Hindi Controversy: હિન્દી ભાષાને લઇને બોલિવુડ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn) અને કિચ્ચા સુદીપ (Kiccha Sudeep) વચ્ચેની દલીલોએ આ વિવાદ પર સૌનું ધ્યાન ખેંચ્યું છે. આખરે હિન્દીની બંધારણીય સ્થિતિ શું છે. દેશમાં સૌથી વધુ લોકો હિન્દી બોલતા હોવા છતાં પણ તે રાષ્ટ્રીય ભાષા શા માટે ન બની શકી?
Hindi Language Controversy: તાજેતરમાં અભિનેતા અજય દેવગણ (Ajay Devgn) અને કર્ણાટકના એક્ટર કિચ્ચા સુદીપ વચ્ચે હિન્દી ભાષાને લઈને ટ્વિટર પર શાબ્દિક યુદ્ધ છેડાયું છે. અજયનો તર્ક હતો કે હિન્દી આ દેશની રાષ્ટ્રભાષા અને માતૃભાષા છે. સુદીપે તેને માનવાનો ઇનકાર કરી નાખ્યો. તેમણે કહ્યું કે હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો નથી મળ્યો. તેને સાઉથ પર થોપી ન શકાય. ત્યારબાદ આ વિવાદમાં કર્ણાટકના રાજકીય નેતાઓ પણ જોડાયા, જેમણે સુદીપને ટેકો આપ્યો. બાય ધ વે, એ જાણવા જેવી વાત છે કે દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભાષા હિન્દીની બંધારણીય સ્થિતિ શું છે. આખરે શા માટે તે રાષ્ટ્રીય ભાષા ન બની શકી.
આઝાદી બાદ હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાના સમર્થક મહાત્મા ગાંધી અને નેહરુ પણ હતા. તેમણે એક કે બે ભાષાને સમગ્ર દેશની ભાષા બનાવવાની ઝુંબેશ ચલાવી હતી. જ્યારે હિન્દી વિરોધી જૂથ તેનો વિરોધ કરી રહ્યો હતો. તેઓ અંગ્રેજીને જ રાજ્યની ભાષા બનાવવાના પક્ષમાં હતા. 1949માં ભારતની બંધારણીય સમિતિ એક સમજૂતી પર પહોંચી. તેને મુંશી-આયંગર સમજૂતી કહેવામાં આવે છે. ત્યારબાદ જે ભાષાને રાજભાષા તરીકે સ્વીકૃતિ મળી, તે હિન્દી (દેવનાગરી લિપિમાં) હતી.
બંધારણમાં ભારતની માત્ર બે ઓફિશિયલ ભાષાઓનો ઉલ્લેખ હતો. તેમાં કોઈ ‘રાષ્ટ્રીય ભાષા’નો ઉલ્લેખ પણ ન હતો. તેમાં સત્તાવાર ભાષા તરીકે અંગ્રેજીનો પ્રયોગ આવતા પંદર વર્ષમાં ઘટાડવાનું લક્ષ્ય હતું. આ 15 વર્ષ બંધારણ લાગુ થયાની તારીખ (26 જાન્યુઆરી, 1950)થી આવતા 15 વર્ષ એટલે કે 26 જાન્યુઆરી, 1965ના ખતમ થવાના હતા.
હિન્દી ભાષા અંગે થયો ઉહાપોહ
હિન્દી સમર્થક નેતા જેમાં બાલકૃષ્ણ શર્મા અને પુરુષોત્તમ દાસ ટંડન સામેલ હતા. તેમણે અંગ્રેજીને અપનાવવા અંગે વિરોધ કર્યો. આ પગલાંને સામ્રાજ્યવાદનો અંશ ગણાવ્યો. સાથે જ માત્ર હિન્દીને ભારતની રાષ્ટ્રીય ભાષા બનાવવા માટે વિરોધ પ્રદર્શન પણ કર્યા. તેમણે આ માટે ઘણાં પ્રસ્તાવ રાખ્યા પરંતુ કોઇપણ પ્રયત્ન સફળ ન થઈ શક્યો કારણકે, હિન્દી હજુ પણ દક્ષિણ અને પૂર્વીય ભારતના રાજ્યો માટે અજાણી ભાષા જ હતી. 1965માં જ્યારે હિન્દીને બધી જગ્યાએ ફરજીયાત કરવામાં આવી તો તમિલનાડુમાં હિંસક આંદોલન થયા.
ત્યારબાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ નક્કી કર્યું કે બંધારણ લાગુ થયાના 15 વર્ષ પછી પણ જો હિન્દીને દરેક જગ્યાએ લાગુ કરવા માટે ભારતના બધા રાજ્યો તૈયાર નથી તો ભારતની એકમાત્ર ઓફિશિયલ ભાષા ન બનાવી શકાય. જો એવું થઈ ગયું હોત તો ભારતની આ એકમાત્ર ભાષા, રાષ્ટ્રભાષા બની હોત.
ત્યારબાદ સરકારે રાજભાષા અધિનિયમ, 1963 લાગુ કર્યો. તેમાં 1967માં સુધારો કરવામાં આવ્યો. જેના દ્વારા ભારતે એક દ્વિભાષીય પદ્ધતિ અપનાવી લીધી. આ બંને ભાષાઓ પહેલાની જ હતી, અંગ્રેજી અને હિન્દી.
1971 બાદ ભારતની ભાષાકીય નીતિનું સમગ્ર ધ્યાન ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ કરવા પર રહ્યું. જેનો અર્થ હતો કે આ ભાષાઓને સત્તાવાર ભાષા આયોગમાં પણ સ્થાન મળશે અને તે રાજ્યની ભાષા તરીકે ઉપયોગમાં લેવાશે. આ પગલું બહુભાષી લોકોના ભાષા પ્રત્યેના ગુસ્સાને ઘટાડવા માટે લેવામાં આવ્યું હતું. સ્વતંત્રતા સમયે, તેમાં 14 ભાષાઓ હતી, જે 2007 સુધીમાં વધીને 22 થઈ ગઈ.
વર્તમાન સરકારે પણ આશા જગાડી હતી
વર્તમાન NDA સરકારે 2014માં આવતાં જ પોતાના અધિકારીઓ અને મંત્રીઓને સોશિયલ મીડિયા પર સરકારી પત્રોમાં હિન્દીનો પ્રયોગ કરવાનો આદેશ આપ્યો હતો. ખુદ વડાપ્રધાન મોદી પણ આંતરરાષ્ટ્રીય મંચ પર હિન્દીમાં બોલતાં જોવા મળ્યા. જો કે, તો પણ હિન્દીની રાષ્ટ્રભાષા બનવાની સંભાવના ઘણી ઓછી રહી છે.
દેશમાં હિન્દી બોલનારા કેટલા છે?
ઘણી વાર એવું કહેવાય છે કે, લગભગ 125 કરોડની વસ્તીવાળા ભારતમાં 50 ટકાથી વધુ લોકો હિન્દી બોલે છે. સાથે જ નોન હિન્દીભાષી વસ્તીમાં પણ 20 ટકા લોકો હિન્દી સમજે છે. એટલે હિન્દી ભારતની સામાન્ય ભાષા છે. જો કે, ઘણાં ભાષાશાસ્ત્રીઓનું કહેવું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, છત્તીસગઢના લોકોને હિન્દી ભાષીઓમાં ગણી લેવામાં આવ્યા છે, તેઓ છે નહીં.
દેશના 29માંથી 20 રાજ્ય છે બિન હિન્દી ભાષી
આ સિવાય ભારતના દક્ષિણમાં કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક છે. પશ્ચિમમાં ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત. ભારતના ઉત્તર-પશ્ચિમમાં પંજાબ અને જમ્મુ અને કાશ્મીર. પૂર્વમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ. ઉત્તરપૂર્વમાં સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને આસામ. આ દેશના 29 માંથી 20 રાજ્યો એવા છે જ્યાં હિન્દીભાષી બહુ ઓછા છે. આવી સ્થિતિમાં હિન્દી રાષ્ટ્રભાષા બની જ ન શકે.
આ ઉપરાંત, ભારતમાં હિન્દી કરતાં ઘણી પ્રાચીન ભાષાઓ તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ, મરાઠી, ગુજરાતી, સિંધી, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, નેપાળી અને આસામી છે. આવી સ્થિતિમાં એક નવી ભાષાને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવો યોગ્ય નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર