Explainer: તાલિબાની રાજ બાદ ભારતમાં વધી શકે છે જૈશ-લશ્કરનો આતંક, જાણો અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ કેવી અસર થશે

અફઘાનિસ્તાનમાં તાલીબાને સંપૂર્ણ શાસન મેળવી લીધું છે.

aliban Rule In Afghanistan: ભારતમાં હવે જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધવાની શક્યતાઓ વધી ગઇ છે.

  • Share this:
અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલીબાને (Taliban) સંપૂર્ણ શાસન જમાવી લીધું છે અને આજે દરેક અફઘાનિસ્તાની નાગરિક પોતનો જ દેશ છોડવા મજબૂર બન્યો છે. વિશ્વના તમામ દેશો અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા આ રમખાણોથી ચિંતિત છે. તાલીબાને સત્તા હસ્તાંતરણ કરી અડિંગો જમાવી લીધો છે, પરંતુ આ કૃત્ય બાદ તે લોકોના પ્રયાસો પર પાણી ફર્યુ છે, જે છેલ્લા 20 વર્ષથી દેશમાં લોકતંત્રની સ્થાપનાના પ્રયાસમાં લાગેલા હતા. આ હલચલની અસર હવે સમગ્ર એશિયા સહિત ભારત પર પણ પડશે. ભારતમાં હવે જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધવાની શક્યતાઓ વધી ગઇ છે. આ સાથે જ દેશની સુરક્ષા એજન્સીઓ અને સેના અધિકારીઓ એલર્ટ મોડમાં આવી ગયા છે.

ભારતની ઘાટીમાં જૈશ-લશ્કર જેવા અનેક આતંકી સંગઠનો મોકાની તરાપમાં બેઠા છે. તેવામાં હવે આ આતંકવાદીઓને તાલીબાનનો સહયોગ મળે તો કોઇ નવાઈની વાત નથી. બીજી તરફ પાકિસ્તાન પણ આડકતરી રીતે પોતાનો ટેકો તાલિબાનને જાહેર કરી ચૂક્યું છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદ્યે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન સમગ્ર દક્ષિણ એશિયાને અસર કરશે. તેની અસર જમ્મુ-કાશ્મીરમાં પણ થઇ શકે છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, પાકિસ્તાન હવે જૈશ અને લશ્કરના આતંકવાદી કેમ્પને POKથી અફઘાનિસ્તાનમાં શિફ્ટ કરશે, જેથી તે આંતરરાષ્ટ્રીય તપાસમાં સામે ન આવે. આતંકવાદી જૂથો માટે અફઘાનિસ્તાન સુરક્ષિત આશ્રયસ્થાન બનશે.

આ પણ વાંચો- જામનગર: અફઘાનિસ્તાનમાંથી પરત ફરેલા નાગરિકો માતૃભૂમિ પર પગ મૂકતા જ ખુશીના આંસુએ રડ્યાં

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની તાકાત વધશે

એસપી વૈદ્યે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં હવે આગામી 9-11નું કાવતરું ઘડાઇ શકે છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની તાકાત વધશે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI તાલિબાનને તેના કેટલાક આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરમાં મોકલવા માટે કહી શકે છે. જેથી આતંકનું વાતાવરણ ઉભું કરી શકાય.

ભારતમાં વેઇટ એન્ડ વોચની સ્થિતિ

બીજી તરફ ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના કબીર તનેજા કહે છે કે, તાત્કાલિક સ્થિતિને ધ્યાને રાખીને જોઇએ તો ભારત પર આ પરિવર્તનની ખાસ અસર નહીં થાય. ભારત એલર્ટ અને વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. છેલ્લા 4-5 દિવસમાં ભારતે એવું કોઇ નિવેદન જાહેર નથી કર્યું, જે કોઇના પક્ષમાં કે વિરોધમાં હોય.

તો અમુક વિશેષકોનું માનવું છે કે આગામી સમયમાં ભારત પોતાને અફઘાનિસ્તાનમાં મુશ્કેલ પરિસ્થિતીઓમાં મુકશે. ભારતની અમેરિકા સાથે વધુ પડતી નિકટતા અને પોલિસી જજમેન્ટમાં રહેલ અમુક ત્રુટિઓ તેનું કારણ હોઇ શકે છે.

ભારતની મદદ અટકતા થંભી જશે અફઘાનિસ્તાનનો વિકાસ

કબીર તનેજાના જણાવ્યા અનુસાર, ભારતે અફઘાનિસ્તાનમાં જે કામો કર્યા તે રોકાણ નહીં, પરંતુ મદદ હતી. આપણે 3 બિલિયન ડોલર ખર્ચ કર્યા છે, તે કોઈ આવક મેળવવા માટે નહોતા. પરંતુ અફઘાનિસ્તાનના લોકોના વિકાસ માટે હતા. છેલ્લા 20 વર્ષમાં ભારતે અફઘાનિસ્તાનમાં લગભગ 500 નાની મોટી પરિયોજનાઓમાં પૈસાઓ ખર્ચ્યા છે. જેમાં સ્કૂલ, હોસ્પિટલ, સ્વાસ્થ્ય કેન્દ્ર, બાળકોની હોસ્ટેલ, પુલ વગેરે સામેલ છે.

ભારતે અફઘાનિસ્તાનના સંસદ ભવન, સલમા બંધ અને જરાંજ-દેલારામ હાઇવે જેવી પરિયોજનાઓમાં ખૂબ પૈસા ખર્ચ્યા હતા. આ મદદને તાલીબાન નષ્ટ કરી દે તેવું શક્ય લાગતું નથી.

આ પણ વાંચો-  Afghanistan Crisis: 5 તાલિબાની હતા અમેરિકા માટે સૌથી મોટો ખતરો, હવે તે જ કરશે અફઘાનિસ્તાન પર રાજ

પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ અને ચીનની ડ્રેગન ચાલ વધશે

અમુક નિષ્ણાંતોનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં તાલીબાનનો ઉદય થવાની સાથે જ ચીન અને પાકિસ્તાનની દખલ વધી શકે છે. આ બંને દેશ અફઘાનિસ્તાનમાં ભારતની દખલ ઘટાડવાનો એડીચોટી સુધીનો પ્રયાસ જરૂર કરશે.

આપને જણાવી દઇએ કે, અફઘાનિસ્તાન મધ્ય અને દક્ષિણ એશિયામાં મોકાનો દેશ છે. તેની પૂર્વ અને દક્ષિણ સરહદે પાકિસ્તાન, પશ્ચિમે ઇરાન, ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાન તેમજ ઉત્તર-પૂર્વમાં ચીન છે. ચીન મધ્ય અને દક્ષિણ એશિયા પરના અફઘાનિસ્તાનને સહયોગ આપી સારું બનશે અને અમેરિકા-ભારત બંનેની ઉંઘ હરામ કરી શકશે. ચીનની આવી ડ્રેગન ખંધાઈને લીધે પાકિસ્તાન ઈચ્છે છે કે બગાસુ ખાતા તેના મોંમાં પતાસુ આવી જાય.

શું થશે ભારતના મહત્વકાંક્ષી ચાબહાર પ્રોજેક્ટનું?

ઇરાનનું ચાબહાર બંદરગાહ ભારતને અફઘાનિસ્તાન અને ઈરાનની સાથે મધ્ય એશિયાના દેશો સાથે જોડે છે. ભારત આ પ્રોજેટક્ટ દ્વારા અફઘાનિસ્તાન સાથે ટ્રેડનો સીધો રસ્તો બનાવવા માંગતું હતું. તનેજાનું કહેવું છે કે, તાલીબાનના ઉદય બાદ અફઘાનિસ્તાનમાં આ પ્રોજેક્ટના ભવિષ્ય વિશે કહેવું હાલ ખુબ અસંમજમ ભર્યુ છે. પરંતુ આવનાર વર્ષો ભારત માટે થોડા મુશ્કેલ રહેશે.

શું જમ્મુ-કાશ્મીરમાં માથું ઊંચકશે આતંકી સંગઠનો?

આ તમામ સ્થિતિઓ વચ્ચે મુલ્લા બરાદરનો અફઘાનિસ્તાનની સત્તામાં શું રોલ હશે તે જોવાનું રહેશે. બરાદર ઘણા વર્ષો સુધી પાકિસ્તાનની જેલમાં રહ્યો છે અને તેને પાકિસ્તાનનો સંપૂર્ણ સહયોગ છે. એવામાં જો આતંકી સંગઠન જૈશ અને લશ્કર અફઘાનિસ્તાનમાં આવીને તાલીમ લેવા ઇચ્છે છે તો તેના માટે મુશ્કેલ નથી. તાલીબાનના લડાકુઓ પાસે રહેલ અમેરિકા અને નાટો દેશોની સાથે યુદ્ધનો અનુભવનો લાભ મેળવી શકે છે. આ સ્થિતિઓ ભારત માટે સમસ્યા રૂપ બની શકે છે. આ સ્થિતિઓ સામે મક્કમ રીતે ઊભું રહેવા ભારતે આવનારા ટૂંક સમયમાં તાલીબાન સાથે કેવા સંબંધો રાખવા તે નક્કી કરવું પડશે.

કઇ રીતે બન્યું તાલીબાન?

- અફઘાન ગુરિલ્લા લડાકુંએ 1980ના દાયકા અંતમાં અને 1990ની શરૂઆતમાં આ સંગઠન બનાવ્યું હતું. આ સમયગાળામાં અફઘાનિસ્તાન પર સોવિયત સંઘનો કબ્જો (1979-89) હતો. તેમણે અમેરિકન જાસૂસી એજન્સી CIA અને પાકિસ્તાનની ISIનું સમર્થન મેળવ્યું.

- અફઘાન લડાકુઓની સાથે પશ્તો આદિવાસી સ્ટુડન્ટ પણ તેમાં સામેલ હતા. આ લોકો પાકિસ્તાનના મદરસોમાં ભણતા હતા. પશ્તોમાં સ્ટૂડન્ટને તાલીબાન કહેવાય છે. ત્યાંથી જ તેનું નામ તાલીબાન પડ્યું હતું.

- અફઘાનિસ્તાનમાં પશ્તૂન બહુમતી છે. દેશના દક્ષિણ અને પૂર્વ વિસ્તારમાં તેમની સારી પકડ છે. તો પાકિસ્તાનના ઉત્તર અને પશ્ચિમી ભાગમાં પશ્તુનો બહુમતીમાં છે.

- સોવિયત સંઘે અફઘાનિસ્તાન છોડ્યા બાદ આ આંદોલનને અફઘાનિસ્તાનના સામાન્ય લોકોનું સમર્થન મળ્યું. આંદોલનની શરૂઆતમાં તેને ચલાવનાર લડાકુઓએ વાયદો કર્યો કે તેઓની સત્તા આવતા દેશમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત થશે. આ સાથે જ શરિયા કાનૂનને કડકાઇથી લાગૂ કરાશે.

- પોતાના વિરોધી મુઝાહિદ્દીન ગ્રુપ સાથે ચાલેલા 4 વર્ષના સંઘર્ષ બાદ અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જો થયો. આ સાથે જ દેશમાં શરિયા કાનૂન પણ લાગૂ થયો. 1994માં તાલિબાને કંધાર પર કબ્જો કર્યો. સપ્ટેમ્બર, 1996માં કાબુલ પણ કબ્જો કર્યા બાદ સમગ્ર અફઘાનિસ્તાન તાલીબાનના નિયંત્રણમાં આવી ગયું. આ જ વર્ષે તાલીબાને અફઘાનીસ્તાનને ઈસ્લામિક રાષ્ટ્ર જાહેર કરી દીધું હતું. મુલ્લા મોહમ્મદ ઉમર દેશના આમિર-અલ-મોમિનીન એટલે કે કમાન્ડર બન્યા.

- 2001 પહેલા અફઘાનિસ્તાનના 90 ટકા વિસ્તારમાં તાલીબાનનો કબ્જો હતો. આ દરમિયાન શરિયા કાનૂનને કડકાઇથી અમલમાં મૂકાયું. મહિલાઓને ફરજીયાત બુર્ખા પહેરવાનું કહેવાયું. સંગીત અને ટીવી પર પ્રતિબંધ લગાવાયો. જે પુરૂષોની દાઢી નાની હોય તેમને પકડીને જેલમાં ધકેલવામાં આવતા હતા.



ત્યારે હાલની સ્થિતિને જોતા માત્ર 4 મહીનાના ટૂંકા સમયગાળામાં ફરી અફઘાનિસ્તાનમાં શાંતિનો સૂરજ આથમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. લોકો પોતાના ઘર-પરિવાર સાથે પોતાના જ દેશમાંથી ભાગીને શરણ શોધી રહ્યા છે. આ હલચલથી માત્ર અફઘાનિસ્તાન જ નહીં, પરંતુ વિશ્વના તમામ લોકો પણ ચિંતિત બન્યા છે અને જલદી શાંતિ સ્થપાય તેવી પ્રાર્થનાઓ કરી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published: