Home /News /explained /

Louis Braille: પ્રજ્ઞાચક્ષુઓ માટે વરદાન બન્યા હતા લુઈ બ્રેઈલ, આ રીતે 16 વર્ષની ઉંમરે બનાવી બ્રેઈલ લિપિ

Louis Braille: પ્રજ્ઞાચક્ષુઓ માટે વરદાન બન્યા હતા લુઈ બ્રેઈલ, આ રીતે 16 વર્ષની ઉંમરે બનાવી બ્રેઈલ લિપિ

આજે બ્રેઈલ લિપિના શોધક લુઈ બ્રેઈલની જન્મજયંતિ છે. (Image- britannica)

World Braille Day 2022: લુઈ બ્રેઈલે પોતે નેત્રહીન હોવા છતાં પ્રજ્ઞાચક્ષુઓને વાંચવા-લખવામાં સક્ષમ બનાવવા માટે એક નવી ભાષા શોધી, જેને બ્રેઈલ લિપિ (Braille script) કહેવાય છે. બ્રેઈલ લિપિની મદદથી આજે મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે.

વધુ જુઓ ...
  World Braille Day 2022: આધુનિક વિશ્વમાં પ્રગતિ અને સમાનતાની દ્રષ્ટિએ આજનો દિવસ બહુ મહત્વનો છે કારણકે આજે એક એવા મહાન વ્યક્તિનો જન્મ થયો હતો, જેમણે આગળ જતાં બ્રેઈલ લિપિની શોધ કરી જેથી પ્રજ્ઞાચક્ષુ લોકો માટે વાંચવા-લખવાનું શક્ય બન્યું. એ મહાન વ્યક્તિ એટલે લુઈ બ્રેઈલ (Louis Braille).

  પ્રજ્ઞાચક્ષુ માટે બ્રેઈલ લિપિનો આવિષ્કાર કરનારા લુઈ બ્રેઈલનો જન્મ 4 જાન્યુઆરી 1809માં ફ્રાંસના એક નાનકડા વિસ્તાર કુપ્રેમાં થયો હતો. લુઈ 4 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. લુઈ બ્રેઈલે પોતે નેત્રહીન હોવા છતાં પ્રજ્ઞાચક્ષુઓને વાંચવા-લખવામાં સક્ષમ બનાવવા માટે એક નવી ભાષા શોધી, જેને બ્રેઈલ લિપિ (Braille script) કહેવાય છે. બ્રેઈલ લિપિની મદદથી આજે મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે.

  જન્મથી જ નેત્રહીન ન હતા લુઈ બ્રેઈલ

  ફ્રાંસમાં રહેતા લુઈ બ્રેઈલ જન્મથી નેત્રહીન ન હતા. તેઓ 3 વર્ષના હતા ત્યારે એક દુર્ઘટનામાં તેમની આંખોની રોશની જતી રહી. લુઈ બ્રેઈલના પિતા રેલે બ્રેઈલ શાહી ઘોડાઓ માટે કાઠી બનાવવાનું કામ કરતા હતા. એક દિવસ લુઈ બ્રેઈલ પોતાના પિતાના ઓજારો સાથે રમી રહ્યા હતા ત્યારે અચાનક એક ઓજાર તેમની આંખમાં જતો રહ્યો. શરૂઆતમાં ઈલાજ કરાવ્યા બાદ થોડી રાહત મળી પણ સમય જતાં તેમની તકલીફ વધતી ગઈ અને 8 વર્ષની ઉંમરે તેમને દેખાવાનું બંધ થઈ ગયું અને તેઓ નેત્રહીન થઈ ગયા.

  લુઈ બ્રેઈલ જ્યારે 16 વર્ષના થયા ત્યારે તેમને વિચાર આવ્યો કે પ્રજ્ઞાચક્ષુઓ માટે વાંચવા કોઈ લિપિ પર કામ કરવામાં આવે અને તેઓ આ વિચાર પર કામ કરવા લાગ્યા. આ દરમ્યાન તેમની મુલાકાત ફ્રાંસની સેનાના કેપ્ટન ચાર્લ્સ બાર્બિયર સાથે થઈ. બાર્બિયરે લુઈ બ્રેઈલને ‘નાઇટ રાઈટિંગ’ અને ‘સોનોગ્રાફી’ વિશે માહિતી આપી હતી, જેની મદદથી સૈનિક અંધારામાં વાંચતા હતા.

  આ પણ વાંચો: Savitribai Phule: લોકોએ પથ્થર માર્યા, પિતાએ પુસ્તકો ઝૂંટવ્યા, તો પણ બન્યા ભારતના પહેલા મહિલા શિક્ષિકા

  આ ‘નાઇટ રાઈટિંગ’માં લિપિ કાગળ પર ઉપસેલી હતી, જેમાં 12 બિંદુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બિંદુઓને 6-6ની 2 પંક્તિઓમાં રાખવામાં આવ્યા હતા. જોકે, ‘નાઇટ રાઈટિંગ’ લિપિમાં વિરામ ચિહ્ન, સંખ્યાઓ અને કોઈ પ્રકારના ગાણિતિક ચિહ્ન ન હતા.

  લુઈએ બ્રેઈલ લિપિમાં 64 અક્ષરનો સમાવેશ કર્યો

  ‘નાઇટ રાઈટિંગ’ લિપિની જાણકારી મળ્યા બાદ લુઈ બ્રેઈલ પ્રજ્ઞાચક્ષુઓ માટે ખાસ લિપિ બનાવવાની યોજના પર કામ કરવા લાગ્યા. લુઈએ બ્રેઈલ લિપિમાં 12ની જગ્યાએ ફક્ત 6 બિંદુઓનો ઉપયોગ કરીને 64 અક્ષર અને ચિહ્ન તૈયાર કર્યા. બ્રેઈલ લિપિમાં તેમણે ગાણિતિક ચિહ્નો, વિરામ ચિહ્ન અને સંગીતના નોટેશન લખવા માટે જરૂરી ચિહ્ન પણ બનાવ્યા. આ રીતે લુઈ બ્રેઈલે 1825માં ફક્ત 16 વર્ષની ઉંમરમાં જ પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઈલ લિપિનો આવિષ્કાર કરી નાખ્યો.

  આ પણ વાંચો: શ્રીનિવાસ રામાનુજન, જેમણે આપ્યા 3500 ગણિતના સૂત્ર, 33 વર્ષની વયે આ રોગથી થયું હતું નિધન

  જોકે, લુઈ બ્રેઈલ લાંબુ જીવી ન શક્યા. 1851માં લુઈને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીની ગંભીર બીમારી થઈ અને તેમની તબિયત કથળવા લાગી. ફક્ત 43 વર્ષની વયે પોતાના જન્મદિવસના 2 દિવસ બાદ 6 જાન્યુઆરી 1852ના રોજ તેમનું મૃત્યુ થયું.

  બ્રેઈલ લિપિના શોધક લુઈ બ્રેઈલ આજે પણ ભારતમાં પૂજવામાં આવે છે. 2009માં ભારત સરકારે લુઈ બ્રેઈલની 200મી જયંતિ નિમિત્તે તેમના માનમાં એક ટપાલ ટિકિટ અને બે રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તેમની બ્રેઈલ લિપિ પ્રજ્ઞાચક્ષુઓ માટે ઘણી મદદરૂપ સાબિત થઈ અને આજે પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: History, Special day, World

  આગામી સમાચાર