટ્રિક્સ’ નામના જર્નલમાં છપાયેલી આ સ્ટડીમાં 29 વૃદ્ધના માનસિક-શારીરિક સ્વાસ્થ્યની સમીક્ષા કરવામાં આવી. આ ઇટલીનું સિલેંટો ગામ હતું જ્યાં આ રિસર્ચ થયું હતું.

રિસર્ચમાં ખુલાસો થયો કે આ 90-100ની ઉંમરના લોકો પરિવર્તન મુજબ પોતાની જાતને ઢાળવામાં માને છે. તેમાંથી એક સહભાગીએ જણાવ્યું કે, તેમની પત્નીનું નિધન થઈ ગયું છે, પરંતુ તેમના બાળકોને લીધે તેઓ સારું અનુભવી રહ્યા છે. તેઓ પરિવર્તન માટે હંમેશા તૈયાર રહે છે કારણ કે, તેનાથી જીવનમાં આગળ વધવાનો મોકો મળે છે.

આ પણ વાંચો: જાણો Coal Miners Day મનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી અને તેનું શું મહત્વ છે

મુશ્કેલ સમય ઉંમરને પ્રભાવિત કરે છે

મુશ્કેલ સમયમાંથી નીકળીને આગળ વધવાનો નિર્ણય આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. તેનું ઉદાહરણ એમા મુરાનો પણ છે જે વિશ્વના સૌથી વૃદ્ધ મહિલા (World’s Oldest Woman) હતા. એપ્રિલ 2017માં તેમનું નિધન થયું. એમાએ 1938 માં મુશ્કેલીભર્યા પોતાના લગ્નમાંથી બહાર આવવાનો નિર્ણય લીધો હતો. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘હું નથી ઇચ્છતી કે મારા પર કોઈ રાજ કરે.’ એ લગ્નમાંથી બહાર આવવાને એમા પોતાના લાંબા આયુષ્યનું કારણ માને છે. જો કે, એમાના લાંબા આયુષ્યનું રહસ્ય તેમનું ડાયેટ પણ હતું. તેઓ દરરોજ કાચા ઈંડા અને ઘણી બધી કુકીઝ ખાતા હતા.

people live to 100
જાપાનમાં વૃદ્ધોની વસ્તી સૌથી વધુ છે. (પ્રતીકાત્મક ફોટો)


સકારાત્મકતા, સિદ્ધાંત અને અન્ય ગુણો

લાંબુ આયુષ્ય ભોગવતા લોકોના જીવનમાં સકારાત્મકતા, કામ કરવાના કડક સિદ્ધાંત અને પરિવાર, દેશ, ધર્મથી મજબૂત બંધન જેવા ગુણો પણ જોવા મળે છે. ઉપર જે સ્ટડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં ભાગ લેનારા મોટાભાગના લોકોએ રોજિંદુ કામ કરવાનું છોડ્યું નથી. રિસર્ચરોનું માનવું છે કે આમ કરવાથી વધતી ઉંમરમાં પણ જીવનમાં એક ઉદ્દેશ રહે છે.

માનસિક સ્વાસ્થ્યની મહત્વની ભૂમિકા

રિસર્ચરોએ આ વૃદ્ધ લોકોની સરખામણી તેમનાથી ઓછી વય (51-75)ના સભ્યો સાથે પણ કરી. દેખીતું છે કે શારીરિક સ્વાસ્થ્ય તો વધુ વય ધરાવતા લોકોનું કથળેલું હતું, પરંતુ માનસિક સ્વાસ્થ્ય મામલે 90 પ્લસ લોકોએ બાજી મારી. કદાચ વધતી ઉંમર આપણને ઓછામાં સંતોષ માનવાનું શીખવી દે છે. જ્યાં આનંદ અને સંતોષ હોય ત્યાં તણાવ અને નિરાશા ઘટી જાય છે. એ રસપ્રદ છે કે વધતી ઉંમરને લઇને જે સામાન્ય દ્રષ્ટિકોણ છે, તેને 100 વર્ષ જીવતા લોકોએ નકાર્યો છે. વૃદ્ધાવસ્થા અંધકારથી ભરેલી હોય એ જરૂરી નથી, તે સકારાત્મક અને પ્રેરણાદાયી પણ હોઈ શકે છે.

એ સત્ય છે કે આ ઉંમર સુધી પહોંચવા માટે કોઈ ફિક્સ ફોર્મ્યુલા નથી, પરંતુ કેટલાક ગુણો એવા છે જે આપણને દરેક ઉંમરમાં મદદ કરે છે જેમ કે, પોઝિટિવિટી અને ઇચ્છાશક્તિ.

આ પણ વાંચો: આખરે હિન્દીની બંધારણીય સ્થિતિ શું છે, તે શા માટે રાષ્ટ્રભાષા ન બની શકી?

અર્થતંત્ર માટે બોજારૂપ

તો બીજી તરફ વધતી ઉંમરનું બીજું એક પાસું છે જે જાપાન જેવા દેશમાં જોવા મળે છે. જાપાન એ દેશોમાં ટોચ પર માનવામાં આવે છે જ્યાં 100 વર્ષની વયના વૃદ્ધ લોકોની સંખ્યા સૌથી વધુ છે. જાપાનમાં વૃદ્ધોના સન્માનમાં 19 સપ્ટેમ્બરએ નેશનલ હોલિડે પણ છે. પરંતુ આટલા બધા લોકોનું લાંબુ આયુષ્ય પણ દેશની આર્થિક સ્થિતિને બગાડી શકે છે. નિષ્ણાતો માને છે કે જાપાનમાં વૃદ્ધોને સન્માન આપવામાં આવે છે, પણ તેમના પર સંસાધન ઘણા ખર્ચ થાય છે.

જાપાનમાં 100 પારના લોકોને ભેટ

2016ના આંકડાઓ અનુસાર, જાપાનમાં 65 હજાર લોકો એવા છે જેમની ઉંમર 100 વટાવી ગઈ છે. દર વર્ષે જાપાનમાં વૃદ્ધોને ભેટ તરીકે ચાંદીની પ્લેટ આપવામાં આવે છે. જો કે, ભેટની સંખ્યા હજારો સુધી પહોંચી જતા 2016માં સરકારે નિર્ણય લીધો હતો કે ચાંદીની થાળીને બદલે હવે સસ્તી ભેટ આપવામાં આવશે.

આ તો માત્ર એક નાનું ઉદાહરણ છે. જાપાન તેની વૃદ્ધ વસ્તીને કારણે ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. જાપાનમાં એક પછી એક બે પેઢીઓ નિવૃત્તિની ઉંમરમાં પ્રવેશી રહી છે. ત્યાં બાળકનો જન્મ દર ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં અર્થવ્યવસ્થા સંકોચાઈ રહી છે. અર્થશાસ્ત્રીઓએ તેને 'ડેમોગ્રાફિક ટાઇમ બોમ્બ' નામ આપ્યું છે. આ મુજબ, જો જાપાનમાં યુવાનોને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં નહીં આવે તો એક દિવસ આ દેશ સંપૂર્ણપણે નાશ પામશે.

પરંતુ એટલું ચોક્કસ છે કે દીર્ધાયુષ્યનું રહસ્ય માત્ર એક જ વસ્તુમાં છુપાયેલું નથી. જો કે, એ સ્પષ્ટ છે કે શારીરિક સ્વાસ્થ્ય કરતાં માનસિક સ્વાસ્થ્ય અને ઓછામાં સંતોષ માનવા જેવી બાબતો વધુ મહત્વપૂર્ણ છે.
First published:

Tags: Explained, Health આરોગ્ય, Know about, Lifestyle, Mental health માનસિક આરોગ્ય, જીવનધોરણ lifestyle, જ્ઞાન