Explained: જાણો આખરે કેટલું દેવું છે પાકિસ્તાનના માથે

સંયુક્ત અરબ અમીરાતે (UAE) પાકિસ્તાન પાસે દેવાના 1 અરબ ડોલર તરત જ ભરી દેવાની માંગ કરી છે

સંયુક્ત અરબ અમીરાતે (UAE) પાકિસ્તાન પાસે દેવાના 1 અરબ ડોલર તરત જ ભરી દેવાની માંગ કરી છે

 • Share this:
  સંયુક્ત અરબ અમીરાતે (UAE) પાકિસ્તાન પાસે દેવાના 1 અરબ ડોલર તરત જ ભરી દેવાની માંગ કરી છે. ત્યારે હવે પાકિસ્તાનને માથે વધુ એક તલવાર લટકી રહી છે. અગાઉ સાઉદી અરબે પાકિસ્તાન પાસેથી પોતાના પૈસા માંગી લીધા હતા. જોકે, તે દરમિયાન ચીન પાકિસ્તાનને મદદ કરવા આગળ આવ્યું હતું

  પાકિસ્તાન આર્થિક મોરચે બરબાદ

  સેન્ટ્રલ બેન્ક ઓફ પાકિસ્તાને ખુલાસો કર્યો હતો કે, પાકિસ્તાન પર 31 ડિસેમ્બર 2019 સુધીમાં લગભગ 40.94 ટ્રિલિયન રૂપિયાનું દેવું હતું. જે હવે વધીને 45 ટ્રિલિયન રૂપિયા થઇ ગયું છે. એટલું જ નહીં પાકિસ્તાનના નાણાં મંત્રાલયે પણ આ વાતનો સંકેત આપ્યો હતો. તાજેતરમાં પાકિસ્તાનની સંસદમાં સરકારે દેશ પર કુલ દેવા અંગે જાણકારી આપી હતી. જો આ દેવું પાકિસ્તાનની કુલ 21.66 કરોડની વસ્તીમાં વહેંચવામાં આવે તો દરેક પાકિસ્તાની નાગરિક પર કુલ 1 લાખ 75 હજાર રૂપિયાનું દેવું કહી શકાય.

  ઇમરાન સરકાર દરમિયાન કેટલું વધ્યું દેવું

  પાકિસ્તાની સમાચાર પત્ર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, આ દેવામાં ઇમરાન સરકારનું 48% યોગદાન છે. આ પહેલા પણ પાકિસ્તાનની હાલત સારી નહોતી, પરંતુ ઇમરાન સરકારના કાર્યકાળમાં પાકિસ્તાનની હાલત બદતર થઇ ગઈ છે. તેનું એક કારણ કોરોના મહામારી પણ ગણાય છે. જોકે, પાકિસ્તાનને ગરીબ દેશ ગણાવતા ઓછો સમય લોકડાઉન લગાવ્યું હતું.  હવે સરકાર પોતાના દેશમાં જ ઘેરાઇ રહી છે

  પાકિસ્તાન સરકારના નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકારે નાણાંકીય જવાબદારી અને ધિરાણની મર્યાદા (FRDL) અધિનિયમનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અધિનિયમ વર્ષ 2005માં પાસ કરાયો હતો. જે અંતર્ગત સરકારની નાણાંકીય ખાધ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના 4%થી વધુ ન હોવી જોઈએ. જોકે, ઇમરાન સરકારે કરેલું દેવું દેશના GDPથી 8.6% છે, જે બે ગણાથી વધુ છે.

  આ પણ વાંચો - વિમાનમાં મુસાફરી માટે જાહેર થયા નવા નિયમો, પાલન નહીં કરો તો થશે આવી કાર્યવાહી

  સરકાર છૂપાવી રહી છે જાણકારી

  રાજકોષીય પોલિસી અંતર્ગત જો દેવું વધી જાય, તો અધિકારીઓએ જનતાને આ અંગેની જાણકારી આપવી પડે છે. જેથી દેશની ઈકોનોમી સુધારવા તેઓ પોતાનો પ્રયત્ન કરી શકે. પરંતુ હાલની સરકાર આ જાણકારી જનતાથી છુપાવી રહી છે. તેમજ સરકારે સંસદમાં સંક્ષિપ્ત રિપોર્ટ મુક્યો. ધ ટ્રિબ્યુન એક્સપ્રેસ મુજબ, રિપોર્ટમાંથી મોટાભાગના આંકડા ગાયબ કરાયા હતા. જેમાં દર્શાવ્યું હતું કે લોન કેમ લીધી અને તેને ચુકવવામાં સરકારે મોડું કેમ કર્યું.

  ગત વર્ષોમાં કેટલું દેવું વધ્યું?

  ઇમરાન સરકાર પહેલા વર્ષ 2018ના મધ્યમાં પાકિસ્તાનનું કુલ દેવું 24.9 ટ્રિલિયન રૂપિયા હતું. જેને દેશની વસ્તીમાં વહેંચવામાં આવે તો માથાદીઠ લગભગ 1 લાખ 20 હજાર રૂપિયા થાય. આ દેવું ગત બે વર્ષમાં વધીને પ્રતિ વ્યક્તિ 1.75 લાખ થઇ ગયું છે.  પાકિસ્તાની સંપત્તિની હરાજી સુધી પહોંચ્યો મામલો

  જે દેશોએ પાકિસ્તાનને લોન આપી છે, તેઓ સતત પાકિસ્તાન પાસે દેવું ચૂકતે કરવાની માંગ કરી રહ્યા છે. જેને લઈને પાકિસ્તાન અન્ય દેશો અથવા સંસ્થા પાસેથી લોન લઈને દેવું ચૂકવી રહ્યું છે. જોકે, તાજેતરમાં દેવું ચૂકવવા માટે પાકિસ્તાની સંપત્તિની હરાજી સુધી મામલો પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકારે સોનાની ખાણોમાં ખનન માટે બીજા દેશોની કંપનીઓ સાથે કરાર કર્યો હતો. પરંતુ પાકિસ્તાને તેની અવધિ પૂર્ણ થયા પહેલા જ કરાર રદ કરી દેતાં આ કંપનીઓ કોર્ટમાં ગઈ હતી. ત્યારે પાકિસ્તાનને આ કેસમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

  ખનન કંપનીઓને પણ આપવા પડશે પૈસા

  પાકિસ્તાન સરકારે કેસ હારતાં કોર્ટે પાકિસ્તાનને ખનન કંપનીઓને નુકસાન પેટે 8.5 અરબ ડોલર ચૂકવવા માટે કહ્યું છે. જો પાકિસ્તાન પૈસા ન ચૂકવી શકે તો વિદેશમાં પાકિસ્તાનની હોટલો સહિતની સંપત્તિની હરાજી થઇ શકે છે. હાલ તો ઇમરાન સરકારે પાકિસ્તાનને બરબાદીના રસ્તે લાવી દીધું છે. કારણ કે તેના પર નુકશાનીની રકમ પણ પાકિસ્તાનની કુલ GDPના લગભગ 2 ટકા છે.
  First published: