Explained: કેવી રીતે બને છે લિક્વિડ ઓક્સિજન, આટલી થાય છે પ્રોસેસ

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ સીધો ફેફસાને નુકસાન પહોંચાડે છે. જેથી કોરોનાના દર્દીની સારવારમાં ઓક્સિજન મહત્વની ભૂમિકા ભજવે છે

  • Share this:
માનવ શરીરનો 65 ટકા ભાગ ઓક્સિજન હોવાની વાત આપણે જાણીએ છીએ. ઉર્જાને ગ્લુકોઝના માધ્યમથી કોશિકાઓમાં સ્થાનાંતરિત કરવા માટેની શ્વસન ક્રિયામાં ઓક્સિજન ખૂબ જ મહત્વનું છે. શરીરના દરેક કોષને ઓક્સિજનની જરૂર હોય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, ત્યારે ઓક્સિજન ફેફસાંમાં પહોંચે છે અને ફેફસાની દિવાલોમાંથી લોહીમાં ભળે છે.

કોરોના વાયરસ સીધું ફેફસાને નુકસાન પહોંચાડે છે. જેથી કોરોનાના દર્દીની સારવારમાં ઓક્સિજન મહત્વની ભૂમિકા ભજવે છે. જે લોકોને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હોય, તેઓમાં શ્વાસ લેવાની તકલીફ જેવા લક્ષણો સામાન્ય રીતે જોવા મળે છે. આ વાયરસ શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજનની સપ્લાય આડે પણ અવરોધ ઉભો કરે છે. આથી દર્દીઓને મેડિકલ ઓક્સિજન દ્વારા પૂરી પાડવામાં આવતી ઓક્સિજન થેરાપીની જરૂર પડે છે.

પ્રાણવાયુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન(LMO)ની મદદથી પૂરો પાડી શકાય છે. લિક્વિડ મેડિકલ ઓક્સિજન બીજું કંઈ નહીં, મેડિકલ ટ્રિટમેન્ટ માટે વપરાતો ઊંચી શુદ્ધતાવાળો પ્રણાવાયું છે. જેને માનવ શરીરમાં ઉપયોગ કરવા જ બનાવાયો છે.

ઓક્સિજન પ્રવાહી સ્વરૂપમાં કેમ?

ઓક્સિજનનું ગલન અને ઉત્કલન બિંદુ નીચા હોવાના કારણે રૂમ ટેમ્પરેચરમાં ઓક્સિજન વાયુરૂપમાં હોય છે. ઓક્સિજનને પ્રવાહી કરવાથી મોટા જથ્થામાં અને સરળતાથી તેનું પરિવહન થઈ શકે છે.

લિક્વિડ મેડિકલ ઓક્સિજન કેવી રીતે બને છે?

લિક્વિડ મેડિકલ ઓક્સિજન બનાવવા માટે કેટલીક પદ્ધતિઓ પ્રચલિત છે. જેમાં સૌથી પ્રચલિત પદ્ધતિ એર સેપરેટર યુનિટ છે. જેને ASU તરીકે પણ ઓળખવામાં આવે છે. હવામાંથી શુદ્ધ ઓક્સિજન બનાવવા માટે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન મેથડ નામની પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ સૌથી વધુ હોય છે. હવામાં નાઇટ્રોજન 78 ટકા, ઓક્સિજન 21 ટકા અને આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, નિયોન, હિલીયમ અને હાઇડ્રોજન જેવા વાયુઓ 1 ટકા હોય છે.

આ પણ વાંચો - વાપીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોવિડ કેર સેન્ટરમાં પ્રથમ દર્દી તરીકે મુસ્લિમ કલ્લન ખાન દાખલ થયા

આ પદ્ધતિમાં વાયુઓને પ્રવાહી સ્થિતિમાં ઠંડા કર્યા બાદ વિવિધ ઘટકોમાં વિભાજિત કરવામાં આવે છે. ત્યાર બાદ પ્રવાહી ઓક્સિજન કાઢવામાં આવે છે. પ્રથમ તો વાતાવરણની હવા -181° C સુધી ઠંડી કરાય છે. આટલા તાપમાને ઓક્સિજન પ્રવાહી બને છે. નાઇટ્રોજનનો બોઇલિંગ પોઇન્ટ -196°C હોવાથી તે વાયુ સ્વરૂપમાં જ રહે છે. જોકે, આર્ગોનનો બોઇલિંગ પોઇન્ટ ઓક્સિજનની જેટલો જ -186°C છે. જેથી ઓક્સિજનની સાથે આર્ગોન પણ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. હવે આ બંનેના મિશ્રણને વધુ શુદ્ધ કરવા માટે બીજા લો પ્રેશર ડિસ્ટીલેશન વેસલમાંથી પસાર કરવામાં આવે છે. ત્યારબાદ આપણને શુદ્ધ પ્રવાહી ઓક્સિજન મળે છે. પછી ક્રાયોજેનિક કન્ટેનરનો ઉપયોગ કરીને તેનું પરિવહન થાય છે.

ક્રાયોજેનિક કન્ટેનર શું છે?

ક્રાયોજેનિક એટલે ખૂબ ઓછા તાપમાને સામગ્રીનું ઉત્પાદન. જે પ્રવાહીનો નોર્મલ બોઇલિંગ પોઇન્ટ -90 °Cથી નીચે હોય તેને ક્રાયોજેનિક લિક્વિડ કહેવામાં આવે છે. ક્રાયોજેનિક લિક્વિડ કન્ટેનર ખાસ કરીને સુરક્ષિત અને સસ્તા પરિવહન માટે ડિઝાઇન કરાયા હોય છે. આ કન્ટેનર ક્રાયોજેનિક તાપમાનમાં લિક્વિફાઇડ વાયુઓના સંગ્રહ માટે બનાવવામાં આવ્યા છે. ખૂબ નીચા તાપમાને લિક્વિડ ગેસ ભરેલા આ કન્ટેનર ઇન્સુલેટેડ હોય છે.

પ્રેશર સ્વિંગ એડસોર્પશન ટેકનિક શું છે?

ઓક્સિજનને નોન ક્રાયોજેનિકલી રીતે પણ વાયુ સ્વરૂપમાં ઉત્પન્ન કરી શકાય છે. આ માટે પ્રેશર સ્વિંગ એડસોર્પશન ટેકનિકનો ઉપયોગ થાય છે. આ ટેક્નિકમાં ઉંચા દબાણમાં સોલિડ સપાટી તરફ ગેસ આકર્ષિત થાય છે. જેટલું દબાણ વધે, ગેસની આકર્ષણ તેટલું જ વધે છે. આ ટેકનિકમાં નાઇટ્રોજનને ઓક્સિજનથી વધુ સારી રીતે આકર્ષિત કરતા ઝીયોલાઈટના એબ્જોબેંટ વાસણવાળા વેસલમાં હવાને દબાણ સાથે પસાર કરવામાં આવે છે. પરિણામે નાઇટ્રોજન તેમાં રહી જાય છે. વેસલમાંથી નીકળેલા ગેસમાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે. આવી જ રીતે હોસ્પિટલો સ્થળ પર જ ઓક્સિજન જનરેટ કરતા ડીવાઇસ લગાવે છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર આવી રીતે જ કામ કરે છે. આવો જ એક વિકલ્પ પોર્ટેબલ ઓક્સિજન જનરેટરનો પણ છે. જે ઓક્સિજન કોન્સન્ટ્રેટર તરીકે ઓળખાય છે. જેનો ઉપયોગ ઘરે ઓક્સિજન માટે થઈ શકે.

સુરક્ષા પણ જરૂરી

કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરોના વધતા સંગ્રહ અને સંચાલનને કારણે આગ લાગવાનું જોખમ વધારે રહે છે. જેથી આગથી સલામતીના યોગ્ય પગલાની ખાતરી કરવી જરૂરી છે. ઉપરાંત ઓક્સિજનના સલામત સંચાલનમાં તમામ કર્મચારીઓને તાલીમ આપવી જરૂરી છે. મેડિકલ ઓક્સિજન માટે નિયમો બનાવાયા છે. જેમાં મેડિકલ ઓક્સિજનનો ઓર્ડર આપવા પ્રિસ્ક્રિપ્શન હોવું જરૂરી છે.

દુરુપયોગ ન કરવો

ઓક્સિજન જેવા મહત્વપૂર્ણ ઉત્પાદનનો ન્યાયી ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને આરોગ્ય કટોકટી દરમિયાન ઓક્સિજનના દુરૂપયોગ અથવા સંગ્રહખોરીના કારણે પેનિક અને કાળા બજાર થાય છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની COVID-19 મીડિયા બ્રીફિંગમાં એઇમ્સના નિયામક પ્રો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, ઓક્સિજનનો ન્યાયી ઉપયોગ કરવો એ સમયની માંગ છે. ઓક્સિજન સિલિન્ડરોનો દુરુપયોગ ગંભીર બાબત છે. ભવિષ્યમાં ઓક્સિજનની જરૂર પડશે તેવો કેટલાક લોકોને ડર રહે છે. આ સલાહભર્યું નથી. જો તમારું ઓક્સિજન લેવલ 94 ટકા અથવા તેથી વધુ હોય તો તેનો અર્થ એ થયો કે હજુ પણ આપણા શરીરમાં પૂરતો ઓક્સિજન છે. ગભરાવાની જરૂર નથી. ઓક્સિજનનું નોર્મલ લેવલ ધરાવતા વ્યક્તિ દ્વારા ઓક્સિજનનો દુરૂપયોગ થવાથી 80 કે 90 ટકાથી ઓછું ઓક્સિજન લેવલ ધરાવતા દર્દી વંચિત રહી શકે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે 92 કે 93ના ઓક્સિજન લેવલને ગંભીર ન ગણવું. આ બફર લેવલ છે. આવા સ્તરના દર્દી સમયસર હોસ્પિટલમાં પહોંચવા માટે સક્ષમ છે.
First published: