Home /News /explained /

National Science Day: આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, જાણો તેનો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

National Science Day: આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, જાણો તેનો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

ભૌતિકશાસ્ત્રી સીવી રમન (Image- Wikimedia Commons)

National Science Day 2022: ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રમન (CV Raman)ના સન્માન અને સ્મૃતિમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. તેમની મહાન શોધ 'રમન ઇફેક્ટ'ની પુષ્ટિ આ દિવસે જ કરવામાં આવી હતી.

    National Science Day: આજે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day 2022) છે. ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રમન (CV Raman)ના સન્માન અને સ્મૃતિમાં દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રી સીવી રમન દ્વારા મહાન શોધ 'રમન ઇફેક્ટ'ની પુષ્ટિ 28 ફેબ્રુઆરી 1928ના દિવસે જ કરવામાં આવી હતી. પાછળથી, વર્ષ 1930માં વૈજ્ઞાનિક સીવી રમનને તેમની આ શોધ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાન ભારતીય વૈજ્ઞાનિકની આ શોધની પાછળ ખૂબ જ રોચક પ્રસંગ છે.

    વર્ષ 1921માં ભૂમધ્ય સમુદ્રના વાદળી રંગ પાછળનું કારણ જાણવાની તેમની ઉત્સુકતા વધી. વાદળી રંગનું કારણ સમજવા માટે તેમણે પારદર્શક સપાટી, બરફના બ્લોક અને પ્રકાશ સાથે વિવિધ પ્રયોગ કર્યા. ત્યારબાદ તેમણે બરફના ટુકડામાંથી પ્રકાશ પસાર થયા બાદ તરંગલંબાઇમાં ફેરફાર જોયો. આને જ રમન ઇફેક્ટ (Raman Effect) કહેવાય છે. આ શોધે ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટો ફાળો આપ્યો.

    સીવી રમને આ નવી શોધ વિશે આખી દુનિયાને જણાવ્યું. તેમનું સંશોધન અખબારો અને વિજ્ઞાન સામયિકોમાં છપાવવા લાગ્યું. વિજ્ઞાન ક્ષેત્રે લોકોને ઘણું નવું જાણવા મળી રહ્યું હતું.

    આ પણ વાંચો: ‘આઝાદ’ અને ‘અમર’ ચંદ્રશેખરને કઈ ઘટનાએ લોકપ્રિય બનાવ્યા?

    વિજ્ઞાન ક્ષેત્રે તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC) દ્વારા ભારત સરકારને 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે મનાવવાની સલાહ આપવામાં આવી હતી.

    રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના કાર્યક્રમ

    રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે દર વર્ષે દેશની શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ અને અન્ય ટેકનિકલ, એન્જિનિયરિંગ, મેડિકલ વગેરે શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ અને રુચિ વધે તે માટે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાયન્સ સ્પીચ, ડિબેટ, એક્ટિવિટી, કોમ્પિટિશન વગેરેનું આયોજન કરવામાં આવે છે. તો વિવિધ સંસ્થાઓ અને સરકારી વિભાગો દ્વારા આ દિવસે પબ્લિક સ્પીચ, રેડિયો અને ટીવી પર કાર્યક્રમોનું પ્રસારણ, વિજ્ઞાન પ્રદર્શન વગેરે પણ યોજવામાં આવે છે.

    આ પણ વાંચો: એ કઈ આદતો છે, જેને તમે બદલશો તો એનો ફાયદો સીધો પૃથ્વીને થશે?

    રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2022: થીમ

    વર્ષ 2022ની થીમ ‘ઇન્ટીગ્રેટેડ અપ્રોચ ઇન એસએન્ડટી ફોર સસ્ટેનેબલ ફ્યુચર’ જાહેર કરવામાં આવી  છે. તો ગયા વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ હતી- ‘ફ્યુચર ઓફ એસટીઆઈ: ઇમ્પેક્ટ ઓન એજ્યુકેશનલ સ્કિલ્સ એન્ડ વર્ક’.

    રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવાનો ઉદ્દેશ

    લોકોના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા વિજ્ઞાનના મહત્વ વિશે સંદેશ ફેલાવવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેના ઉદ્દેશ્યોમાં માનવ કલ્યાણ માટે વિજ્ઞાનના ક્ષેત્રમાં તમામ પ્રવૃત્તિઓ, પ્રયત્નો અને સિદ્ધિઓનું પ્રદર્શન કરવાનો સમાવેશ થાય છે. વિજ્ઞાનના ક્ષેત્રોમાં ઉભરતા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં વિકાસ માટે નવી તકનીકોના અમલીકરણ માટે પણ તે ઉજવવામાં આવે છે. ઉપરાંત, ભારતમાં વૈજ્ઞાનિક માઈન્ડસેટ ધરાવતા નાગરિકો માટે વધુ તકો મેળવવા અને લોકોને વિજ્ઞાન અને ટેક્નોલોજી અપનાવવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે તેની ઉજવણી કરવામાં આવે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Explained, Know about, જ્ઞાન

    આગામી સમાચાર