જન્મદિવસ: જાણો મોતીલાલ નહેરુ વિશે અજાણી વાતો

મોતી લાલ નેહરુની તસવીર

ભારતના ઇતિહાસમાં મોતીલાલ નહેરુ એક મોટી હસ્તી છે. તેઓ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નહેરુના પિતા હતા.

  • Share this:
ભારતના ઇતિહાસમાં મોતીલાલ નહેરુ એક મોટી હસ્તી છે. તેઓ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નહેરુના પિતા હતા. કહેવાય છે કે તેઓ દેશના સૌથી અમીર વકીલ હતા. તેમની અમીરી અંગે ઘણા કિસ્સાઓ પ્રખ્યાત છે. જોકે, આજે આપણે મોતીલાલ નહેરુ અંગે એવા તથ્યોની વાત કરીશું જેનાથી લોકો અજાણ છે.

જન્મ પહેલા જ પિતાનું નિધન

મોતીલાલ નહેરુ તેમના પિતાને નહોતા જોઈ શક્યા. મોતીલાલનો જન્મ 6 મે, 1861ના રોજ પ્રયાગરાજ એટલે કે તે સમયના ઇલાહાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ગંગાધર નહેરુ અને માતાનું નામ ઈન્દ્રાણી હતું. તેમનો જન્મ થયાના ત્રણ મહિના પહેલા જ તેમના પિતાનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, મોતીલાલ નહેરુના પિતા દિલ્હીમાં પોલીસની નોકરી કરતા હતા. પિતાના મૃત્યુ બાદ મોતીલાલને તેમના મોટા ભાઈ નંદલાલ નહેરુએ મોટા કર્યા હતા. નંદલાલ નહેરુ રાજસ્થાનના ખેતડીમાં દીવાન હતા.

ખરાબ પરિસ્થિતિ દરમિયાન થયો હતો જન્મ

ગંગાધરને 1857 દરમિયાન ભારતીય સ્વતંત્રાતા આંદોલન દરમિયાન દિલ્હી છોડવું પડ્યું હતું. જે બાદ તેમનું ઘર લૂંટીને સળગાવી દેવામાં આવ્યું હતું. જેથી પરિવારને લઈને તેઓ સંબંધીઓની સાથે આગ્રા આવી ગયા. પિતાના મૃત્યુ સમયે નંદલાલ 16 અને બંસીધર 19 વર્ષના હતા. તે સમયે તેમના મામાએ પરિવારને મદદ કરી હતી. જલ્દી જ નંદલાલને રાજસ્થાનમાં કલાર્કની નોકરી મળી ગઈ હતી. ત્યાર બાદ તેમણે જ પરિવાર સાથે મોતીલાલને પોતાના વંશજની જેમ સાચવ્યા.

નંદલાલે મોતીલાલને મોકલ્યા હતા કેમ્બ્રિજ

નંદલાલ ખેતડીના દીવાન બન્યા બાદ તેમણે મોતીલાલના ભણતરનો બધી જ ખર્ચ ઉઠાવી લીધો હતો અને કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં ભણવા મોકલ્યા હતા. અહીં મોતીલાલે લૉની ડિગ્રી મેળવી હતી. તેઓ વિદેશમાં શિક્ષણ મેળવનાર પ્રથમ ભારતીય માનવામાં આવે છે. આ પહેલા સમગ્ર પરિવાર આગ્રા જતો રહ્યો હતો.

મોતી લાલ નેહરુની તસવીર


કાનપુરથી શરુ કરી વકાલત

વકીલની પરીક્ષા પાસ કર્યા બાદ તેમને સૌપ્રથમ કાનપુરમાં પ્રેક્ટિસ શરુ કરી હતી. જે બાદ તેઓ ઈલાહાબાદ હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરવા ઈલાહાબાદ આવી ગયા. ઉલ્લેખનીય છે કે, મોતીલાલે દીવાની કેસોમાં ખુબ પૈસા કમાયા હતા. તેમના ક્લાયન્ટ પૈસાદાર લોકો હતા. તેમની પાસેથી મોતીલાલ ખૂબ ફી વસૂલતા હતા. ત્યાર બાદ સમય વીતતા તેઓ દેશના સૌથી ધનિક વકીલ ગણાવા લાગ્યા હતા.

વર્ષ 1900માં તેમણે ઇલાહાબાદની સિવિલ લાઇનમાં એક બંગલો ખરીદ્યો હતો, જેને આનંદ ભવન નામ આપ્યું હતું. હાલ અહીં નહેરુ ગાંધી પરિવારનું સંગ્રહાલય છે. તેમણે 1909માં બ્રિટનના પ્રિવી કાઉન્સિલમાં વકાલત કરવાની યોગ્યતા પણ મેળવી લીધી હતી. સાથે જ તેમનું વારંવાર યુરોપ જવું પણ ચર્ચાસ્પદ બનેલું હતું.

ગાંધીજી સાથે મુલાકાત બાદ થયું પરિવર્તન

વર્ષ 1918માં મોતીલાલ નહેરુની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઇ હતી. જોકે, આ પહેલા તેઓ કોંગ્રેસમાં આવી ચુક્યા હતા અને એક સમાચારપત્ર પણ શરુ કરી ચુક્યા હતા. તેઓ ગાંધીજીને મળ્યા બાદ ભવ્યતા છોડવામાં સૌથી આગળ રહ્યા હતા. સાથે જ તેમણે સ્વદેશી કપડાં અપનાવ્યા હતા. પરંતુ પરિવારના ખર્ચા માટે તેમણે વકાલત યથાવત રાખી હતી.

આઝાદી માટે રહયા સક્રિય

મોતીલાલ નહેરુ વર્ષ 1919 અને 1928માં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે દેશબંધુ ચિત્તરંજન દાસ સાથે મળીને સ્વરાજ પાર્ટીનું પણ નિર્માણ કર્યું હતું. સાથે જ યુનાઇટેડ પ્રોવિન્સેસ લેજિસ્લેટિવ કાઉન્સિલના વિપક્ષ નેતા પણ બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ભારતીયો દ્વારા લખાયેલા પ્રથમ સંવિધાન મનાતા નહેરુ રિપોર્ટને હકીકતમાં મોતીલાલ નહેરુએ લખ્યો હતો. આ જ રિપોર્ટમાં સૌપ્રથમ ડોમેનિયન સ્ટેટની માંગ કરવામાં આવી હતી.
First published: