ઇસ્લામ ધર્મ (Islam Religion)માં રમઝાન મહિના (Ramzan Month)નો દરેક દિવસ મહત્ત્વનો છે. પરંતુ જમાત ઉલ વિદા (Jamat Ul Vida)ના અવસરે રાખવામાં આવેલો રોઝો ઇસ્લામ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. જમાત ઉલ વિદાને રમઝાન મહિનાનો બીજો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. પવિત્ર રમઝાનના છેલ્લા શુક્રવારે આ શુભ દિવસ ઉજવાય છે. સમૃદ્ધિ અને શાંતિ માટે સમર્પિત આ પવિત્ર દિવસ આજે એટલે કે 7 મેના રોજ ઉજવાઈ રહ્યો છે.
ઇસ્લામિક સંસ્કૃતિમાં જુમુહ(જુમ્મા) એટલે કે શુક્રવારનું આગવું મહત્ત્વ છે. આ દિવસને સપ્તાહનો સૌથી પવિત્ર દિવસ ગણવામાં આવે છે. આમ તો દરેક શુક્રવાર મુસ્લિમો માટે મહત્ત્વનો છે, પરંતુ રમઝાનનો છેલ્લો શુક્રવાર વધુ શુભ માનવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ આ નવમો મહિનો છે.
અરબી શબ્દ ‘જમાત ઉલ-વિદા’ વિદાયનો શુક્રવાર સૂચવે છે. તેને અલ જુમ્મા-અલ યતિમહ પણ કહેવાય છે. જુમુહનો મતલબ ભેગા થવું છે. ઉર્દુમાં તેનો મતલબ ‘અનાથ શુક્રવાર’ છે. જે ઇદ-ઉલ-ફિત્ર પહેલાં આવે છે.
જમાત ઉલ-વિદાનું ઐતિહાસિક મહત્ત્વ છે. આ પવિત્ર દિવસે અલ્લાહના સંદેશવાહક પૃથ્વી પર ઉતરે છે અને મસ્જિદમાં નમાજ પઢવા માટે પ્રવેશ કરે છે. સંદેશાવાહકે ઇમામને સાંભળી સામાન્ય લોકોને દુઆ આપે છે. આ દરમિયાન મસ્જિદોમાં વિશાળ સમારોહ યોજાય છે.
કુરાનના 9મી આયત, 62માં અધ્યાયમાં ધાર્મિક સભાના મહત્ત્વનો ઉલ્લેખ છે. “ઓ માનનારાઓ, જુમ્માના દિવસે જ્યારે પ્રાર્થના માટે અઝાન બોલાવવામાં આવે છે, તો અલ્લાહના સ્મરણમાં આગળ આવો અને વેપાર છોડી દો”.
જમાત ઉલ-વિદાનું મહત્ત્વ
પયગંબર મુહમ્મદે એમ કહીને જમાત ઉલ-વિદાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો કે, શુક્રવાર વધુ ભાગ્યશાળી દિવસ હોવાથી આ દિવસે કરવામાં આવતી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે છે અને પરિપૂર્ણ થાય છે. કોઈ દિલથી પ્રાર્થના કરે તો અગાઉની તમામ ફરિયાદો અને ભૂલો ભૂલીને અલ્લાહ માફ કરે છે. લોકોને સત્યતાના માર્ગ પર ચાલવા, વફાદાર રહેવા અને વિશ્વ શાંતિની સાથે આબાદી માટે પ્રાર્થના કરે તેવો ધર્મોપદેશ મૌલવીઓ મસ્જિદોમાં આપે છે.
જમાત ઉલ-વિદાની ઉજવણી
આ શુભ દિવસે લોકો સવારે વહેલા ઉઠે છે. સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરે છે. ત્યાર બાદ કુરાન વાંચવામાં આવે છે. તેમજ પાપમાંથી મુક્તિ અને આત્મા માટે પ્રાર્થના કરવામાં આવે છે. વંચિતોને ભોજન આપવા, દાન કરવા સહિતના સખાવતી કર્યો પણ થાય છે.
મુસ્લિમો બપોરે ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહે છે. એક સાથે નમાજ પઢે છે. તેમજ ઈબાદત સાથે કુરાનની આયત પઢવામાં આવે છે. લોકો અલ્લાહ પાસે દુઆ માંગે છે. હૈદરાબાદમાં આવેલી દેશની સૌથી મોટી મક્કા મસ્જિદમાં સૌથી મોટી જમાતનું આયોજન થાય છે. આ દિવસે મુસ્લિમ સમુદાયના ઘરોમાં ઉજવણી થાય છે. લોકો મિત્રો અને પરિવાર સાથે ઉજવણીમાં જોડાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર