Home /News /explained /

જાણો , કેવી રીતે આવે છે ચોમાસુ? દક્ષિણથી ઉત્તર સુધી આખા દેશ પર મેઘરાજા કેવી રીતે પહોંચે છે?

જાણો , કેવી રીતે આવે છે ચોમાસુ? દક્ષિણથી ઉત્તર સુધી આખા દેશ પર મેઘરાજા કેવી રીતે પહોંચે છે?

PHOTO- શટરસ્ટોક

તમિળનાડુની મુખ્ય વરસાદી સિઝન ઉત્તર-પૂર્વ ચોમાસા દરમિયાન ખીલી ઉઠે છે. પશ્ચિમ ઘાટની પર્વતમાળાઓને કારણે તમિલનાડુમાં ઉત્તર-પશ્ચિમ ચોમાસાથી વધુ વરસાદ થતો નથી. જોકે, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં તમિલનાડુમાં ઉત્તર-પૂર્વ ચોમાસા દરમિયાન મહત્તમ વરસાદ પડે છે.

વધુ જુઓ ...
દેશમાં મેઘરાજાની સવારી આવી ચૂકી છે. કેરળ બાદ મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો છે. એટલે કે દેશમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે. હવે ચોમાસું ધીમે ધીમે સમગ્ર દેશના બધા ભાગોમાં ફેલાઈ જશે. ચોમાસુ દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે કેરળથી શરૂ થાય છે. કાળઝાળ ગરમી વચ્ચે રાહતની વાત એ છે કે, ચોમાસુ ઉત્તર ભારતમાં પ્રવેશ કરી રહ્યું છે.

અંગ્રેજી શબ્દ મોનસૂન પોર્ટુગીઝ શબ્દ માન્સેઓથી બન્યો છે. મૂળભૂત રીતે આ શબ્દ અરબી શબ્દ માવસિમથી આવ્યો છે. આ શબ્દ હિન્દી, ઉર્દુ અને ઉત્તર ભારતની ભાષાઓમાં પણ ઉપયોગમાં લેવાય છે. જેની એક કડી પ્રારંભની આધુનિક ડચ ભાષાના મોનસન શબ્દ સાથે જોડાયેલી છે.

ભારતમાં ચોમાસુ જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી હોય છે. ચોમાસા દરમિયાન હવામાન વિભાગ ચાર મહિના દરમિયાન થનારા વરસાદની આગાહી કરે છે. જે માટે હવામાન વિભાગ અલગ-અલગ માપદંડોનો ઉપયોગ કરે છે.

નોંધનીય છે કે ભારતમાં 127 કૃષિ જળવાયું સબ ઝોન છે. જ્યારે 36 ઝોન છે. ચોમાસાને સમુદ્ર, હિમાલય અને રણ અસર કરે છે. જેથી હવામાન વિભાગ 100 ટકા સચોટ અનુમાન લગાવી શકતું નથી.

આખા દેશમાં ચોમાસાનો વરસાદ

ઉનાળામાં જ્યારે હિંદ મહાસાગરમાં સૂર્ય વિષુવવૃત્ત રેખાની ઉપર હોય, ત્યારે ચોમાસુ રચાય છે. આ પ્રક્રિયામાં સમુદ્રનું તાપમાન 30 ડિગ્રી સુધી ગરમી પકડી લે છે. આ દરમિયાન ધરતીનું તાપમાન 45થી 46 ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે. આવી સ્થિતિમાં હિન્દ મહાસાગરના દક્ષિણ ભાગમાં ચોમાસુ હવા સક્રિય થઈ જાય છે. આ હવા એકબીજા સાથે ક્રોસ થાય છે અને વિષુવવૃત્ત રેખા પાર કરીને એશિયા તરફ આગળ વધે છે.

આ દરમિયાન સમુદ્રની ઉપર વાદળ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. વિષુવવૃત્ત રેખા પાર કરીને હવા અને વાદળો વરસાદ વરસાવતા વરસાવતા બંગાળની ખાડી અને અરબ સાગર તરફ આગળ વધે છે. ત્યારે દેશના તમામ ભાગનું તાપમાન સમુદ્ર જળના તાપમાનથી વધુ હોય છે. આવી સ્થિતિમાં હવા સમુદ્રથી જમીન તરફ વહેવા લાગે છે. આ હવા સમુદ્રના જળનું બાષ્પીભવનથી ઉત્પન્ન થનારી બાષ્પને શોષી લે છે અને પૃથ્વી પર પહોંચતાંની સાથે જ વરસાદ કરે છે.

જો હિમાલય ન હોત, તો ઉત્તરીય ભાગ તરસ્યા રહી જાત

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પહોંચ્યા પછી સમુદ્રમાંથી ચોમાસુ પવન બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક ભાગ અરબી સમુદ્ર બાજુથી મુંબઇ, ગુજરાત, રાજસ્થાન થઈને આગળ વધે છે. જ્યારે બીજો ભાગ બંગાળની ખાડીથી પશ્ચિમ બંગાળ, બિહાર, ઇશાન તરફ જાય છે અને હિમાલય સાથે અથડાઈ ગંગાના પ્રદેશો તરફ વળે છે.

આવી રીતે જુલાઇના પહેલા અઠવાડિયામાં આખા દેશમાં રીમઝીમ વરસાદ થવા લાગે છે. ચોમાસુ મે મહિનાના બીજા સપ્તાહમાં બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર દ્વીપસમૂહમાં પ્રવેશ કરે છે અને તારીખ 1 જૂનના રોજ કેરળ પહોંચી જાય છે. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે, જો હિમાલય પર્વત ન હોત તો ઉત્તર ભારતના મેદાન વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ થાત જ નહીં. ચોમાસુ પવન બંગાળની ખાડીથી આગળ વધે છે અને હિમાલયથી અથડાઈને પરત ફરતી વખતે ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં વરસાદ વરસાવે છે. ભારતમાં ચોમાસુ રાજસ્થાનમાં મામૂલી વરસાદ બાદ પૂર્ણ થાય છે.ક્યાં કેટલો વરસાદ પડે છે?

દેશમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ 89 સેન્ટીમીટર વરસાદ થાય છે. દેશની 65% ખેતી ચોમાસા પર નિર્ભર છે. વીજળીનું ઉત્પાદન અને નદીમાં વહેતું પાણી પણ ચોમાસા પર નિર્ભર રહે છે. પશ્ચિમ અને પૂર્વ તટના રાજ્યોમાં 200 થી 1000 સેન્ટીમીટર વરસાદ થાય છે. જ્યારે રાજસ્થાન અને તામિલનાડુના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ વરસાદ માત્ર 10થી 15સેન્ટિમીટર જ થાય છે.

ચેરાપુંજીમાં વર્ષભરમાં આશરે 1,100 સે.મી. વરસાદ પડે છે. કેરળમાં જૂન મહિનાની શરૂઆતમાં ચોમાસું આવે છે અને ઓક્ટોબર સુધી લગભગ પાંચ મહિના ચાલે છે. જ્યારે રાજસ્થાનમાં ચોમાસામાં માત્ર દોઢ મહિનાનો વરસાદ પડે છે. અહીંથી ચોમાસાનું પ્રસ્થાન થાય છે.

હિંદ મહાસાગર અને અરબી સમુદ્ર તરફથી ભારતના દક્ષિણ પશ્ચિમ તટ પર આવનારા પવનો ભારત સાથે પાકિસ્તાન બાંગ્લાદેશમાં પણ ભારે વરસાદ લાવે છે. જોકે કોઈ પણ ક્ષેત્રનું ચોમાસુ તેની આબોહવા પર નિર્ભર કરે છે. મોટાભાગે ચોમાસા દરમિયાન તાપમાન ઓછું થાય છે, અને ભેજ વધે છે.

ક્યાં ક્યાં વરસાદ વરસાવે છે?

અરબી સમુદ્રમાંથી આવતા પવનો ઉત્તર તરફ આગળ વધે છે અને 10 જૂન સુધીમાં મુંબઇ પહોંચે છે. જોકે, આ વખતે ચોમાસું બધે ઝડપથી પહોંચી રહ્યું છે. ચોમાસું જૂનના પહેલા અઠવાડિયામાં અસમ પહોંચી જાય છે. આ પછી હિમાલયને ટકરાઈ પવનો પશ્ચિમ તરફ વળે છે. મુંબઇના થોડા દિવસો પહેલા ચોમાસું કોલકાતા શહેરમાં 7 જૂનની આસપાસ પહોંચી જાય છે.ગુજરાત સૌરાષ્ટ્રમાં ક્યારે પહોંચે?

જૂનના મધ્યભાગ સુધીમાં અરબી સમુદ્ર તરફથી વહેતા પવન સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ભારતના વિસ્તારમાં ફેલાઈ જાય છે. ત્યાર બાદ બંગાળની ખાડી અને અરબ સાગરના પવનો ફરીથી એક સાથે વહેવા લાગે છે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ રાજસ્થાનમાં એક જુલાઈથી વરસાદ શરૂ થાય છે.

જ્યારે કેટલીક વખત દિલ્હીમાં ચોમાસાનો વરસાદ પૂર્વી દિશામાંથી આવે છે અને તે બંગાળની ખાડી પર વહેતા પવનનો ભાગ છે. ઘણી વખત તે અરબી સમુદ્ર ઉપર વહેતા પ્રવાહના ભાગ રૂપે દક્ષિણ દિશામાંથી આવે છે.

જુલાઈ મહિનો અડધો વીતે ત્યાં સુધીમાં તો ચોમાસુ કાશ્મીર અને દેશના બાકી બચેલા હિસ્સામાં ફેલાઈ જાય છે. અલબત્ત ત્યાં સુધીમાં તો તેમાં ભેજ ખૂબ ઓછો થઈ ગયો હોય છે.

તામિલનાડુમાં ઉત્તર-પૂર્વી ચોમાસાનો વરસાદ

શિયાળામાં જમીનના ભાગો વધુ ઝડપથી ઠંડા થઈ જાય છે. આવી સ્થિતિમાં સુકા પવનો ઉત્તર-પૂર્વ ચોમાસુ બની ફૂંકાય છે. તેમની દિશા ગરમીના દિવસોના ચોમાસાના પવનની દિશાથી વિરુદ્ધ હોય છે. ઉત્તર-પૂર્વ ચોમાસુ જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ભારતની જમીન અને પાણીના ભાગને આવરી લે છે. આ સમયે એશિયન ભુભાગનું તાપમાન ન્યૂનતમ હોય છે. આ સમયે ઉચ્ચ દબાણનો પટ્ટો પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્રથી અને મધ્ય એશિયાથી ઉત્તર-પૂર્વ ચાઇના સુધીના વિસ્તાર તરફ ફેલાયેલો હોય છે.

આ સમય દરમિયાન વાદળ રહિત આકાશ, સારું વાતાવરણ, ભેજનો અભાવ જોવા મળે છે. હળવા ઉત્તર પવનો ભારતમાં ફૂંકાય છે. ઉત્તર-પૂર્વ ચોમાસાને કારણે વરસાદ ઓછો હોય છે, પરંતુ શિયાળુ પાક માટે ખૂબ ફાયદાકારક છે. ઉત્તર-પૂર્વ ચોમાસાને કારણે તમિળનાડુમાં મુશળધાર વરસાદ પડે છે. તમિળનાડુની મુખ્ય વરસાદી સિઝન ઉત્તર-પૂર્વ ચોમાસા દરમિયાન ખીલી ઉઠે છે. પશ્ચિમ ઘાટની પર્વતમાળાઓને કારણે તમિલનાડુમાં ઉત્તર-પશ્ચિમ ચોમાસાથી વધુ વરસાદ થતો નથી. જોકે, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં તમિલનાડુમાં ઉત્તર-પૂર્વ ચોમાસા દરમિયાન મહત્તમ વરસાદ પડે છે.
First published:

Tags: આઈએમડી imd, ચોમાસુ Monsoon, ભારત india, વરસાદ rain

આગામી સમાચાર