આજે ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ (Dr Vikram Sarabhai)ની 102મી વર્ષગાંઠ છે. સારાભાઈ દેશના અંતરિક્ષ કાર્યક્રમના પિતા (Father of Indian Space Program) તરીકે ઓળખાય છે. ઈસરોની સ્થાપના તેમના પોતાના પ્રયાસોને કારણે થઈ હતી અને તેઓ ઈસરો (ISRO)ના પ્રથમ ચેરમેન હતા. ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી સારાભાઈએ દેશમાં પરમાણુ ઉર્જાના વિકાસમાં પણ યોગદાન આપ્યું હતું. તેમની પ્રેરણાને કારણે આજે દેશનો અંતરિક્ષ કાર્યક્રમ આટલો આગળ વધ્યો છે.
દેશના પોતાના અવકાશ કાર્યક્રમ માટે પ્રેરણા
વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં પ્રખ્યાત ઉદ્યોગપતિ સારાભાઈના પરિવારમાં થયો હતો. સારાભાઈએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કોસ્મિક રેજમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. તેમણે રશિયાના પ્રથમ અવકાશયાન સ્પુતનિકના પ્રક્ષેપણ બાદ ભારત સરકારને પોતાનો અંતરિક્ષ કાર્યક્રમ શરૂ કરવા માટે મનાવી હતી.
સારાભાઈના પ્રયત્નોથી ઈસરો બન્યું
વર્ષ 1962માં ભારત સરકારે સારાભાઈની સલાહ પર ઈન્ડિયન નેશનલ સ્પેસ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR)ની સ્થાપના કરી હતી. તેમના પ્રયત્નોને કારણે INCOSPARનું પુનર્ગઠન કરીને 15 ઓગસ્ટ 1969ના રોજ તેને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના નામથી સ્થાપિત કરવામાં આવી હતી. જેના પ્રથમ ચેરમેન તરીકે સારાભાઈને જ ચૂંટવામાં આવ્યા હતા.
સારાભાઈએ હોમી જહાંગીર ભાભાની મદદથી ભારતનું પ્રથમ રોકેટ લોન્ચિંગ સ્ટેશન વિકસાવ્યું હતું.
પ્રથમ રોકેટ લોન્ચિંગ સ્ટેશન
સારાભાઈએ હોમી જહાંગીર ભાભાની મદદથી ભારતનું પ્રથમ રોકેટ લોન્ચિંગ સ્ટેશન વિકસાવ્યું હતું. સાથે જ ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ સહીત ભારતમાં પ્રથમ વખત કેબલ ટીવીનું આગમન પણ થયું હતું. વર્ષ 1975માં તેમના નાસાના સંપર્કોને કારણે જ દેશમાં સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપરિમેન્ટની સ્થાપના થઇ શકી હતી. તેઓ 1966થી 1971 સુધી ભારતીય અણુ ઉર્જા આયોગના અધ્યક્ષ રહ્યા હતા અને ભારતના અણુ ઉર્જા કેન્દ્રોની સ્થાપનામાં મહાન વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાના કાર્યને આગળ વધાર્યું હતું.
ચંદ્રના ક્રેટરને અપાયું સારાભાઈનું નામ
ચંદ્રમાના એક ક્રેટરને ડો. સારાભાઈનું નામ આપવામાં આવ્યું છે. વર્ષ 1974માં ઓસ્ટ્રેલિયાના સિડની સ્થિત ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને ચંદ્રના ક્રેટરને સારાભાઈ ક્રેટર નામ આપીને તેમનેનું સન્માન કર્યું હતું. આ ક્રેટર 8 કિમી વ્યાસનો ગોળાકાર ખાડો છે, જે ચંદ્રના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સી ઓફ ટ્રંકવેલીટીબેસલ ક્રેટર નજીક સ્થિત છે. અગાઉ તેનું નામ બેઝલ - એ ક્રેટર હતું.
ચંદ્રયાન 2ના પ્રથમ લેન્ડરનું નામ પણ સારાભાઈના નામ પરથી
ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા ચંદ્રયાન-2ના લેન્ડરનું નામ પણ વિક્રમ લેન્ડર રાખવામાં આવ્યું હતું. જેને ઈસરો દ્વારા ડો.વિક્રમ સારાભાઇના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જે ચંદ્ર પર ભારતનું પ્રથમ લેન્ડર-રોવર મોડ્યુલ હતું. પરંતુ આ લેન્ડર પ્રજ્ઞાન રોવરને ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતારવામાં નિષ્ફળ રહ્યું હતું. આ વિક્રમ લેન્ડરનું કામ રોવર અને ઓર્બિટર વચ્ચે સંચાર કડી તરીકે કામ કરવાનું હતું.
ડો. વિક્રમ સારાભાઈએ દેશમાં ઘણી પ્રમુખ સંસ્થાઓની સ્થાપનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેમાં અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદમાં ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અને કોલકાતામાં વેરિએબલ એનર્જી સાયક્લોટ્રોન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમણે ઓપરેશન રિસર્ચ ગ્રુપ, અમદાવાદમાં નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ, અમદાવાદમાં કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, કલપ્કમ ખાતે ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટર, હૈદરાબાદમાં ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ અને જાદુગુડા ઝારખંડમાં યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની સ્થાપનામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું.
" isDesktop="true" id="1123442" >
30 ડિસેમ્બર 1971ના રોજ કેરલના તિરૂવનંતપુરમના કોવલમ ખાતે ડો. સારાભાઈનું અવસાન થયું હતું. તેમને વર્ષ 1966માં પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા, જયારે વર્ષ 1972માં તેમને મરણોપરાંત પદ્મ વિભૂષણ એનાયત કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, તેમની પ્રથમ પુણ્યતિથિ પર ટપાલ વિભાગે તેમના સન્માનમાં પોસ્ટ સ્ટેમ્પ બહાર પાડ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર