નવી દિલ્હી : કર્ણાટક (Karnataka) માં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ (Hijab) પહેરેલી વિદ્યાર્થિનીઓનો મામલો ગરમાયો છે. હવે તાજેતરમાં એક અન્ય સમાચાર સામે આવ્યા છે, જેમાં કુંદાપુર સ્થિત કોલેજમાં મુસ્લિમોને પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યા છે. એકબાજુ ઉડુપી કોલેજનો (Udupi College)મામલો કોર્ટમાં છે અને રાજ્ય સરકારે પણ સંસ્થાઓને હાઈકોર્ટના આદેશ સુધી ડ્રેસ અંગેના હાલના નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપી છે. લગભગ એક મહિના પહેલા વિદ્યાર્થિનીઓના વિરોધ બાદ મામલો ગરમાયો અને વાતે વેગ પકડી હતી અને હવે તેમાં ઘણા રાજકારણીઓ પણ સામેલ થઈ ગયા છે. તો ચાલો આપણે વિગતવાર સમજીએ કે હિજાબને લગતો વિવાદ (Hijab controversy)શું છે અને આ વિવાદમાં અત્યાર સુધી શું થયું છે.
શરૂઆત
લગભગ એક મહિના પહેલા હિજાબ પહેરેલી છ વિદ્યાર્થિનીઓને ઉડુપીની એક સરકારી કોલેજમાં ક્લાસમાં જતી અટકાવવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ આ નિર્ણયનો કોલેજની બહાર જ વિરોધ કર્યો હતો. આ વિરોધમાં સામેલ એક વિદ્યાર્થિનીએ કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે, અન્ય વિદ્યાર્થિનીઓએ દાવો કર્યો હતો કે વર્ગમાં હિજાબ ન પહેરવાની વાતથી તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
શું કહે છે બંધારણ?
બંધારણની કલમ 25(1) ભારતના તમામ લોકોને 'અંતરાત્માની સ્વતંત્રતા અને ધર્મનો ઉપદેશ, આચરણ અને પ્રચાર કરવાનો અધિકાર' આપે છે. જો કે, તમામ મૂળભૂત અધિકારોની જેમ જ રાજ્ય જાહેર વ્યવસ્થા, શિષ્ટાચાર, નૈતિકતા, આરોગ્ય અને અન્ય હિતોના હિતમાં તેના પર નિયંત્રણો લાદી શકાય છે.
હિજાબનો મુદ્દો આ પહેલા પણ ઘણી વખત કોર્ટ સમક્ષ આવી ચૂક્યો છે. કેરળ હાઈકોર્ટમાં ફાતિમા તસ્નીમ Vs. કેરળ રાજ્ય (2018)ના કેસમાં, સિંગલ હાઈકોર્ટની બેન્ચે નક્કી કર્યું કે સંસ્થાના સામૂહિક અધિકારોને અરજદારના વ્યક્તિગત અધિકારો પર પ્રાધાન્ય આપવામાં આવશે. આ કેસમાં 12 અને 8 વર્ષની બે છોકરીઓ સામેલ હતી, જેમના પિતા ઇચ્છતા હતા કે તેઓ હેડ સ્કાર્ફ અને ફુલ સ્લીવ શર્ટ જ પહેરે. જોકે, જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેંચ દ્વારા આ અપીલને ફગાવી દેવામાં આવી હતી. કારણ કે એવું માનવામાં આવ્યું હતું કે 'અપીલકર્તા-અરજીકર્તા હવે શાળામાં જતા નથી અને તે પ્રતિવાદી-શાળામાં હાજરી આપતા નથી'. જણાવી દઈએ કે લાઈવ લો મુજબ, વર્ષ 2015માં કેરળ હાઈકોર્ટે બે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ અને ફુલ સ્લીવ્ઝ પહેરીને CBSE AIPMT માં હાજર રહેવાની મંજૂરી આપી હતી.
શું કહી રહ્યાં છે રાજનેતાઓ?
ભાષા અનુસાર, શૈક્ષણિક સંસ્થાઓમાં આ મુદ્દે વિવાદ શરૂ થયો અને મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, ત્યારે મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ શુક્રવારે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન બીસી નાગેશ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે સરકારના સ્ટેન્ડ વિશે બેઠક યોજી હતી. તે જ સમયે કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ મુસ્લિમ છાત્રાને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાના અધિકારને સમર્થન આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.
રાજ્યના શિક્ષણ પ્રધાન બીસી નાગેશે પત્રકારોને જણાવ્યું હતું કે, કર્ણાટક શિક્ષણ અધિનિયમ હેઠળ નિયમો 2013 અને 2018 માં બનાવવામાં આવ્યા હતા. આ હેઠળ શૈક્ષણિક સંસ્થાઓ અને તેમના SDMC પાસે વિદ્યાર્થીઓના યુનિફોર્મ નક્કી કરવાનો અધિકાર છે. રાજ્યના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે શાળાનો યુનિફોર્મ એવી વસ્તુ છે જેનું પાલન કરવું જ જોઈએ. તેમણે કહ્યું કે તે બાળકોને તફાવત ભૂલીને ભારતીય તરીકે એક થવામાં મદદ કરે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “વિદ્યાર્થીઓના હિજાબને શિક્ષણના મધ્યમાં લાવીને ભારતની દીકરીઓનું ભવિષ્ય છીનવી રહ્યા છીએ. મા સરસ્વતી સૌને જ્ઞાન આપે. તેમને કોઈ ફરક દેખાતો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર