Home /News /explained /Medical Study in India: તેમને અભ્યાસ માટે યુક્રેન જવાની શું જરૂર હતી? શું તેઓ ભારતમાં સારી મેડિકલ સર્વિસ આપી શકશે? જાણો 5-પોઈન્ટમાં
Medical Study in India: તેમને અભ્યાસ માટે યુક્રેન જવાની શું જરૂર હતી? શું તેઓ ભારતમાં સારી મેડિકલ સર્વિસ આપી શકશે? જાણો 5-પોઈન્ટમાં
ભારતથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ માટે વિદેશ જાય છે. (File Photo)
Medical Study in India: WHO અનુસાર, આદર્શ રીતે દર 1000 લોકો દીઠ 1 ડૉક્ટર હોવો જોઈએ. આ હિસાબે 138 કરોડની ભારતીય વસ્તી માટે લગભગ 1.38 કરોડ ડોક્ટરોની જરૂર છે. જ્યારે નેશનલ હેલ્થ પ્રોફાઈલના (NHP) ડેટા અનુસાર, 2021 સુધી દેશમાં માત્ર 12 લાખ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ (RMP) હતા.
Medical Study in India: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) શરુ થયા બાદ દેશમાં એ વિદ્યાર્થીઓની સતત ચર્ચા થઈ રહી છે, જે વિદેશથી તબીબી અભ્યાસ કરી રહ્યા છે. યુક્રેનમાં થઈ રહેલા ભીષણ હુમલા વચ્ચે ઘેરાયેલા આ ભારતીય યુવાનોને લઈને ભારતમાં ઘણાં સવાલ પેદા થઈ રહ્યા છે. જેમ કે- આખરે તેમને ત્યાં અભ્યાસ કરવા જવાની શું જરૂર હતી? જે અહીં મેડિકલની પરીક્ષામાં પાસ નથી થઈ શક્યા, તેઓ અન્ય દેશમાંથી ડિગ્રી લીધા બાદ ભારતમાં સારી મેડિકલ સર્વિસ આપી શકશે, તેની શું ગેરંટી છે? વગેરે. આ સ્થિતિ અને સવાલો વચ્ચે એ પ્રશ્ન પણ થાય કે અન્ય દેશોમાં મેડિકલ અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ કેટલા? કયા-કયા દેશોમાં તેઓ અભ્યાસ કરી રહ્યા છે? ભારત પરત ફરતાં તેમના માટે કેવા પડકારો હોય છે? જાણો અહીં 5 પોઈન્ટ (5-Points Explainer)માં.
ભારતમાં તબીબી શિક્ષણ અને સેવાની સ્થિતિ શું છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, આદર્શ રીતે દર 1000 લોકો દીઠ 1 ડૉક્ટર હોવો જોઈએ. આ હિસાબે 138 કરોડની ભારતીય વસ્તી માટે લગભગ 1.38 કરોડ ડોક્ટરોની જરૂર છે. જ્યારે નેશનલ હેલ્થ પ્રોફાઈલના (NHP) ડેટા અનુસાર, 2021 સુધી દેશમાં માત્ર 12 લાખ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ (RMP) હતા. હાલમાં, દેશમાં લગભગ 83,000 એમબીબીએસ સીટો ઉપલબ્ધ છે. આમાં પ્રવેશ માટે, 2021માં 16 લાખથી વધુ ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા આપી હતી. જ્યાં સુધી ફીનો સવાલ છે, તો ભારતમાં ખાનગી મેડિકલ કોલેજમાં 4.5 વર્ષના અભ્યાસ દરમિયાન 50 લાખથી 1.5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. જ્યારે યુક્રેન જેવા દેશોમાં આ ખર્ચ માત્ર 15-20 લાખ રૂપિયા થાય છે.
ફક્ત 5 વર્ષમાં 3 ગણા વધી ગયા વિદેશમાં અભ્યાસ કરનારા
આંકડા મુજબ, 2015થી 2020 દરમિયાન 5 વર્ષમાં જ લગભગ 3 ગણા એવા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, જેમણે વિદેશથી મેડિકલ ડિગ્રી લીધી છે. આ વિદ્યાર્થીઓએ વિદેશથી ડિગ્રી લઈને ભારત ફર્યા બાદ અહીં એક પરીક્ષા દેવાની હોય છે. તેમને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એક્ઝામિનેશન (FMGE) આપવાની હોય છે. આ પરીક્ષા વર્ષમાં બે વખત હોય છે. તેને પાસ કરવાના 3 મોકા મળે છે. એ પછી જ એ વિદ્યાર્થીઓ ભારતમાં પ્રેક્ટિસ કરી શકે છે કે તબીબી ક્ષેત્રમાં કોઈ નોકરી મળી શકે છે. આ પરીક્ષા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) દ્વારા લેવામાં આવે છે, જેના ડેટા અનુસાર, 2015માં FMGEમાં 12,116 ઉમેદવારો બેઠા હતા. જ્યારે 2020માં તેમની સંખ્યા વધીને 35,774 થઈ ગઈ. રસપ્રદ વાત એ છે કે આ જ સમયગાળામાં દેશની મેડિકલ કોલેજોમાં માત્ર 30,000 બેઠકો જ વધી છે.
કયા-કયા દેશોમાં અભ્યાસ અર્થે જાય છે વિદ્યાર્થીઓ
રશિયા અને યુક્રેનનું યુદ્ધ (Russia-Ukraine War) થયું ત્યારે ખબર પડી કે ત્યાં લગભગ 20,000 ભારતીયો છે. તેમાંના મોટાભાગના એવા છે જેઓ ત્યાં સસ્તું તબીબી શિક્ષણ મેળવવા ગયા અને હજુ પણ વિવિધ સ્તરે અભ્યાસ કરી રહ્યા છે. જો કે, યુક્રેન એકમાત્ર એવો દેશ નથી જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરી રહ્યા છે. ચીન, રશિયા, કિર્ગિસ્તાન, ફિલિપાઈન્સ અને કઝાકિસ્તાન જેવા દેશો પણ છે, જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ સસ્તા મેડિકલ, એન્જિનિયરિંગ અભ્યાસ માટે જાય છે. NBEનો ડેટા જ દર્શાવે છે કે 2020માં ચીનની શૈક્ષણિક સંસ્થાઓમાંથી ડિગ્રી મેળવનારા લગભગ 12,680 વિદ્યાર્થીઓ FMGEમાં બેઠા હતા. જ્યારે રશિયાથી આવનારા 4,258, યુક્રેનમાંથી 4,153, કિર્ગિસ્તાનમાંથી 4,156, ફિલિપાઈન્સમાંથી 3,142 અને કઝાકિસ્તાનમાંથી 2,311 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
બહારથી અભ્યાસ કરીને આવનારામાં 16%થી ઓછા પાસ થાય છે
જો કે, NBE ડેટામાંથી જ એક રસપ્રદ માહિતી એ પણ સામે આવી છે કે વિદેશમાંથી ડિગ્રી લેનારા મોટાભાગના વિદ્યાર્થીઓ હજુ પણ ભારતમાં અયોગ્ય સાબિત થાય છે. આનો પુરાવો એ છે કે છેલ્લા 5 વર્ષોમાં, સરેરાશ માત્ર 15.82% વિદ્યાર્થીઓ જે વિદેશથી આવ્યા હતા તેઓ FMGEમાંથી પાસ થઈ શક્યા હતા. વર્ષ 2020માં ચીનથી આવેલા વિદ્યાર્થીઓમાંથી 13%, યુક્રેનથી પાછા ફરેલામાંથી માત્ર 16% ઉમેદવારો જ FMGE પાસ કરી શક્યા. અન્ય દેશોમાં પણ લગભગ આવી જ સ્થિતિ છે. બસ, ફિલિપાઈન્સમાં સ્થિતિ કંઈક અંશે સારી છે. ત્યાંથી આવતા વિદ્યાર્થીઓમાંથી લગભગ 50.2% વિદ્યાર્થીઓએ 2019માં અને 33.7%એ 2020માં એફએમજીઇ પાસ કરી છે. એટલા માટે ફિલિપાઈન્સમાં અભ્યાસ માટે જનારા લોકોની સંખ્યામાં પણ 2015થી 10 ગણો વધારો થયો છે.
તો પછી નિષ્ણાતો આ અંગે શું કહે છે?
ડૉ. અરુણા વાણીકર, નેશનલ મેડિકલ કમિશન (NMC) ના અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડના અધ્યક્ષ છે. તેઓ 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ' સાથેની વાતચીત દરમિયાન કહે છે, 'વિદેશથી મેડિકલ ડિગ્રી લેનારાઓની હાલત પણ બહુ સારી નથી. FMGE પાસ કરનારાઓના આંકડા આનો પુરાવો છે. તેથી, જો આપણે આપણા દેશમાં જ તબીબી શિક્ષણ પર થતા બિનજરૂરી ખર્ચને નિયમિત કરીએ તો તે વધુ સારું રહેશે. અહીં સીટો વધારો. સંસ્થાઓમાં પાયાની સુવિધાઓમાં સુધારો કરવો. જેથી બાળકોને ભણવા માટે બીજે ક્યાંય જવું ન પડે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર