OPINION: PM નરેન્દ્ર મોદીની રાજકીય સફળતા પાછળ તેમનો માનવીય અભિગમ સૌથી મોટું કારણ

PM નરેન્દ્ર મોદી

1980નો દાયકો ગુજરાતના રાજકારણમાં રસપ્રદ સમય હતો. કેન્દ્ર અને રાજ્યમાં કોંગ્રેસ આરામથી સત્તા પર આવી હતી. નબળા શાસન, ભયંકર જૂથવાદ અને અયોગ્ય પ્રાથમિકતાઓ હોવા છતાં અન્ય કોઈ રાજકીય પક્ષ સત્તામાં આવવાની કલ્પના પણ કરી શકતો નહોતો. ભાજપના કટ્ટર સમર્થકો અને કાર્યકરો પણ આ અંગે અનિશ્ચિત હતા.

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત તારીખ 7 ઓક્ટોબરના રોજ સરકારમાં પ્રમુખના રૂપમાં 20 વર્ષ પૂર્ણ કર્યા હતા. ગુજરાતમાં આપણે વડાપ્રધાન મોદીના ઉદયને ખૂબ નજીકથી નિહાળ્યો છે અને તેમણે રાજ્યના પથને કેવી રીતે બદલી નાંખ્યો તે પણ જોયું છે. વડાપ્રધાન મોદીને અન્ય કરતા અલગ પાડતી વસ્તુ કઈ છે? તેવા પ્રશ્નો લોકો ઘણી વખત પૂછે છે. મારું માનવું છે કે, વ્યક્તિગત હોય કે કામ સાથે સંબંધિત વાતચીત, તેમના માનવીય અભિગમે તેમને આ ઊંચાઈ સુધી પહોંચાડ્યા છે.

  1980નો દાયકો ગુજરાતના રાજકારણમાં રસપ્રદ સમય હતો. કેન્દ્ર અને રાજ્યમાં કોંગ્રેસ આરામથી સત્તા પર આવી હતી. નબળા શાસન, ભયંકર જૂથવાદ અને અયોગ્ય પ્રાથમિકતાઓ હોવા છતાં અન્ય કોઈ રાજકીય પક્ષ સત્તામાં આવવાની કલ્પના પણ કરી શકતો નહોતો. ભાજપના કટ્ટર સમર્થકો અને કાર્યકરો પણ આ અંગે અનિશ્ચિત હતા.

  આ તે સમય હતો, જ્યારે નરેન્દ્ર મોદીએ RSSમાંથી ભાજપમાં રાજકીય જીવનમાં પ્રવેશ કર્યો હતો. તેમણે AMCની ચૂંટણી માટે પાર્ટીને તૈયાર કરવાની જવાબદારી લીધી હતી. તેમણે પહેલા પ્રોફેશનલ લોકોને પાર્ટી સાથે જોડ્યા હતા. ચૂંટણી અને રાજકીય પ્રક્રિયામાં સામેલ થવા માટે પક્ષનું તંત્ર જાણીતા ડોકટરો, વકીલો, ઇજનેરો અને શિક્ષકો સુધી પહોંચ્યું હતું. એ જ રીતે, પીએમ નરેન્દ્ર મોદીએ માત્ર રાજકારણ સિવાય શાસનના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ખૂબ મહત્વ આપ્યું હતું. તેઓ લોકો તરફ આગળ વધવા અને તેમના જીવનને બદલવા માટે સતત નવી પધ્ધતિ વિશે વિચારતા હતા.

  લોકો સાથે સંવાદ સ્થાપવામાં પીએમ મોદી અવ્વલ

  પીએમ નરેન્દ્ર મોદી લોકો સાથે વાતચીત કરવામાં હંમેશા ટોચ પર હતા અને તેઓ લોકોને પ્રોત્સાહિત કરતા હતા. અમદાવાદના ધરણીધરમાં નિર્મલ પાર્ટી પ્લોટ ખાતેની સભામાં કરેલું તે ખાસ ભાષણ યાદ છે. તેમણે પહેલા થોડી ક્ષણો પોતાની વિનોદી કૉમેન્ટ્સ દ્વારા લોકોને હસાવ્યા હતા. ત્યારબાદ તેમણે ટોળાને પૂછ્યું - શું આપણે મજાક ચાલુ રાખવી જોઈએ કે રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ વિશે વાત કરવી જોઈએ? તે સમયે મારામાં ક્યાંથી સાહસ આવી ગયું તે ખબર નથી, મેં બૂમ પાડી - બંને! મારી વાત સાંભળીને તે મારી તરફ વળ્યાં અને કહ્યું - ના, આપણે બંને ન કરી શકીયે. પછી તેમણે ભાજપના શાસનના દ્રષ્ટિકોણ, કલમ 370, શાહ બાનો કેસ અને અન્ય ઘણી બાબતો વિશે વિગતવાર વાત કરી હતી. તેમની વૈચારિક સ્પષ્ટતાએ મને મંત્રમુગ્ધ કરી દીધો હતો.

  ગુજરાતની બહારના લોકોને કદાચ ખબર નહીં હોય, પરંતુ 1990 ના દાયકાની શરૂઆતમાં શહેરી વિસ્તારોમા મોદીના ભાષણોની કેસેટ ખૂબ જ લોકપ્રિય હતી. આ કેસેટ્સમાં અમુક જગ્યાઓએ નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણના કેટલાક ભાગો હતા.

  તેમનું વધુ એક ભાવુક ભાષણ 1994માં લાતુર ભૂકંપ આવ્યાના થોડા સમય બાદ સામે આવ્યું હતું. અમદાવાદમાં RSS કાર્યાલયમાંથી રાહત સામગ્રી અને કેટલાક સ્વયંસેવકો લાતુર જવાના હતા. ત્યારે નરેન્દ્ર મોદીએ અચાનક ભાષણ આપ્યું હતું. આ ભાષણ પછી ઓછામાં ઓછા પચાસ લોકોએ કહ્યું કે, તેઓ તાત્કાલિક લાતુર જવા ઈચ્છે છે અને મોદીના શબ્દોની તેમના મન પર ઘણી અસર થઈ છે. નરેન્દ્ર મોદીએ તેમને ના પાડી અને કહ્યું કે, લોકોને ત્યાં જવા કરતાં રાહત કાર્ય વધુ મહત્વનું છે અને તેમણે જ્યાં છીએ, ત્યાંથી દેશ માટે કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ.

  પીએમ મોદીના માનવતાવાદી અભિગમ સાથે જોડાયેલા બે કિસ્સા

  વિવિધ સમુદાય સાથે પીએમ નરેન્દ્ર મોદીનું જોડાણ પણ સમાજના અલગ અલગ સમુદાય સુધી પહોંચવાની તેમની ક્ષમતા સાથે જોડાયેલ હતું. વર્ષ 2013-2014માં વિશ્વએ તેમની ચાય પે ચર્ચા જોઈ, પરંતુ નરેન્દ્ર મોદીએ મોર્નિંગ વોકર્સ સાથે કેવી રીતે વાતચીત કરી અને ચાના કપ થકી લોકો સાથે સંબંધો કેવી રીતે બનાવ્યા તે હું ભૂલી શકતો નથી. 1990ના દાયકા દરમિયાન હું તેમને અમદાવાદના પ્રખ્યાત પરિમલ ગાર્ડનમાં મળ્યો હતો. અહીં તેઓ મોર્નિંગ વોકર્સના ગ્રૂપને સંબોધી રહ્યા હતા. લોકો તેમની સાથે કેવી રીતે જોડાઈ રહ્યા છે તે હું જોઈ શકતો હતો. મને જાણતા એક ડોક્ટરે મને કહ્યું કે, નરેન્દ્રભાઈ સાથેની આવી જ વાતચીત કરંટ અફેર્સને સમજવામાં ખૂબ મદદરૂપ હતી.

  મને નરેન્દ્ર મોદીની માનવિય અભિગમનો પરિચય કરાવનાર બે કિસ્સા છે. તેમાંથી એક કિસ્સો 2000ના દાયકાની શરૂઆતનો છે. ઇતિહાસકાર રિઝવાન કાદરી અને હું ગુજરાતી સાહિત્યના મહાનુભાવ અને સંઘના અગ્રણી કેકા શાસ્ત્રીની કેટલીક રચનાઓનું દસ્તાવેજીકરણ કરી રહ્યા હતા. આ દરમિયાન અમે તેમને મળવા ગયા અને તેમની તબિયત ખરાબ છે તે જાણીને હું ચોંકી ગયો હતો. મેં તેમની તસવીર ખેંચી અને ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં મોકલી હતી. થોડા સમયમાં જ નર્સ કેકા શાસ્ત્રીની દેખરેખ માટે આવી હતી.

  બીજો કિસ્સો લેખક પ્રિયકાંત પરીખ સાથે જોડાયેલો છે. નરેન્દ્ર મોદી જ તેમના 100મા પુસ્તકનું વિમોચન કરે તેવી તેમની તીવ્ર ઈચ્છા હતી. પરંતુ આમાં એક સમસ્યા હતી. તેઓ અકસ્માતના લીધે ઘરમાં જ હતા. મને યાદ છે કે, સીએમ મોદી આશ્રમ રોડ પર પ્રિયકાંત પરીખના ઘરે ગયા અને તેમના પુસ્તકનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રી બીમાર લેખકના ડ્રોઇંગ રૂમમાં જઈ તેનું પુસ્તક બહાર પાડી શકે છે તે જોઈ ગુજરાતી સાહિત્ય જગત મંત્રમુગ્ધ હતું.

  તેમના બે ગુણો તેમને આગળ વધવામાં મદદ કરે છે. આ ગુણવત્તા દરેક રાજકીય વ્યક્તિમાં હોવી જોઈએ. તે સાંભળવામાં ખૂબ જ માહેર છે અને તેમને ટેકનોલોજી પ્રત્યે ઘણો પ્રેમ છે. ટેક્નોલોજી અંગે તેમને એક જ ફરિયાદ છે કે, તેના કારણે લોકોના ફોન નંબર યાદ રાખવાની કળા ગુમ થઈ રહી છે.

  પીએમ મોદીની આ વાત મારા દિલને સ્પર્શી ગઈ

  તેમની રાજકીય કારકિર્દીમાં પાર્ટી શિસ્ત પીએમ નરેન્દ્ર મોદી માટે સર્વોચ્ચ રહ્યું છે. તેમની કોઈ મહત્વાકાંક્ષા નથી. લોકસભા, વિધાનસભા હોય કે સ્થાનિક સંસ્થાઓ, જ્યારે પણ નરેન્દ્ર મોદીને પાર્ટીની વ્યૂહરચનાનું કામ સોંપવામાં આવ્યું ત્યારે તેઓ ક્યારેય ચૂંટણી હાર્યા નથી. વર્ષ 2000માં જ ભાજપને ચૂંટણીમાં ઝટકો લાગ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી રાજ્યની બહાર હતા.

  પત્રકાર તરીકે અમારે ઘણા લોકોને મળવાનું હોય છે. પરંતુ મારી કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં નરેન્દ્ર મોદીએ મને કહ્યું હતું કે, લેવડ દેવડનો સંબંધ નહીં, પરંતુ આજીવન ચાલે તેવો સંબંધ હોવો જોઈએ. વર્ષ 1998માં હોળી દરમિયાન હું દિલ્હીમાં હતો. ત્યારે નરેન્દ્ર મોદીએ કંઈક એવું કહ્યું જે હું ક્યારેય નહીં ભૂલું. તેમણે કહ્યું કે, તમારી ટેલિફોન ડાયરીમાં તમારી પાસે 5000 નંબરો હોવા જોઈએ અને તમે તેમને એક વખત મળ્યા હોવા જોઈએ તથા આ મીટિંગ સામાન્ય ન હોવી જોઈએ. તમારે તેમને માત્ર સોર્સ તરીકે જ નહીં, પરંતુ પરિચિત અથવા મિત્ર તરીકે ઓળખવા જોઈએ.

  નરેન્દ્ર મોદીએ કહ્યું તેમ હું ક્યારેય 5000 લોકોને મળ્યો નથી. પણ તેનાથી મને માનવતાનું મહત્વ સમજાયું. આ જ કારણે તેઓ આજે આ ઊંચાઈ પર છે.

  જપન પાઠક
  Published by:Margi Pandya
  First published: