International Day of Democracy 2021: અફઘાનિસ્તાન (Afghanistan) જ્યારે તાલિબાની આતંકીઓના (Talibani Fighters) હાથમાં આવ્યું છે, જ્યાં લોકશાહી (Democracy) હવે ભૂતકાળ બની છે, એવા સમયે દુનિયા આજે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ (International Day of Democracy) ઉજવી રહી છે. 2008થી 15 સપ્ટેમ્બરને દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ તરીકે મનાવવામાં આવે છે. 2007માં આ જ દિવસે સંયુક્ત રાષ્ટ્રની (United Nations) સામાન્ય સભામાં આ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ અગાઉ 15 સપ્ટેમ્બર 1997ના રોજ ઈન્ટર પાર્લામેન્ટરી યુનિયન (IPU) દ્વારા યુનિવર્સલ ડેક્લેરેશન ઓન ડેમોક્રસીનો (Universal Declaration on Democracy) સ્વીકાર કરાયો હતો.
કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ?
આ દિવસની ઉજવણીનો હેતુ દુનિયાભરમાં લોકશાહી અંગે જાગૃતિ (awareness about democracy) લાવવાનો છે. દુનિયાને એ યાદ અપાવવાનો છે કે લોકશાહી એટલે લોકોની અને લોકો માટેની શાસન વ્યવસ્થા. દુનિયાની તમામ શાસન વ્યવસ્થાઓમાં લોકશાહી વ્યવસ્થા શ્રેષ્ઠ છે. કેમ કે તેમાં વ્યક્તિ પોતાના માનવાધિકારો (Humun Rights) મેળવે છે. જેમાં સ્વતંત્રતા સૌથી મોટો અધિકાર છે.
લોકોને સંબંધિત વિષયો પર શિક્ષિત કરવા, રાજકીય સંકલ્પ અને સંસાધનોનું સર્જન કરીને દુનિયાભરની સમસ્યાઓને ઉજાગર કરીને તેમજ માનવતાએ મેળવેલી સિદ્ધિઓને પ્રોત્સાહન આપીને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકોને અને સરકારોને માનવાધિકારોનું સન્માન કરવા અને લોકશાહીમાં અર્થપૂર્ણ ભાગીદારી નોંધાવવા વિનંતી કરવામાં આવે છે.
લોકશાહીના માપદંડ
લોકશાહીનો સૌથી મોટો માપદંડ છે સ્વતંત્ર ચૂંટણી, જેના માધ્યમથી નાગરિકો મત આપીને પોતે પોતાની સરકારને ચૂંટે છે. નાગરિકો દ્વારા ચૂંટાયેલી સરકાર જ તેમને પાયાના અધિકારો પૂરા પાડી શકે છે. નાગરિકો પોતાના મતાધિકારના માધ્યમથી સરકારને ઉથલાવી પણ શકે છે, જે મતદાર તરીકે નાગરિકનો પાવર દેખાડે છે.
પ્યુ રિસર્ચ સેન્ટરના એક અહેવાલનું માનીએ તો વર્ષ 2017ના અંતે પાંચ લાખથી વધુ વસ્તી ધરાવતા 167 દેશોમાંથી 96 (57 ટકા) દેશોમાં કોઈ પણ પ્રકારની લોકશાહી હતી. જ્યારે 21 દેશોમાં આપખુદશાહી અને 46 દેશોમાં લોકશાહી અને આપખુદશાહી બંને મિશ્રિત શાસનવ્યવસ્થા છે. સારી વાત એ છે કે 1970ના દાયકાથી દુનિયામાં લોકશાહી દેશોની સંખ્યા વધી રહી છે.
લોકશાહી પર ખતરો એ માનવાધિકાર પર મોટું જોખમ છે. આ બાબત, ચીન, મ્યાનમાર, ઉત્તર કોરિયા બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનમાં બંધારણીય લોકશાહી શાસન વ્યવસ્થા છે, પણ હવે ત્યાં તાલિબાનના શાસને લોકશાહીના લીરેલીરા ઉડાવી દીધા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર