Home /News /explained /Sri Lanka Economic Crisis: આઝાદીથી લઈને અત્યાર સુધી શ્રીલંકામાં સત્તા પર પકડ બનાવી રાખનાર રાજપક્ષે પરિવારની રસપ્રદ હકીકત
Sri Lanka Economic Crisis: આઝાદીથી લઈને અત્યાર સુધી શ્રીલંકામાં સત્તા પર પકડ બનાવી રાખનાર રાજપક્ષે પરિવારની રસપ્રદ હકીકત
શ્રીલંકામાં આર્થિક સંકટ પછી રાજપક્ષે પરિવાર સામે વિરોધ થઇ રહ્યો છે (AP)
Sri Lanka Rajapaksa Family - હાલમાં શ્રીલંકાના 11 મહત્વપૂર્ણ મંત્રાલયો રાજપક્ષે પરિવારના સભ્યો પાસે હોવાનું કહેવાય છે. પરિવારના કેટલાક અન્ય સભ્યો રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સચિવાલયમાં પણ છે
કોલંબો : શ્રીલંકાની (Sri Lanka)અર્થવ્યવસ્થા પડી ભાંગવા (Economic Crisis of Sri Lanka)ની અણીએ છે. સરકારની તિજોરી તળિયા ઝાટક થઈ ચૂકી છે. પરિણામે અન્ય દેશમાંથી પેટ્રોલ, ડીઝલ અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ મંગાવવાના પણ પૈસા નથી. ફુગાવો આસમાને છે. બધી વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકોનો જીવનનિર્વાહ મુશ્કેલ છે.
શ્રીલંકાની આ સ્થિતિ શિથિલ શાસનને કારણે છે. આ સાથે જ આડકતરી રીતે રાજપક્ષે પરિવારને (rajapaksha family)પણ જવાબદાર ઠેરવવામાં આવે છે. આ પરિવાર શ્રીલંકાની આઝાદી બાદથી એક યા બીજી રીતે દેશની સત્તા સાથે સતત જોડાયેલો રહ્યો છે. તે સત્તા પર કબજો જમાવી ચુક્યો છે. રાજપક્ષે પરિવાર કોઈ રાજવી પરિવાર નથી. પરંતુ તેમના કપાળ પર રાજયોગ લખીને આવેલો પરિવાર ચોક્કસ છે, એમ કહી શકાય. કારણ કે અત્યારે આ પરિવારની ચોથી પેઢી દેશની સત્તા ભોગવવા માટે કમર કસી રહી છે. શ્રીલંકાના રાજકારણમાં આ પરિવારના ઉતારચઢાવની વાત અત્યંત રસપ્રદ છે.
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત સરકારના 11 મંત્રાલયોમાં માત્ર રાજપક્ષે
ચાલો વર્તમાનથી શરૂઆત કરીએ. મહિન્દા રાજપક્ષે રાજપક્ષે પરિવાર (Rajpaksha Family)ના સૌથી પ્રભાવશાળી રાજકારણીઓમાંના એક છે. હાલ તેઓ શ્રીલંકાના વડાપ્રધાન છે. તેમણે ઓગસ્ટ 2020ની સંસદીય ચૂંટણી જીતી હતી અને આ પદ પર કબજો કર્યો હતો. તેઓ રાજપક્ષે પરિવારની ત્રીજી પેઢીના નેતા છે. તેમની પહેલાંની નેતાઓની બે પેઢીઓમાં તેમના પિતા અને તાઉના નામ આવે છે. પછીથી તેમનો ઉલ્લેખ થાય છે.
અત્યારની વાત કરીએ તો મહિન્દાના નાના ભાઈ ગોટબાયા રાજપક્ષે છે. તેઓ પહેલા સંરક્ષણ મંત્રી હતા અને હવે રાષ્ટ્રપતિ છે. તેમણે નવેમ્બર 2019માં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. બાસીલ રાજપક્ષે તેમના કરતા પણ નાના છે. તેઓ માત્ર 2 દિવસ પહેલા સુધી શ્રીલંકાના નાણામંત્રી હતા. જો કે આર્થિક સંકટના કારણે વિવાદ વધ્યો તો મોટા ભાઈ પ્રમુખ એ નાના ભાઈ મંત્રીની હકાલપટ્ટી કરી દીધી હતી. આટલું થયું હોવા છતાં હાલમાં શ્રીલંકાના 11 મહત્વપૂર્ણ મંત્રાલયો રાજપક્ષે પરિવારના સભ્યો પાસે હોવાનું કહેવાય છે. પરિવારના કેટલાક અન્ય સભ્યો રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન સચિવાલયમાં પણ તૈનાત છે
ચોથી પેઢી પણ ધીમે ધીમે સત્તા કબજે કરવા માટે તૈયાર થઈ રહી છે.
માત્ર રાજકારણ જ નહીં, રાજપક્ષ પરિવાર (Rajpaksha Family)ના સભ્યો દ્વારા રાજદ્વારી હોદ્દાઓ પર પણ કબજો કરવામાં આવ્યો છે. દાખલા તરીકે મહિન્દાની બહેન પ્રીતિના પતિ લલિત પી.ચંદ્રદાસા હાલ અમેરિકામાં કોન્સ્યુલ જનરલ છે. મહિંદાની બહેન કમલાનો પુત્ર જલિયા વિક્રમસૂર્યા અમેરિકાનો એમ્બેસેડર રહી ચૂક્યો છે. એટલું જ નહીં આ પરિવારની ચોથી પેઢી સત્તા પર કબજો જમાવવાની તૈયારી કરી રહી છે.
દાખલા તરીકે, વડા પ્રધાન મહિન્દાના પુત્ર, નમલ, બે દિવસ પહેલા સુધી યુવા બાબતો અને રમતગમત પ્રધાન હતા. મહિન્દાના સૌથી મોટા ભાઈ ચમાલ રાજપક્ષે (ગૃહ રાજ્યમંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી)ના પુત્ર શાશેન્દ્ર કૃષિ મંત્રી હતા. જો કે, લોકોના અસંતોષને કારણે રાજપક્ષેએ મંત્રીઓની સાથે રાજીનામું આપવું પડ્યું હતું. મહિન્દાનો બીજો પુત્ર યોસિતા વડાપ્રધાનના અંગત સ્ટાફના વડા તરીકે જવાબદારી સાંભળે છે.
રાજપક્ષેની પ્રથમ અને બીજી પેઢીએ આ રીતે પાયો નાખ્યો
શ્રીલંકાએ ફેબ્રુઆરી 1948માં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી. એ પહેલાં રાજપક્ષે પરિવાર રાજકારણમાં પ્રવેશી ચૂક્યો હતો. 1931માં ડાબેરી નેતા ડોન મેથ્યુ રાજપક્ષે (DM Rajpaksha)એ રાજકારણમાં પગ મૂક્યો હતો. તેઓ સિલોન પ્રાંતિક પરિષદના સભ્ય બન્યા હતા. જો કે દેશની આઝાદી પહેલા મે 1945માં તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમના નાના ભાઈ ડોન અલ્વિન રાજપક્ષે (DM Rajpaksha)એ રાજનીતિ આગળ ધપાવી હતી.
મહિન્દા રાજપક્ષે અલ્વિન રાજપક્ષેના પુત્ર છે. દેશને આઝાદી મળ્યા બાદ ડી.એ.રાજપક્ષેએ 1951માં એસડબલ્યુઆરડી ભંડારનાયકે સાથે મળીને શ્રીલંકા ફ્રીડમ પાર્ટી (SFLP)ની સ્થાપના કરી હતી. તેઓ વડાપ્રધાન વિજયાનંદ દહનાયકેના મંત્રીમંડળમાં કૃષિ મંત્રી પણ હતા.
ત્યારબાદ મહિન્દાએ રાજનીતિમાં પકડ મજબૂત કરી
મહિન્દા રાજપક્ષેએ તેના પિતા અને તાઉથી શરૂ થયેલી રાજનીતિને આગળ ધપાવી છે. આમાં તેમને ગોટબાયાનો ખાસ સાથ મળ્યો હતો. તેમણે એસએલએફપીમાં લાંબો સમય વિતાવ્યો હતો, જેના પર 2005 સુધી ભંડારનાયકે પરિવારની અસર હતી. બીજી તરફ એસડબલ્યુઆરડી ભંડારનાયકેની પુત્રી ચંદ્રિકા કુમારતુંગા (Chandrika Kumaratunga) 1994થી 2005 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યા હતા. આ સાથે જ પાર્ટીની કમાન પણ તેમના હાથમાં હતી. આ સમય દરમિયાન મહિન્દા તેમની સરકારોમાં મંત્રી હતા. તેમણે નાણાં, સંરક્ષણ, શહેરી વિકાસ, કાયદો વગેરે જેવા અનેક મંત્રાલયો સંભાળ્યા હતા. પરંતુ 2005માં ચંદ્રિકા કુમારતુંગાએ રાષ્ટ્રપતિ પદની સાથે રાજકારણને પણ અલવિદા કહી દીધું ત્યારે તેમના જીવનમાં વળાંક આવ્યો હતો. મહિન્દા તે સમયે સંરક્ષણ પ્રધાન હતા. થોડા સમય માટે એપ્રિલ 2004થી નવેમ્બર 2005ની વચ્ચે રાષ્ટ્રપતિએ તેમને વડા પ્રધાનનું પદ પણ આપ્યું હતું.
ત્યારબાદ એસએફએલપી દ્વારા મહિંદાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવાયા હતા અને તેઓ જીતી પણ ગયા હતા. તે સમયે તેમના ભાઈ ગોટબાયા સંરક્ષણ સચિવ હતા. આ સમયગાળા દરમિયાન શ્રીલંકાના સૈન્યએ આતંકવાદી સંગઠન લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઈલમ (LTTE) પર વિજય મેળવ્યો હતો. મહિન્દા રાજપક્ષે (Mahindra Rajapaksha)એ પોતાના રાજકારણને ચમકાવવામાં આનો ફાયદો ઉઠાવ્યો અને ચૂંટણી થકી રાષ્ટ્રપતિ પદનો બીજો કાર્યકાળ પણ મેળવ્યો હતો.
ચીન સાથે નિકટતા, ભ્રષ્ટાચાર અને 24,000 કરોડ રૂપિયાથી વધુનું કાળું નાણું
મહિન્દાએ શ્રીલંકાની સત્તાને દરેક રીતે અંકુશમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે, પરંતુ રાજનીતિ પર પ્રભાવ અને દખલગીરી જાળવી રાખવામાં કોઇ કસર છોડી નથી. ક્યારેક મૈત્રીપાલ સિરિસેના (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ) જેવા તેમના સમર્થકો દ્વારા તો ક્યારેક પરિવારના સભ્યો (ગોટબાયા, વર્તમાન પ્રમુખ) દ્વારા તેઓ સત્તામાં રહ્યા છે.
વર્ષ 2016માં તેમણે શ્રીલંકા પોદુજાના પેરામુના નામની નવી પાર્ટી પણ બનાવી હતી. રાષ્ટ્રપતિ જેવા ટોચના હોદ્દા પર રહ્યા બાદ પણ તેઓ વડાપ્રધાન બનવાનું ચૂકતા ન હતા અને અત્યારે જનતાના રોષના કારણે દેશના તમામ 26 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે, ત્યારે પણ મહિન્દા અને ગોટબાયા તેમના હોદ્દા પર ચાલુ છે. એટલું જ નહીં 2005 બાદ રાજપક્ષેનો આખો કાર્યકાળ અને પરિવાર વિવાદમાં છે.
આ સમય દરમિયાન ચીનને બાર્ટ પર હમ્બનટોટા (મહિન્દાનું ગૃહનગર પણ) જેવું બંદર આપવામાં આવ્યું હતું. શ્રીલંકાની અંદર માર્ગ અને રેલ માર્ગના બાંધકામ માટેના કેટલાક કોન્ટ્રાકટ ચીની કંપનીઓને આપવામાં આવ્યા હતા. આ દરમિયાન ભયંકર ભ્રષ્ટાચાર અને હેરાફેરીના અહેવાલો આવ્યા હતા. ઉદાહરણ તરીકે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર વર્ષ 2012માં એક રોડ પ્રોજેક્ટમાં લગભગ 300 કરોડ રૂપિયા (શ્રીલંકન કરન્સી)નું કૌભાંડ બહાર આવ્યું હતું. એટલું જ નહીં મે 2015માં તત્કાલિન વિદેશ મંત્રી મંગલા સમરવીરા (Mangala Samarweera)ને 4 દેશો તરફથી સંયુક્ત ગુપ્તચર રિપોર્ટ મળ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજપક્ષે પરિવાર પાસે વિદેશી બેંકોમાં 24,000 કરોડ રૂપિયાથી વધુ (શ્રીલંકાનું ચલણ) કાળું નાણું જમા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર