Opinion: ઈતિહાસમાંથી શીખો ચન્ની, જેણે પણ મોદીની સુરક્ષા સાથે છેડછાડ કરી, તેને નુકસાન થયું!
Opinion: ઈતિહાસમાંથી શીખો ચન્ની, જેણે પણ મોદીની સુરક્ષા સાથે છેડછાડ કરી, તેને નુકસાન થયું!
PM નરેન્દ્ર મોદી. (ફાઈલ ફોટો)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime minister Narendra modi) ગઈ કાલે પોતાનો ફિરોઝપુર પ્રવાસ (Ferozepur tour) પૂરો કર્યા વિના જ દિલ્હી પરત ફરવું પડ્યું. સડક જામ કરીને કોઈ વડાપ્રધાનનો રસ્તો રોકવામાં આવ્યો હોય, સુરક્ષા સાથે છેડછાડ (Prime Minister Narendra Modi's security lapses) કરવામાં આવી હોય અને સ્થાનિક વહીવટીતંત્ર મૂક પ્રેક્ષક બની જોતું રહ્યું હોય, આવું કદાચ પહેલી વાર બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime minister Narendra modi) પંજાબની કોંગ્રેસ સરકાર (Punjab Congress Government) અને સ્થાનિક પોલીસની બેદરકારીના કારણે ગઈ કાલે પોતાનો ફિરોઝપુર પ્રવાસ (PM modi Ferozepur visit) પૂરો કર્યા વિના જ દિલ્હી પરત ફરવું પડ્યું. સડક જામ કરીને કોઈ વડાપ્રધાનનો રસ્તો રોકવામાં આવ્યો હોય, સુરક્ષા સાથે છેડછાડ કરવામાં આવી હોય અને સ્થાનિક વહીવટીતંત્ર મૂક પ્રેક્ષક બની જોતું રહ્યું હોય, આવું કદાચ પહેલી વાર બન્યું છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ (Punjab Chief Minister Charanjit Singh Channy) યાદ રાખવું જોઈએ કે જ્યારે પણ કોઈ નેતાએ મોદીના સીએમ અથવા પીએમ રહેતા તેમની સુરક્ષા સાથે છેડછાડ કરી છે, ત્યારે તેમને તેની ભારે રાજકીય કિંમત ચૂકવવી પડી છે. છેલ્લા બે દાયકા તેના સાક્ષી છે.
પંજાબના ફિરોઝપુર જિલ્લાથી બુધવારે સાંજે PM નરેન્દ્ર મોદીના રોકાયેલા કાફલાની તસવીરોએ દેશના લોકોને અવાક કરી દીધા હતા. હાલના દાયકાઓમાં પણ યાદ નથી આવતું કે વડાપ્રધાનનો કાફલો રસ્તો જામ કરી દેવાને લીધે અટકી ગયો હોય અને પીએમને લગભગ 20 મિનિટ રાહ જોયા પછી પાછા ફરવું પડ્યું હોય.
આ ઘટના થઈ ફિરોઝપુર જિલ્લાના પિયારિયાના ગામના ફ્લાયઓવર પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી ભટિંડા હવાઈ માર્ગે પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા પહેલા હુસૈનીવાલા ખાતેના રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા અને ત્યારબાદ ફિરોઝપુરમાં જનસભાને સંબોધિત કરવાના હતા.
પરંતુ ખરાબ હવામાનને કારણે પીએમ માટે હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા જવું શક્ય નહોતું. આવી સ્થિતિમાં મોદીએ આશરે બે કલાક રોડ માર્ગે હુસૈનીવાલા જવાનું નક્કી કર્યું, જેથી કરીને તેઓ એ ભૂમિ પર જઈને શહીદ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપી શકે, જેમનો અંતિમ સંસ્કાર અહીં 23 માર્ચ 1931ના કરવામાં આવ્યો હતો. શહીદોના સ્મારક પર માથું નમાવ્યા બાદ જ પીએમ મોદી ફિરોઝપુરની સભાને સંબોધિત કરવા માંગતા હતા.
પરંતુ પંજાબની ચન્ની સરકાર, સ્થાનિક પ્રશાસન અને પોલીસનો ઈરાદો કંઈક અલગ જ હતો. પોતાના નજીકના એક અધિકારી કોવિડથી ગ્રસ્ત છે એમ કહીને ચન્ની ભટિંડા ન ગયા, રાજ્યના મુખ્ય સચિવ અને ઇન્ચાર્જ ડીડીપી પણ ગાયબ થઈ ગયા. આ વહીવટી અને રાજકીય શિષ્ટાચારનું ગંભીર ઉલ્લંઘન હતું. પરંપરા છે કે જ્યારે પણ વડાપ્રધાન કોઈ રાજ્યમાં પહોંચે છે ત્યારે તેમનું સ્વાગત સીએમ, મુખ્ય સચિવ અને ડીજીપી કરે છે.
પરંતુ અહીં સત્તાવાર શિષ્ટાચાર તો દૂર, પીએમની સુરક્ષા સાથે ગંભીર છેડછાડ કરવામાં આવી. એક તરફ જ્યાં ડીજીપીએ એસપીજીને રોડ માર્ગે વડાપ્રધાનના કાફલાને હુસૈનીવાલા પહોંચવા માટે વ્યવસ્થામાં સુધારો કરવાની ખાતરી આપી હતી, તો બીજી તરફ હુસૈનીવાલાથી માત્ર ત્રીસ કિલોમીટર પહેલા જ આંદોલનકારીઓના સડક જામ કરવાને કારણે કાફલો અટકી જવાની નોબત આવી ગઈ, તેઓ સંપર્કવિહોણા થઈ ગયા. આ જ સ્થિતિ ચન્નીની રહી, જેમનો સંપર્ક કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા.
વીસ મિનિટ સુધી ફ્લાયઓવર પર રાહ જોયા બાદ પીએમને પાછા ભટિંડા અને ત્યાંથી દિલ્હી જવું પડ્યું. રાજ્ય સરકારની ઘોર બેદરકારીને કારણે મોદી ન તો શહીદ સ્મારક પર જઈ શક્યા અને ન તો તેમની સભા કરી શક્યા, તેમને પોતાની સભા રદ કરવી પડી. ફિરોઝપુરની તે સભામાં હાજર રહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જ્યારે જાહેરાત કરવી પડી કે મોદી ત્યાં પહોંચી શકશે નહીં, ત્યારે વરસાદમાં ઉભેલા હજારો ભાજપ સમર્થકોના ચહેરા પર નિરાશા ફેલાઈ ગઈ. માંડવિયાએ પોતે પોતાનું દર્દ વ્યક્ત કરતાં કહ્યું કે આજે કોંગ્રેસે લોકશાહીની તમામ મર્યાદાઓ તોડી નાખી છે અને આ દિવસ ઈમરજન્સી કરતાં પણ કાળો દિવસ છે, જ્યાં 42 હજાર કરોડ રૂપિયાની યોજનાઓની જાહેરાત જોઈને પંજાબની જનતાના ચહેરા પર જે ઉત્સાહ હતો, તે બેઠક રદ થવાને કારણે ઊંડી નિરાશામાં ફેરવાઈ ગયો છે.
આશ્ચર્યની વાત એ છે કે, ન તો પંજાબના સીએમ ચન્નીને પોતાની બેદરકારી બદલ કોઈ પસ્તાવો હતો અને ન તો તેમની પાર્ટી કોંગ્રેસને. ઉલટાનું ખેડૂતોના જોરદાર વિરોધને કારણે મોદીને દિલ્હી પરત ફરવું પડ્યું હોવાની ખુશી વ્યક્ત કરતા પાર્ટીના ઘણા નેતાઓ જોવા મળ્યા હતા. પાર્ટીના યુવા પાંખના પ્રમુખ શ્રીનિવાસ તો મોદી પર કટાક્ષ કરતા ટ્વિટ કરી બેઠા, મોદીજી, હાઉ ઇઝ ધ જોશ!
ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર દસ કિલોમીટર પહેલા આ ઘટના બની, એને લઈને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ચન્ની સરકારને ઠપકો આપ્યો, કોંગ્રેસના પંજાબ યુનિટના પૂર્વ અધ્યક્ષ સુનિલ જાખડે પણ સવાલ ઉઠાવ્યા, જે ચન્નીથી નારાજ છે. જ્યાં સુધી ભાજપનો સવાલ છે, તેણે સ્પષ્ટપણે કહ્યું કે આંદોલનની આડમાં પાકિસ્તાન, ખાલિસ્તાન સમર્થકો અને કોંગ્રેસે મળીને મોદી પર ઘાતક હુમલો કરવાનું અને સાથે જ દેશમાં હિંસા ફેલાવવાનું કાવતરું ઘડ્યું હતું, જેને ટાળતા પીએમ મોદીએ પાછા જવાનું યોગ્ય માન્યું. જો તેઓ આગળ વધ્યા હોત તો કંઈક અમંગળ થઈ શક્યું હોત.
પરંતુ કોંગ્રેસના કેન્દ્રીય એકમને કોઈ ફરક પડ્યો હોય તેવું લાગી નથી રહ્યું. બેદરકારી બદલ અફસોસ વ્યક્ત કરવાને બદલે ઉલટું પક્ષની સત્તાવાર લાઇન એવી રહી કે મોદીની સભામાં ભીડ ન હતી, તેથી તેમણે સભા રદ કરીને દોષનો ટોપલો રાજ્ય સરકાર પર ઢોળવાનો પ્રયાસ કર્યો. પાર્ટી સંપૂર્ણપણે ચન્નીના સમર્થનમાં જોવા મળી. ખુદ ચન્ની ઘટનાના ઘણા કલાકો પછી જ્યારે કેમેરાની સામે આવ્યા, ત્યારે તેમણે દોષનો ટોપલો મોદી અને એસપીજી પર નાખ્યો અને ઉમેર્યું કે તેઓ શાંતિપૂર્ણ ખેડૂતોને કેવી રીતે દૂર કરી શક્યા હોત. જે કોવિડના બહાને ચન્ની મોદીનું સ્વાગત કરવા ભટિંડા ન પહોંચ્યા, તે મીડિયાની સામે માસ્ક હટાવીને આરામથી રાજકીય નિવેદનો આપતા રહ્યા.
ધ્યાન રહે કે ચન્ની ખેડૂતોના જે શાંતિપૂર્ણ આંદોલનની વાત કરી રહ્યા હતા, એ ઘેરાવ, રોડ જામ અને ધરણાની જવાબદારી જે કિસાન સંગઠન, ભારતીય કિસાન સંઘ ક્રાંતિકારીએ લીધી છે, તેના અધ્યક્ષ સુરજીત ફૂલની 2009 માં UAPAની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને પાંચ મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. આ ખેડૂતોનું સંગઠન અત્યંત ડાબેરી માનવામાં આવે છે અને તેના ઘણા નેતાઓના માઓવાદીઓ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. ચન્નીની નજરમાં આ સંગઠન અને તેની સાથે જોડાયેલા ખેડૂતો શાંતિના ઉપાસક છે.
ફિરોઝપુરમાં કોઈ મોટી અપ્રિય ઘટના બની શકી હોત, તે નકારી શકાય તેમ નથી. વડા પ્રધાનની સુરક્ષાની કાળજી લેતી એજન્સી SPG માત્ર નજીકની સુરક્ષા કોર્ડન પ્રદાન કરે છે, રસ્તાથી બાહ્ય વર્તુળ સુધી સુરક્ષા પ્રદાન કરવાની જવાબદારી સ્થાનિક પોલીસ અને રાજ્ય વહીવટીતંત્રની છે. દેખીતી રીતે, પંજાબ પોલીસે તેની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી નથી. એ પ્રભારી ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય પાસેથી અપેક્ષા પણ રાખી શકાય તેમ નથી, જેમને આ મંગળવારે યુપીએસસી દ્વારા રાજ્યના નિયમિત ડીજીપી માટે બનાવેલી પસંદગી પેનલમાં સામેલ કરવા માટે યોગ્ય પણ નહોતા ગણાવાયા અને તેમને ફક્ત રાજકીય કારણોસર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના દબાણમાં ચન્નીએ રાજ્ય પોલીસની કમાન સોંપી દીધી. દરેક બાબતમાં ‘ઠોકો તાલી’ કરતા સિદ્ધુ પણ ગાયબ થઈ ગયા.
પીએમ મોદીની સુરક્ષામાં ઢીલનું કારણ શું હતું તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. નેહરુ-ગાંધી પરિવારની મોદી પ્રત્યેની ચીડ જગજાહેર છે. પરિવારને ગમતા ચન્નીએ પોતાના હાઈકમાન્ડને ખુશ કરવા આટલી નમ્રતા દાખવી હોય કે અસમર્થ પોલીસ વડાએ તેમની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી ન હોય કે પછી પીએમ રાજ્યમાં તેમની સભા ન યોજી શકે તે માટે સત્તાધારી કોંગ્રેસમાં આ હરકત કરી હોય. જવાબ અહીં જ ક્યાંક વચ્ચે રહેલો છે. એવા પણ અહેવાલો છે કે પોલીસે રસ્તો ખોલવા માટે અઘરો રસ્તો અપનાવવાની વાત કરી, તો રાજકીય નેતૃત્વએ ચૂંટણીના ફાયદા અને ગેરફાયદાની ગણતરી કરીને ના પાડી દીધી. સૌથી મોટો સવાલ એ હતો કે ખેડૂતોના સંગઠનોને ટૂંકી નોટિસ પર પીએમના રૂટની માહિતી કોણે લીક કરી અને પછી જાણીજોઈને તેને રસ્તા પર જમા કરાવવા શા માટે મંજૂરી આપી. સ્વાભાવિક રીતે જ તંત્રની અંદરથી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હતા.
પણ ચન્નીએ એક વાત યાદ રાખવી જોઈએ, તેમણે ઈતિહાસમાંથી બોધપાઠ લેવો જોઈએ. છેલ્લા બે દાયકામાં એવો સમય આવ્યો છે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદી સાથે, ખાસ કરીને તેમની સુરક્ષા સાથે રમવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આનાથી મોદીને નુકસાન થયું નથી, મોટી રાજકીય અસર મુખ્ય પ્રધાન અથવા નેતાએ ભોગવવી પડી હતી જેમણે તેમના બેદરકાર વલણથી જાણીજોઈને મોદીને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા બે દાયકામાં આના ઘણા ઉદાહરણો છે.
બિહારમાં લાલુ-રાબડી રાજના અંત પછી 2005થી ભાજપ સાથે બિહારમાં સરકાર ચલાવી રહેલા નીતીશ કુમારે 16 જૂન 2013ના રોજ 17 વર્ષ જૂનું ગઠબંધન તોડી નાખ્યું હતું. જ્યારે નરેન્દ્ર મોદીને ભાજપે 2014ની લોકસભા ચૂંટણી માટે પ્રચાર માટે સમિતિના અધ્યક્ષ બનાવવાની જાહેરાત 9 જૂન, 2013ના રોજ ગોવામાં કરી હતી. નીતિશ કુમારે તેમની સરકારમાંથી ભાજપના મંત્રીઓને હાંકી કાઢ્યા.
એના ચાર મહિના પછી 27 ઓક્ટોબર, 2013ના પટનામાં મોદીની હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તે સમયે ભાજપ દ્વારા મોદીને વડાપ્રધાન પદના સત્તાવાર ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા હતા. દેશભરમાં મોદી લહેર સ્પષ્ટ દેખાઈ રહી હતી. હુંકાર રેલી માટે લાખોની સંખ્યામાં લોકો પટનાના ગાંધી મેદાન પહોંચ્યા હતા.
પરંતુ મોદી રેલીને સંબોધવા પટના એરપોર્ટ પહોંચ્યા કે રેલીની જગ્યાએ ગાંધી મેદાનમાં એક પછી એક વિસ્ફોટ થવા લાગ્યા. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરોએ પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે મોદીની આ રેલી જેહાદી આતંકવાદી સંગઠનોના નિશાના પર છે. આમ હોવા છતાં બિહાર પોલીસે કાવતરાખોરોને પકડવા માટે ન તો કોઈ ખાસ ઝુંબેશ ચલાવી કે ન તો રેલીના સ્થળે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો. જેના કારણે આતંકીઓ તેમના પ્લાનમાં સફળ રહ્યા હતા અને ગાંધી મેદાનમાં અલગ-અલગ જગ્યાએ IED પ્લાન્ટ કરવામાં સફળ રહ્યા હતા. એક પછી એક થયેલા સાત વિસ્ફોટોમાં છ લોકો માર્યા ગયા અને 89 ઘાયલ થયા. નીતીશ બિહારના મુખ્યમંત્રી તરીકે ગૃહ વિભાગના મંત્રી પણ હતા, જેમના હેઠળ બિહાર પોલીસ કામ કરતી હતી. પોલીસ સાથે નીતિશના વલણ પર પણ સવાલો ઉભા થયા.
બીજી તરફ મોદી અડગ રહ્યા. મોદીને ગાંધી મેદાનમાં સતત બ્લાસ્ટના સમાચાર મળતા રહ્યા, પરંતુ તેમણે પોતાનો ઈરાદો બદલ્યો નહીં. IB અને તેમના સુરક્ષાકર્મીઓના વિરોધની પરવા કર્યા વિના મોદી રેલીને સંબોધવા માટે ગાંધી મેદાન પહોંચ્યા, જ્યાં વિસ્ફોટો છતાં ભરચક મેદાનમાં લોકો તેમના પ્રિય નેતાને સાંભળવા માટે ખૂબ જ ઉત્સાહથી ઉભા હતા. મોદીએ બોમ્બને બદલે વિકાસની રાજનીતિ પર ભાર આપતા જોરદાર ભાષણ આપ્યું હતું. પરિણામે બિહારમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં, લોકોએ NDAની ઝોળીમાં ચાલીસમાંથી 31 બેઠકો મૂકી, જેમાંથી 22 બેઠકો ભાજપને, છ રામવિલાસ પાસવાનની પાર્ટી LJPને અને ત્રણ ઉપેન્દ્ર કુશવાહાના આરએલએસપીના ખાતામાં ગઈ.
2014ની લોકસભા ચૂંટણીમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુ માત્ર બે બેઠકોમાં સમેટાઈ ગઈ હતી. પરિણામ એ આવ્યું કે શરમના કારણે નીતિશ કુમારે 2014ની લોકસભા ચૂંટણી પછી તરત જ બિહારનું મુખ્ય પ્રધાન પદ છોડવું પડ્યું અને જીતનરામ માંઝીને દલિત ચહેરા તરીકે સીએમ બનાવવા પડ્યા. 2015ની વિધાનસભા ચૂંટણીમાં અપમાનનો ઘુંટડો ગળતા નીતિશે લાલુ યાદવની પાર્ટી આરજેડી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવી પડી હતી. એક સમયે એ લાલુ અને તેમના પરિવારના કુશાસનની વાત કરતા નીતિશે પોતે ભાજપ સાથે સરકાર ચલાવી હતી.
પરંતુ આ જોડાણ લાંબું ચાલ્યું નહીં. માત્ર બે વર્ષમાં જ નીતીશ કુમારે કંટાળીને આરજેડી છોડી દીધી અને પછી 2017માં બિહારમાં ભાજપની મદદથી સરકાર બનાવી. કાયદાની વિડંબના એ હતી કે બિહારમાં 2005થી 2013 સુધી ભાજપ સાથે મળીને સરકાર ચલાવતી વખતે નીતિશ કુમાર, કે જેમણે નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર માટે બિહારમાં આવવા પણ ન દીધા, તેમની મદદથી 2020ની વિધાનસભા ચૂંટણી જીતવી પડી, એનડીએના સૌથી મોટા કેમ્પેનર તરીકે મોદીને સ્વીકારીને, તેમની સાથે મંચ શેર કરીને. એ અલગ વાત હતી કે આ ચૂંટણીઓમાં ભાજપ મુખ્ય પક્ષ તરીકે ઉભરી આવ્યો, જેડીયુ જુનિયર પાર્ટનર તરીકે.
એક સમયે પીએમ પદના પ્રબળ દાવેદાર મનાતા નીતિશ કુમાર રાષ્ટ્રીય રાજનીતિ પ્રમાણે હાંસિયામાં આવી ગયા છે અને પોતે અનેકવાર કહી ચૂક્યા છે કે હવે પીએમ પદ વિશે વિચારવાનું પણ તેમના માટે યોગ્ય નથી. મોદીના કેસમાં ઓક્ટોબર 2013ની બેદરકારી નીતિશ કુમાર માટે કેટલી ભારે હતી, તે આખી દુનિયાની સામે છે. જ્યાં સુધી તે ઘટનાનો સંબંધ છે, એનઆઈએની વિશેષ અદાલતે ગયા ઓક્ટોબરમાં નવ ઈન્ડિયન મુજાહિદ્દીન અને સીમી આતંકવાદીઓને બોમ્બ વિસ્ફોટોની યોજના બનાવવા અને તેને અંજામ આપવા માટે દોષિત ઠેરવ્યા હતા, જેમાંથી ચારને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
ચૌધરી ચરણ સિંહના પુત્ર અને યુપીએ સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી અજીત સિંહને પણ મોદી સાથેનો તેમનો ઝઘડો ખૂબ મોંઘો પડ્યો. આ કિસ્સો 2014ની લોકસભા ચૂંટણી સાથે પણ જોડાયેલો છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે મોદી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં દેશના વિવિધ ભાગોમાં દરરોજ અડધો ડઝન રેલીઓ કરી રહ્યા હતા. મોદી દરરોજ સવારે અમદાવાદથી ફ્લાઇટ લેતા અને મોડી સાંજે ગાંધીનગરમાં તેમના સત્તાવાર મુખ્યમંત્રી નિવાસસ્થાને પરત ફરતા. તેમની દરેક મિનિટ મહત્વની હતી. છેવટે મોદી માત્ર સત્તાવાર વડાપ્રધાન પદના ઉમેદવાર ન હતા, તેઓ ભાજપ અને એનડીએના સૌથી મોટા પ્રચારક પણ હતા.
મોદી ચૂંટણી પ્રચારના સંદર્ભમાં 29 માર્ચ 2014ના રોજ બાગપત પહોંચ્યા હતા. તે બાગપત, જે ચૌધરી ચરણ સિંહના સમયથી પરિવારનો ગઢ રહ્યો હતો અને જ્યાંથી અજીત સિંહ 1989થી સતત ચૂંટણી જીતી રહ્યા હતા. તેઓ માત્ર 1998માં સોમપાલ શાસ્ત્રી સામે હાર્યા હતા. ત્યાર પછી અજીત સિંહે સતત ત્રણ વખત ચૂંટણી જીતી હતી. આવી સ્થિતિમાં અજિત સિંહને ઘરઆંગણે ઘેરવા માટે ભાજપે સત્યપાલ સિંહને મેદાનમાં ઉતાર્યા હતા, જેઓ એક સમયે અજિત સિંહના ઓએસડી હતા અને ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલા મહારાષ્ટ્ર કેડરના વરિષ્ઠ IPS અધિકારી તરીકે મુંબઈ પોલીસ કમિશનર હતા.
સત્યપાલ સિંહના સમર્થનમાં ચૂંટણી રેલીમાં આવેલા મોદીએ અજિત સિંહ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જે કોંગ્રેસે ચૌધરી ચરણ સિંહને વડાપ્રધાન પદ પર રહેવા નહોતા દીધા તે જ કોંગ્રેસના ખોળામાં બેસીને અજિત સિંહે પોતાના પિતાનું અપમાન કર્યું છે. આટલું જ નહીં, મોદીએ એમ પણ કહ્યું કે ચૌધરી ચરણ સિંહ તળિયાના નેતા હતા, અજીત સિંહ હવા હવાઈ નેતા છે, જેમને જનતા આ વખતે સંસદને બદલે ઘરે મોકલશે.
મોદીએ અજિત સિંહને જે ટોણો માર્યો હતો, તે પણ તેમના ગઢમાં આવીને, કદાચ અજીત સિંહને મોદીની આ વાતનું ઘણું ખરાબ લાગ્યું. એ પણ યોગાનુયોગ હતો કે અજિત સિંહ કે જેમને મોદીએ હવા હવાઈ નેતા કહ્યા હતા, તેમની પાસે UPA-2 સરકારના છેલ્લા વર્ષોમાં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ રહી હતી ત્યારે નાગરિક ઉડ્ડયન પ્રધાન તરીકેની જવાબદારી હતી. કદાચ આ મૂંઝવણમાં જ અજિત સિંહે તેમના તાબાના અધિકારીઓને સંકેત આપ્યો અને બાગપત રેલીના બે દિવસ પછી જ્યારે મોદી 1 એપ્રિલ, 2014ના રોજ દિલ્હીથી બરેલી જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે DGCA અને ATCએ મળીને મોદીને બે કલાક સુધી ઉડાનની પરમિશન જ ન આપી. બહાનું એવું બનાવવામાં આવ્યું હતું કે બરેલીનું એરપોર્ટ એરફોર્સના નિયંત્રણમાં હોવાથી એર ડિફેન્સ ક્લિયરન્સ આવવામાં ઘણો વિલંબ થયો હતો.
જેના કારણે મોદીને બરેલીમાં સભામાં પહોંચવામાં બે કલાકથી વધુનો વિલંબ થયો હતો, જ્યાં સવારથી લોકો મોદીની રાહ જોઈ રહ્યા હતા, સભામાં સમયસર પહોંચવા માટે મોદી પોતે સવારે 9.30 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગયા હતા. પ્લેનમાં બેસવા અને ટેકઓફ તથા ક્લિયરન્સ માટે લાંબો સમય રાહ જોવી.
પરંતુ તે દિવસે મોદીની મુસીબત વધુ વધવાની હતી. બરેલીની સભા પૂરી કર્યા બાદ મોદી જ્યારે હેલિકોપ્ટરમાં બેસી રીવા જવા માટે નીકળ્યા ત્યારે હેલિકોપ્ટરને ટેકઓફ કરવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. લગભગ એક કલાક સુધી મોદી ગરમીના મહિનાઓમાં પરસેવાથી લથબથ હેલિકોપ્ટરમાં બેઠા હતા, તેમના સુરક્ષા કર્મચારીઓ ચિંતિત હતા અને સમર્થકો અને સ્થાનિક નેતાઓ અવાચક હતા કે શું થઈ રહ્યું છે. હેલીપેડ પર લગભગ એક કલાક સુધી હેલિકોપ્ટરમાં બેઠા બાદ મોદીને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
જેના કારણે ત્રણ કલાકથી વધુ મોડા પહોંચેલા મોદીએ વિલંબ બદલ લોકોની માફી માંગી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. કહ્યું કે યુપીએ સરકાર અને તેના મંત્રીઓ ફ્લાઇટમાં વિલંબ કરી શકે છે, રોકી શકે છે, પરંતુ જનતાએ યુપીએ સરકારને ભગાડવાનો નિર્ણય લીધો છે, જે બદલી શકે નહીં.
આ એક માત્ર સંયોગ હતો કે સુનિયોજિત કાવતરું હતું કે જે દિવસોમાં મોદી સાથે આ બધું થઈ રહ્યું હતું, તે જ સમયે તેમની પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓની ફ્લાઈટ્સ પણ મોડી પડી રહી હતી. પછી તે તત્કાલિન પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહની ફ્લાઇટ હોય કે પછી છત્તીસગઢના તત્કાલિન મુખ્યમંત્રી રમણ સિંહના હેલિકોપ્ટરને ટેકઓફ કરવાની મંજૂરી આપવામાં ભારે વિલંબ થયો હોય. આ વાત ખુદ મોદીને બે મહિના પહેલા સમજાઈ હતી, જ્યારે ફેબ્રુઆરીમાં કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી રેલી માટે પાર્ટીના નેતાઓએ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મોદીને હેલિકોપ્ટર દ્વારા નજીકના રેસકોર્સ ગ્રાઉન્ડ હેલિપેડ પર લાવવાની યોજના બનાવી હતી. છેલ્લી ક્ષણે તેને મંજૂરી આપવામાં આવી ન હતી.
જ્યારે આ બધું મોદી અને તેમના સાથી નેતાઓ સાથે થઈ રહ્યું હતું, ત્યારે પાર્ટીએ સત્તાવાર રીતે ચૂંટણી પંચનો પણ સંપર્ક કર્યો હતો કે તેમના વરિષ્ઠ નેતાઓની ફ્લાઈટ્સ જાણી જોઈને વિલંબિત થઈ રહી છે અથવા લેન્ડિંગની મંજૂરી નથી. સ્વાભાવિક છે કે તે સમયે અજીત સિંહ નાગરિક ઉડ્ડયન મંત્રી હતા, શંકાની સોય તેમના પર વધુ હતી કે તેઓ આ બધું તેમની અંગત ખુન્નસ કે કોંગ્રેસના ઈશારે કરી રહ્યા છે.
આ બધું કરવા છતાં, જ્યારે ચૂંટણી પરિણામો આવ્યા, ત્યારે અજીત સિંહ અને તેમની પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો. અજિત સિંહને સત્યપાલ સિંહે હરાવ્યા હતા, જેમણે ચાર દિવસથી પણ રાજકારણમાં પ્રવેશ કર્યો ન હતો. આ જ સ્થિતિ મથુરામાં પ્રવર્તી હતી, જ્યાં અજિત સિંહના પુત્ર જયંત ચૌધરીને ડ્રીમ ગર્લ હેમા માલિનીએ સરળતાથી હરાવ્યા હતા. અજિત સિંહની પાર્ટી, રાષ્ટ્રીય લોકદળના અન્ય ઉમેદવારોને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો, જયા પ્રાદા સુધી બિજનૌરથી ચૂંટણી હારી ગયા, તેમના માર્ગદર્શક અમર સિંહને આરએલડીની ટિકિટ પસંદ ન પડી અને તેઓ ફતેહપુર સીકરીથી હારી ગયા, મોદી લહેરે સપાથી આરએલડી સુધી કામ તમામ કરી નાખ્યું. દેખીતી રીતે, અજિત સિંહને મોદી સાથે પંગો લેવાની મોટી રાજકીય કિંમત ચૂકવવી પડી, જાટલેન્ડ, જે તેમનો ગઢ હતો, આજે ત્યાં ભાજપ સૌથી મજબૂત સ્થિતિમાં ઉભી છે અને અજિત સિંહના અવસાન પછી પુત્ર જયંત ચૌધરી ફરીથી પોતાનું રાજકીય મેદાન શોધવાના પ્રયાસ કરી રહ્યા છે.
મોદીની 6ઠ્ઠી જાન્યુઆરી 2019ના રોજ ગુંટુરમાં રેલી યોજાવાની હતી તે પહેલા ચંદ્રબાબુ નાયડુ અને તેમની પાર્ટી ટીડીપીએ મોદી વિરુદ્ધ રાજકારણની તમામ હદો વટાવી દીધી હતી. ‘મોદી ગો બેક'ના નારા સાથે પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એવું વાતાવરણ સર્જાયું હતું કે જો મોદી સભા માટે આવશે તો તેમની સામે હિંસક વિરોધ કરવામાં આવશે. મુકાબલો ટાળવા માટે મોદીએ તેમનો ગુંટુર પ્રવાસ સ્થગિત કરવો પડ્યો હતો. આખરે 10મી ફેબ્રુઆરીએ મોદી ગુંટુરમાં રેલી યોજવામાં સફળ રહ્યા, પરંતુ નાયડુનો મોદી પર અંગત હુમલાઓ અને તેમના વિરુદ્ધ ઝેર ફેલાવવાનું ચાલુ રહ્યું.
અંતે શું થયું તે બધાએ જોયું. એક સમયે આંધ્રની રાજનીતિમાં સૌથી મોટો ચહેરો ગણાતા નાયડુ આજે પોતાના અસ્તિત્વ માટે થાકેલી લડાઈ લડી રહ્યા છે. 2014 માં રાજ્યના પુનર્ગઠન બાદ જ્યાં કેસીઆર તેલંગાણામાં મુખ્ય બળ બની ગયા છે, તો આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડી છે. આ બંને જગ્યાએ ભાજપ ઝડપથી પોતાનું રાજકીય તાકાત મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે નાયડુ માટે હવે કોઈ સ્થાન નથી. વિધિ વિડંબના એ થઈ કે 2018-19ની લોકસભા-વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન મોદી અને અમિત શાહ સામે ઝેર ફૂંકનારા નાયડુએ નવેમ્બર 2019માં, જ્યારે કેન્દ્ર સરકારે આંધ્રના નકશા ઉપર અમરાવતીને પ્રદેશની રાજધાની તરીકેનું સ્થાન આપ્યું, ત્યારે આ બંને નેતાઓનો સામેથી આભાર માન્યો હતો. ઉલ્લેખનિય છે કે, અમરાવતીને રાજધાની તરીકે સ્થાન મળે નાયડુનું સપનું હતું.
આવી અનેક વાર્તાઓ છે. વ્યક્તિગત દુશ્મનાવટ કેળવીને જેણે પણ મોદીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, તેને નુકસાન થયું. ખાસ કરીને જેણે મોદીની સુરક્ષા અથવા જીવન સાથે રમત રમી. પી ચિદમ્બરમ, જેઓ એક સમયે દેશના ગૃહમંત્રી હતા, તેમને પણ આ વાતનો અહેસાસ હશે. તેઓ મોદીને કોર્ટના કેસોમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અથવા સુરક્ષા ઘેરો ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ચિદમ્બરમ માટે પણ તે ખોટનો સોદો હતો. તેઓ 2014ની લોકસભાની ચૂંટણી લડવાની હિંમત પણ ના કરી શક્યા. તેમણે પુત્રને પોતાની સીટ શિવગંગા ઉપર લડવા મોકલ્યા, ત્યાં પુરી તાકાતથી પ્રચાર કર્યો, છતાં તેમના પુત્ર કાર્તિને હારનો સામનો કરવો પડ્યો. ચોથા નંબરથી સંતોષ માનવો પડ્યો. એ બેઠક પર જે ચિદમ્બરમ પોતે 1984 થી સાત વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા.
ચન્નીએ આ તમામ ઘટનાઓમાંથી શીખવું જોઈએ અને તેમની પાર્ટી કોંગ્રેસે પણ શીખવું જોઈએ, જેને મોદીએ તેના 125 વર્ષના લાંબા ઈતિહાસમાં સૌથી ખરાબ તબક્કામાં ધકેલી દીધી છે. મોદી સાથે લડવા માટે તમારે મેદાન પર ઉતરવું પડશે, તમારે સખત મહેનત કરવી પડશે, લોકોનો વિશ્વાસ જીતવો પડશે, ષડયંત્ર કામ કરશે નહીં. ઈતિહાસ સાક્ષી છે કે મોદીના કેસમાં જેણે પણ આવું કર્યું, તેણે માત્ર પોતાનું જ ભારે રાજકીય નુકશાન કર્યું. ચન્નીએ ઇતિહાસમાંથી આ પાઠ શીખવો પડશે. જ્યાં સુધી મોદીની વાત છે તો તેમનું એટલું જ કહેવું છે કે જ્યાં સુધી તેમની સાથે માતા રાણી કે ભગવાન ભોલે શંકરની કૃપા છે ત્યાં સુધી કોઈનો વાળ પણ વાંકો નહીં થઈ શકે, છેવટે શક્તિ અને શિવના ઉપાસક રહ્યા છે મોદી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર