Home /News /explained /Shaheed Diwas 2022: કેવી રીતે એક ક્રાંતિકારી વિચારધારા બની ગયા હતા ભગત સિંહ
Shaheed Diwas 2022: કેવી રીતે એક ક્રાંતિકારી વિચારધારા બની ગયા હતા ભગત સિંહ
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ભગત સિંહનું નામ એક ક્રાંતિકારીથી ઘણું વિશેષ માનવામાં આવે છે. (Image- Wikimedia Commons)
Shaheed Diwas 2022: ભગત સિંહ (Bhagat Singh)ને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં મહાન ક્રાંતિકારી (Revolutionary) તેમના એ વિચારોને કારણે માનવામાં આવે છે જેણે દેશના લોકોને દેશભક્તિ માટે પ્રેરિત કર્યા. તેમણે ફક્ત દેશના યુવાનો જ નહીં, પણ જવાહર લાલ નહેરુ જેવા નેતાઓને પણ પ્રભાવિત કર્યા હતા.
Shaheed Diwas 2022: ભારતીય સ્વતંત્રતા સંગ્રામ (Indian Freedom Movement)ના ઇતિહાસમાં ભગત સિંહ (Bhagat Singh)નું નામ એક ક્રાંતિકારી (Revolutionary)થી ઘણું વિશેષ માનવામાં આવે છે. આજના દિવસે એટલે કે 23 માર્ચ 1931ના ભગત સિંહને તેમના સાથી રાજગુરુ અને સુખદેવ સાથે અંગ્રેજોએ ફાંસીની સજા આપી હતી. ભગત સિંહની એક ક્રાંતિકારી બનવાથી ફાંસી સુધીની સફર એ દર્શાવે છે કે તેઓ એક મોટી વિચારધારા બની ગયા હતા. તેમણે ફક્ત દેશના યુવાનો જ નહીં, પણ જવાહર લાલ નહેરુ જેવા નેતાઓને પણ પ્રભાવિત કર્યા હતા. આજે ભગત સિંહ એક અભ્યાસનો વિષય બની ચૂક્યા છે.
ક્રાંતિકારી પરિવારમાં જન્મ
ભગતસિંહનો જન્મ 23 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના જિલ્લા લાયલપુરના બંગા ગામ (હાલ પાકિસ્તાન)માં થયો હતો. તેઓ દેશભક્ત ક્રાંતિકારી પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ સરદાર કિશન સિંહ અને માતાનું નામ વિદ્યાવતી કૌર હતું. જે દિવસે ભગતસિંહનો જન્મ થયો તે દિવસે જ તેમના પિતા અને કાકા જેલમાંથી મુક્ત થયા હતા. તેને શુભ ઘડી માનીને તેમની દાદીએ તેમનું નામ ભાગોવાલા રાખ્યું હતું, પરંતુ પછીથી તેઓ ભગત સિંહ તરીકે ઓળખાવા લાગ્યા.
જલિયાંવાલા બાગ હત્યાકાંડની પણ અસર
પરિવારમાં ક્રાંતિકારીઓ હોવાને કારણે બાળપણથી જ ભગતસિંહમાં પણ દેશભક્તિના સંસ્કાર હતા. તેમના શાળાકીય અભ્યાસ દરમિયાન તેઓ લાલા લજપત રાય અને રાસબિહારી બોઝ જેવા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થયો ત્યારે ભગત સિંહ માત્ર 12 વર્ષના હતા અને આ ઘટના પછી તેઓ પોતે જલિયાવાલા બાગ ગયા હતા અને ત્યાંની માટીને પોતાની પાસે જીવનભર એક નિશાની તરીકે રાખી.
ભગતસિંહ એક સંવેદનશીલ દેશભક્ત હતા. તેઓ ગાંધીજીના અસહકાર આંદોલનમાં પણ સક્રિય રહ્યા હતા. પરંતુ જ્યારે ગાંધીજીએ આ ચળવળને સ્થગિત કરી દીધી, ત્યારે ભગતસિંહ ખૂબ જ નિરાશ થઈ ગયા. પછી અભ્યાસ ચાલુ રાખવા માટે તેમણે લાહોરમાં લાલા લજપત રાય દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું.
ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને એકસાથે ફાંસી આપવામાં આવી હતી. (Image- Wikimedia Commons)
બિસ્મિલ અને અન્ય ક્રાંતિકારીઓને સજા
આ દરમિયાન ભગતસિંહ ચંદ્રશેખર આઝાદની આગેવાની હેઠળના ગદર દળનો ભાગ બન્યા. કાકોરી કાંડમાં રામ પ્રસાદ બિસ્મિલ અને તેમના સહયોગીઓને ફાંસી અને જેલની સજાથી તેઓ ખૂબ જ દ્રવિત થઇ ગયા. આ પછી તેઓ ચંદ્રશેખર આઝાદ સાથે તેમની પાર્ટી હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા અને હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન તરીકે તેનું પુનર્ગઠન કર્યું. આ સંસ્થાનો ઉદ્દેશ્ય એવા યુવાનોને તૈયાર કરવાનો હતો કે જેઓ દિલથી દેશની સેવા કરવા તત્પર હોય.
આ પછી 1928માં સાયમન કમિશનના વિરોધમાં લાઠીચાર્જને કારણે લાલા લજપત રાયનું મૃત્યુ થયું. લાલાજીના મૃત્યુએ ભગતસિંહને ભારે ક્રોધ અને દુ:ખથી ભરી નાખ્યા. તેમણે લાલાજીના મૃત્યુ માટે જવાબદાર પોલીસ અધિક્ષક સ્કોટની હત્યા કરવાની યોજના બનાવી અને લાહોરમાં રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ સાથે મળીને એસપી સાન્ડર્સની ગોળી મારીને હત્યા કરીને સનસનાટી મચાવી.
ભગત સિંહે બટુકેશ્વર દત્ત સાથે મળીને સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો. (Image- Wikimedia Commons)
સેન્ટ્રલ એસેમ્બલી માટે
લાહોરની ઘટના બાદ દેશની આઝાદી વિશે તેમણે ઘણું ચિંતન કર્યું. તેઓ ડાબેરી વિચારધારાથી ખૂબ પ્રભાવિત હતા. અંગ્રેજોની દમનકારી નીતિઓ પણ તેમને ઘણી ખટકતી હતી, જે તેમના વામપંથી વિચારોથી બિલકુલ વિરુદ્ધ હતી. આ દરમિયાન બ્રિટિશ સરકાર દિલ્હીની એસેમ્બલીમાં 'પબ્લિક સેફ્ટી બિલ' અને 'ટ્રેડ ડિસ્પ્યુટ બિલ' જેવા દમનકારી કાયદાઓ લાગુ કરવાની તૈયારી કરી રહી હતી. જેમાં કામદારોની તમામ પ્રકારની હડતાલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, સરકારને ટ્રાયલ વિના શંકાસ્પદ લોકોની અટકાયત કરવાનો અધિકાર મળવાનો હતો.
સેન્ટ્રલ એસેમ્બલીમાં પણ બોમ્બ બ્લાસ્ટની યોજના માટે ભગતસિંહ વિચારોની શક્તિનો ઉપયોગ કરવા માગતા હતા. તેઓ ખૂન ખરાબો ઇચ્છતા ન હતા. આ મુજબ 8 એપ્રિલ 1929ના સેન્ટ્રલ એસેમ્બલીમાં તેમણે બટુકેશ્વર દત્ત સાથે મળીને એસેમ્બલીમાં એવી જગ્યાએ બોમ્બ ફેંક્યો જ્યાં કોઈ હાજર ન હતું. આ પછી ભાગવાને બદલે તેમણે 'ઇન્કલાબ ઝિંદાબાદ'ના નારા લગાવ્યા. ભગતસિંહની ધરપકડ કરવામાં આવી અને તેમણે ફાંસીની સજા પણ સ્વીકારી. તેમણે બે વર્ષ જેલમાં વિતાવ્યા એ દરમિયાન પોતાના લેખો અને પત્રો દ્વારા દેશના લોકોમાં આઝાદીની આગ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરતા રહ્યા.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર