નવી દિલ્હી: દર વર્ષે 1 જુલાઈના રોજ નેશનલ ડૉક્ટર્સ ડે (National Doctors Day) ઉજવવામાં આવે છે. આ કોરોનકાળમાં આપણે સારી રીતે સમજી ગયા છીએ કે જીવનમાં ડૉક્ટરનું મહત્ત્વ કેટલું હોય છે. ડૉક્ટર એ માનવીના રૂપમાં એક ભગવાન હોય છે, જે એક નવું જીવન આપવાના ક્ષમતા રાખે છે. આપણા દેશમાં પ્રાચીનકાળથી વૈદ્ય પરંપરા રહી છે, જેમાં ધન્વંતરી, ચરક, સુશ્રુત આજે જીવક રહી ચુક્યા છે. ધન્વંતરીને ભારતમાં એક ભગવાન તરીકે પૂજવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 1 જુલાઈના રોજ ડો. બિધાનચંદ્ર રોય (Dr. Bidhanchandra Roy)ના જન્મદિવસ તરીકે ડૉક્ટર્સ ડે ઉજવવામાં આવે છે.
કેન્દ્ર સરકારે વર્ષ 1991માં રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી. દેશમાં મહાન ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉ. બિધાનચંદ્ર રોયને સન્માન આપવા માટે આ દિવસને રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમનો જન્મદિવસ અને પુણ્યતિથિ એક જ દિવસે આવે છે. આ દિવસે લોકોને ડૉક્ટરના મહત્ત્વ વિષે જગૃત કરવામાં આવે છે. સાથે જ જીવનમાં ડૉક્ટરોના યોગદાનની સરાહના કરવામાં આવે છે.
બિધાનચંદ્ર રોયનો જન્મ 1 જુલાઈ, 1882ના રોજ બિહારમાં પટનાના ખજાનચી વિસ્તારમાં થયો હતો. તેઓ પોતાના વિદ્યાર્થી જીવનમાં ખુબ તેજસ્વી રહ્યા હતા, જેથી તેમણે અન્ય વિદ્યાર્થીઓ કરતા વધુ ઝડપથી પોતાનું શિક્ષણ પૂર્ણ કરી લીધું હતું. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ ભારત અને ઉચ્ચ શિક્ષા ઈંગ્લેન્ડમાં મેળવી હતી. તેઓ ડૉક્ટર જ નહીં, પરંતુ સમાજસેવી, આંદોલનકારી અને રાજનેતા પણ હતા. તેઓ પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી પણ રહ્યા હતા.
બિધાનચંદ્ર રોયે એક ડૉક્ટર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓ એક સરકારી હોસ્પિટલમાં કામ કરતા હતા. તેમણે અસહયોગ આંદોલનમાં પણ ભાગ લીધો હતો. શરૂઆતમાં લોકો તેમને જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીના ડૉક્ટર તરીકે ઓળખતા હતા. મહાત્મા ગાંધીના કહેવા પર તેમણે સક્રિય રાજનીતિમાં પદાર્પણ કર્યું હતું.
બિધાનચંદ્ર રોયના જન્મદિવસને ડૉક્ટર્સ ડે તરીકે ઉજવવાનું કારણ એ છે કે, તેઓ પોતાની બધી જ કમાણી દાન કરી દેતા હતા. તેઓ લોકો માટે એક રોલ મોડલ છે. આઝાદીના આંદોલન દરમિયાન તેમણે નિસ્વાર્થભાવે ઘણા ઇજાગ્રસ્તોની સારવાર કરી હતી. ડૉક્ટર્સ ડે ઉજવવાનો હેતુ, ડૉક્ટર્સના પ્રત્યે સહાનુભૂતિ રાખીને તેમને સમાજમાં સન્માનિત કરવાનો છે.
દુનિયામાં જેમ ખેડૂત અને જવાનની ભૂમિકા મહત્ત્વની છે, તેટલી જ ડૉક્ટરની ભૂમિકા પણ મહત્ત્વની છે. ડૉક્ટર્સ વિના સમાજની કલ્પના કરવી અસંભવ છે. ડૉક્ટરો મહેનત કરીને બીમાર વ્યક્તિને મોતના મુખમાંથી પાછો ખેંચી લાવે છે. ડૉક્ટર્સ આયુર્વેદિક, એલોપેથી, અલગ-અલગ પદ્ધતિઓથી દર્દીને સ્વસ્થ કરવાના પ્રયાસો કરે છે. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે, ત્યારે દર્દીઓને સ્વસ્થ કરવા માટે ડૉક્ટર્સ તનતોડ મહેનત કરી રહ્યા છે. આપણે ડૉક્ટર્સનું સન્માન જરૂર કરવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર