નહેરુની વિચારધારા પર ગાંધીજીનો બહુ મોટો પ્રભાવ રહ્યો છે. (Image- Wikimedia commons)
કેટલાક લોકો જવાહરલાલ નહેરુ(Jawaharlal Nehru)ને ગાંધી (Mahatma Gandhi)ના પરમ ભક્ત તરીકે જુએ છે તો કેટલાક લોકો તેમની વચ્ચેના મતભેદને રેખાંકિત કરીને બંને વચ્ચેનું અંતર દેખાડવાનો પ્રયત્ન કરે છે, પણ સત્ય એ છે કે નહેરુની વિચારધારા પર ગાંધીજીનો બહુ મોટો પ્રભાવ રહ્યો છે.
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ (Jawaharlal Nehru)ની કલ્પના મહાત્મા ગાંધી (Mahatma Gandhi) વગર ન થઈ શકે. ભારતીય સ્વતંત્રતા આંદોલન (Freedom Movement)ના ઇતિહાસમાં ગાંધીજીનો પ્રભાવ ધીમે-ધીમે વધ્યો, પણ નહેરુએ પહેલી મુલાકાતથી જ ગાંધીજીને બહુ સન્માનિત નજરે જોયા. શરૂઆતમાં તેઓ ગાંધીજીથી બહુ સહમત જોવા મળ્યા ન હતા. આજે એટલે કે 14 નવેમ્બરે નહેરુનો જન્મદિવસ છે જેને ભારત દર વર્ષે બાળ દિવસ તરીકે ઉજવે છે. આજે તેમની જન્મતિથિ પર જાણીએ કે ગાંધીજીના પ્રભાવથી નહેરુમાં શું પરિવર્તન આવ્યું.
નહેરુ પર ગાંધીનો પ્રભાવ
કેટલાક લોકો નહેરુને ગાંધીના પરમ ભક્ત તરીકે જુએ છે તો કેટલાક લોકો તેમની વચ્ચેના મતભેદને રેખાંકિત કરીને બંને વચ્ચેનું અંતર દેખાડવાનો પ્રયત્ન કરે છે પણ સત્ય એ છે કે નહેરુની વિચારધારા પર ગાંધીનો બહુ મોટો પ્રભાવ રહ્યો છે અને આ પરિવર્તન રાતોરાત નથી થયું કેમકે બંનેના સંબંધો સમય સાથે વિકસિત થતાં રહ્યા.
વકીલાતમાં રસ ન હતો
ગાંધીજી સાથેની મુલાકાત પહેલા નહેરુ 1912માં બ્રિટનથી બેરિસ્ટર બનીને આવ્યા હતા અને અલાહાબાદ હાઈકોર્ટમાં વકીલ તરીકે કામ પણ કરવા લાગ્યા હતા. પરંતુ તેમના પિતાની જેમ તેમને પણ વકીલાતમાં રસ ન હતો. એ સમયે કોંગ્રેસમાં મધ્યસ્થીઓની બોલબાલા હતી. તેઓ કોંગ્રેસના કામકાજથી અને સ્વતંત્રતા આંદોલનની ગતિથી સંતુષ્ટ ન હતા, છતાં તેમના મનમાં ગાંધીજી પ્રત્યે શરૂઆતથી જ આદર હતો.
1914માં શરુ થયેલા વિશ્વ યુદ્ધમાં નહેરુ સંપૂર્ણપણે મિત્ર દેશોના વિરુદ્ધમાં પણ ન હતા. તેમનો ઝુકાવ ફ્રાંસ તરફ વધારે હતો જે યુદ્ધમાં અંગ્રેજો સાથે હતું. પરંતુ તેઓ ભારતમાં અંગ્રેજ સરકારના સેન્સરશિપ વાળા કાયદાનો પણ વિરોધ કરતા રહ્યા. 1916માં તેમણે એની બેસન્ટ અને બાલ ગંગાધર તિલક બંનેની હોમ રૂલ લીગમાં જોડાવાનું પસંદ કર્યું. આ જ વર્ષે લખનૌ પેક્ટના પણ તેઓ સમર્થક બન્યા જે હિંદુ મુસ્લિમ પ્રતિનિધિત્વથી સંબંધિત હતો.
જવાહરલાલ નહેરુ કોંગ્રેસના કામકાજથી અને સ્વતંત્રતા આંદોલનની ગતિથી સંતુષ્ટ ન હતા. (File Photo)
નહેરુ અને મહાત્મા ગાંધીની પ્રથમ મુલાકાત
26 ડિસેમ્બર 1916ના 27 વર્ષીય નહેરુ અલાહાબાદથી લખનૌ રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા. ત્યાં ચારબાગ સ્ટેશન સામે તેમની પ્રથમ મુલાકાત 47 વર્ષીય ગાંધીજી સાથે થઈ જે અમદાવાદથી ત્યાં પહોંચ્યા હતા. કોંગ્રેસના એ લખનૌ અધિવેશનમાં ગાંધીજીએ પોતાનું ભાષણ આપ્યું હતું અને એ જ અધિવેશનમાં બંનેની મુલાકાત થઈ હતી.
નહેરુએ આ મુલાકાત વિશે શું કહ્યું
પોતાની આત્મકથા ટુવર્ડ ફ્રીડમ (Toward Freedom)માં નહેરુએ ગાંધીજીની પ્રથમ મુલાકાત વિશે જણાવ્યું છે કે, ‘ગાંધીજી સાથે મારી પ્રથમ મુલાકાત 1916માં કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં થઈ હતી. અમે બધા દક્ષિણ આફ્રિકામાં તેમની ઐતિહાસિક લડાઈના પ્રશંસક હતા. પરંતુ તેઓ અમારા જેવા યુવાનોથી બહુ દૂર, અલગ અને અરાજકીય હતા. તેમણે કોંગ્રેસ અને રાષ્ટ્રીય રાજકારણમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ ટૂંક સમયમાં ચંપારણના ખેડૂતો અને મજૂરો માટે તેમના આંદોલને અમારામાં ઉત્સાહ ભરી નાખ્યો. અમે જોયું કે તેઓ પોતાની યુક્તિઓ ભારતમાં અજમાવવા માટે તૈયાર હતા અને તેમાં સફળતાનો ભરોસો પણ જોવા મળ્યો હતો.’
ત્યારબાદ નહેરુ અને ગાંધીએ પાછું વળીને નથી જોયું. નહેરુ ગાંધીજી માટે વિના શરતે સમર્પણ કરતા ગયા. 1920માં નહેરુએ અસહયોગ આંદોલનમાં સક્રિયતાથી ભાગ લીધો અને જેલ પણ ગયા. જ્યારે ચૌરીચૌરાનીની ઘટનાને કારણે ગાંધીજીએ આંદોલન રદ કરી દીધું તો તેનો દેશભરમાં વિરોધ થયો હતો, પણ નહેરુ ગાંધીજીની પડખે ઊભા રહ્યા.
જવાહરલાલ નહેરુના વડાપ્રધાન કાર્યકાળમાં તેમની નીતિઓ પર ગાંધીજીની વિચારધારાનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળ્યો છે. (ફાઈલ ફોટો)
બંનેની મિત્રતા પણ જોવા મળી
1920ના દાયકાના અંતિમ વર્ષોમાં નહેરુ દેશની સ્વતંત્રતા ચળવળની ધીમી ગતિથી સ્પષ્ટપણે અસંતુષ્ટ હતા. તેઓ ઇચ્છતા હતા કે કોંગ્રેસે સ્વરાજને બદલે પૂર્ણ સ્વતંત્રતા માટે સંઘર્ષ કરવો જોઈએ. નહેરુના વિચારોમાં માર્ક્સવાદનો સ્પષ્ટ પ્રભાવ રહ્યો. પહેલી વખત નહેરુ ગાંધીથી બહુ અલગ જોવા મળ્યા. બંને વચ્ચે અલગ ભાષા અને રાજકારણ જોવા મળ્યું. તો પણ નહેરુ ગાંધીવાદી બનતા ગયા.
ગાંધીજીએ આઝાદી પહેલાં જ વર્ષ 1942માં નહેરુને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. આ પહેલા પણ ઘણી વખત બંનેના પત્રોમાં આઝાદીની ચળવળની ગતિને લઈને મતભેદ જોવા મળ્યા હતા. ગાંધીજીએ શંકા પણ વ્યક્ત કરી કે તેઓ બંને અલગ થઈ શકે છે, પણ નહેરુએ એવું ક્યારેય થવા ન દીધું. ઘણા કિસ્સાઓમાં નહેરુ ગાંધીજીને અવ્યવહારુ દેખાતા, પરંતુ તેમણે ક્યારેય તેનો ખુલ્લેઆમ વિરોધ કે ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ હંમેશા ગાંધીવાદી હોવાની પોતાની ઓળખ જાળવી રાખી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર