રશિયા-યૂક્રેન યુદ્ધ (Russia-Ukraine War)ના પગલે હજારો ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ ઉભું થયું છે. ભારતમાંથી 20,000 છાત્રો સસ્તા મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસ (Indian Students in Ukraine) માટે યૂક્રેન ગયા હતા. રશિયા અને યૂક્રેન વચ્ચેની કથળેલી સ્થિતિના કારણે અનેક વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવ્યા છે. પરંતુ ઘણા લોકો હજુ પણ ત્યાં અટવાયેલા છે. તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ભારત સરકાર તેમને પણ લાવવામાં આવશે તેવી ખાતરી આપી રહી છે. પરંતુ સવાલ એ થાય છે કે, આ વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે? તેઓ પાસે હવે કયા વિકલ્પો છે? આ સવાલનો જવાબ અલગ અલગ પાંચ પોઇન્ટમાં સમજાવવા (5-Point Explianer)નો પ્રયાસ થયો છે.
ઓપરેશન ગંગા હેઠળ બધાને પરત લેવાશે: સરકાર
ભારત સરકારે (Indian Govt) યૂક્રેન (Ukraine)માં ફસાયેલા ભારતીય છાત્રોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા (Operation Ganga) શરૂ કર્યું છે. આ ઓપરેશન દ્વારા 5 ફ્લાઇટ થકી 1156 ભારતીયોને પાછા લાવવામાં આવ્યા છે. 28મી ફેબ્રુઆરીના રોજ સોમવારે 249 ભારતીય નાગરિકોને પરત લવાયા હતા. તેઓ દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા હતા.
ભારતીયોને રોમાનિયા (Romania) થઈને યૂક્રેનથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે હજુ પણ 18 હજારથી વધુ ભારતીયો ત્યાં ફસાયેલા છે. આ અંગે ભારત સરકારે ખાસ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, પૂર્વ યૂક્રેન (Eastern Ukraine) જેવા અનેક વિસ્તારોમાં રશિયન અને યુક્રેનના સૈનિકો વચ્ચે રસ્તા પર લડાઈ ચાલી રહી છે. તેથી ભારતીયોને અત્યારે ત્યાંથી બહાર કાઢવા મુશ્કેલ થઈ રહ્યા છે. તેથી બધા ભારતીયોને ત્યાં પોતાની જગ્યાએ જ રહેવાની સલાહ અપાઈ છે.
ભારત સરકાર બચાવ કામગીરી મામલે અન્ય દેશોની સરકારોની સરખામણીમાં સૌથી વધુ સક્રિય છે. જેથી સહેજ પણ તક મળશે, પરિસ્થિતિ હળવી સામાન્ય થઈ જશે એટલે તરત યૂક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાના પ્રયાસો ફરી તેજ કરવામાં આવશે. સરકાર પોતે જ તેના નાગરિકો સુધી પહોંચશે. ભારત સરકારના 4 વરિષ્ઠ મંત્રીઓ આ કામ પર નજર રાખી રહ્યા છે અને સંકલન કરી રહ્યા છે.
શું આ પ્રકારની પરિસ્થિતિ ભૂતકાળમાં પણ બની હતી?
આવી જ સ્થિતિ 2014માં નિર્માણ પામી હતી. તે સમયે રશિયાએ યૂક્રેન (Ukraine)ના ક્રિમિયા (Crimea) પર હુમલો કરી તેના પર કબજો કરી લીધો હતો. પરિણામે ક્રિમિયાની 3 મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ સામે સંકટ ઉભું થયું હતું. ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓએ અન્ય યુનિવર્સિટીઓમાં પ્રવેશ લીધો. અમુક છાત્રોએ રશિયાની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ લીધો હતો.
ભારતીય વિદ્યાર્થીઓની સામે કયા વિકલ્પો છે?
જાણકારોના મતે ભારતીય છાત્રો પાસે બે વિકલ્પ છે. પ્રથમ તેઓ યૂક્રેનની એ જ સંસ્થામાં અભ્યાસ કરતા રહે. થોડા મહિના ઓનલાઇન ભણે અને પછી સ્થિતિ સામાન્ય થાય ત્યારે અભ્યાસ કરવા જાય. બીજો વિકલ્પ એ છે કે, તેમને પડોશી દેશની શૈક્ષણિક સંસ્થામાં સ્થાનાંતરિત કરવામાં આવે. ત્યાં એડમિશન લઈ લે. કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન વગેરે દેશોની શૈક્ષણિક સંસ્થાઓ યોગ્ય વિકલ્પ બની શકે છે. ત્યાં અભ્યાસ અને ફીની સ્થિતિ યૂક્રેન જેવી જ છે.
આ કોઈ મોટી વાત નથી. યૂક્રેનમાં ભારતીય સંસ્થાઓની તુલનામાં ફી ખૂબ ઓછી છે. ઉપરાંત આ ફી લમ્પ સમમાં લેવામાં આવતી નથી. સેમેસ્ટર પ્રમાણે લેવામાં આવે છે. એટલે કે જેમ જેમ તમે ભણતા જાવ તેમ તેમ ફી જમા કરાવવાની હોય છે. આ રીતે એક સંસ્થામાં પ્રવેશ માટે પહેલા વર્ષે 6-8 લાખ રૂપિયા ફી થાય છે. પછીના વર્ષથી તેમાં પણ ઘટાડો થાય છે. અત્યારે પહેલી પ્રાથમિકતા વિદ્યાર્થીઓને બહાર કાઢવાની છે અને ભારત સરકાર પોતાના ખર્ચે આ કામ કરી રહી છે.
યુદ્ધ પછી યૂક્રેનમાં અભ્યાસ ચાલુ રાખવાની સંભાવના કેટલી છે
આ વાત આગામી 2 મહિનામાં ખબર પડી જશે. યૂક્રેનની સંસ્થાઓમાં મે-જૂનમાં રજાઓ હોય છે. ત્યારે તમામ વિદ્યાર્થીઓ પોતપોતાના દેશમાં પરત જતા રહે છે. એટલે કે અત્યારે કોઈ ખાસ મુશ્કેલી નથી. ત્યાં પણ સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય છે. ત્યાં સુધીમાં યુદ્ધના વાદળો સાફ થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તે પછી જ ખબર પડે કે યૂક્રેનમાં અભ્યાસ ચાલુ રાખી શકાય કે બીજે ક્યાંક એડમિશન લેવું સારું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર