Home /News /explained /Russia-Ukraine Crisis: રશિયા જો યુક્રેન પર હુમલો કરે તો તેનાથી ભારતને શું નુકસાન થશે?
Russia-Ukraine Crisis: રશિયા જો યુક્રેન પર હુમલો કરે તો તેનાથી ભારતને શું નુકસાન થશે?
જો રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થાય તો ભારતની સ્થિતિ કફોડી બની શકે છે. (AP/PTI)
Russia-Ukraine Crisis: જો ભારત (India) રશિયાનું સમર્થન કરશે તો અમેરિકા નારાજ થશે અને જો યુક્રેનના પક્ષમાં ઊભા અમેરિકાનો સાથે આપશે તો તે રશિયાની નારાજગી વહોરશે. ભારત માટે આ મોટું ધર્મસંકટ છે.
Russia-Ukraine Crisis: રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ (Russia-Ukraine Tensions) જારી છે અને તેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધના એંધાણ છે. જો કે, રશિયા (Russia)એ યુક્રેન (Ukraine)ની સીમાથી અમુક સૈનિકોને પાછા વાળ્યા છે હાલની પરિસ્થિતિ તણાવમુક્ત થતી દેખાઈ રહી છે. પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં સીમા પર સૈનિકો તૈનાત છે. યુરોપ (Europe)માં જારી આ યુદ્ધ સંકટ વચ્ચે યુક્રેન પર સાયબર અટેક પણ થયો છે. અમેરિકાનું કહેવું છે કે, યુદ્ધ હજુ પણ સંભવિત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન (US President Joe Biden)નું કહેવું છે કે, યુક્રેન પર રશિયાના આક્રમણની આશંકા હજુ પણ બરકરાર છે અને આ હુમલાનો નિર્ણાયક જવાબ આપવા માટે અમેરિકા તૈયાર છે.
વિશ્વના તમામ દેશોને આશંકા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થશે. અમેરિકા ઉપરાંત યુરોપના ઘણા દેશો યુક્રેન સાથે ઉભા છે તો ઘણાં દેશો રશિયા સાથે પણ ઉભા છે. જો યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થયું તો સ્થિતિ ભયાનક બનશે અને ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં ઘણા દેશો ઈચ્છે છે કે યુદ્ધ ન થવું જોઈએ. ભારત પણ ઇચ્છે છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના આ તણાવનો અંત આવે.
ભારત નથી ઇચ્છતું કે બંને દેશો વચ્ચે યુદ્ધ થાય. ભારત સરકારે યુક્રેનમાં રહેતા ભારતીયોને પરત લાવવા અંગે એડવાઈઝરી જારી કરી છે. સરકારે કહ્યું છે કે જો યુક્રેનમાં રહેવું બહુ જરૂરી ન હોય તો ત્યાંથી પાછા ફરો. સવાલ એ છે કે જો રશિયા યુક્રેન પર હુમલો કરે તો ભારતને શું નુકસાન વેઠવું પડી શકે છે?
એક તરફ રશિયા છે તો બીજી તરફ યુક્રેન સાથે અમેરિકા છે. અમેરિકા, યુરોપના ઘણા દેશો અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ના સભ્ય દેશો રશિયા વિરુદ્ધ છે. નિષ્ણાતો કહે છે કે ભારતની સમસ્યા એ છે કે બંને દેશો સાથે તેના સંબંધો મજબૂત છે. તો બીજી બાજુ યુક્રેનની તરફેણમાં ઉભા રહેલા યુરોપિયન દેશો સાથે પણ ભારતના સારા સંબંધો છે અને તે દેશોની ગણતરી ભારતના મહત્વપૂર્ણ ભાગીદારોમાં થાય છે.
ભારત સામાન્ય રીતે આપસી વિવાદોમાં દખલ કરતું નથી. આવી સ્થિતિમાં સમસ્યા એ પણ છે કે જો ભારત રશિયાનું સમર્થન કરે છે તો અમેરિકા નારાજ થાય અને જો યુક્રેનની પડખે ઉભેલા અમેરિકાને સમર્થન કરે તો તે રશિયાની નારાજગી વહોરે. ભારત ન તો અમેરિકાને નારાજ કરવા માંગશે અને ન તો રશિયાને. આજે પણ રશિયા ભારતનો સૌથી મોટો ડિફેન્સ પાર્ટનર છે.
વ્યાપારિક અસર
ભારત ડિફેન્સ પાર્ટનરશિપ મિશન હેઠળ રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદી કરી રહ્યું છે. ભારત આશા વ્યક્ત કરી રહ્યું છે કે અમેરિકાને આની સામે વાંધો નહીં હોય. જો કે વર્ષ 2016માં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ હતી ત્યારે રશિયા પર હસ્તક્ષેપ કરવાનો આરોપ હતો. તેની પ્રતિક્રિયા રૂપે વર્ષ 2017માં અમેરિકાએ કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ પસાર કર્યો, જે મુજબ યુએસ રશિયા પાસેથી લશ્કરી સાધનો ખરીદનારા દેશો પર પ્રતિબંધો લાદે છે. 2018માં થયેલી ડીલ મુજબ ભારત કોઈપણ સંજોગોમાં રશિયા પાસેથી S-400 ખરીદશે. આવી સ્થિતિમાં યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવને કારણે અમેરિકા ભારત પર કડક પ્રતિબંધ લાદી શકે છે.
જો રશિયા યુક્રેન પર હુમલો કરે તો યુરોપિયન દેશોને ચિંતા છે કે રશિયા તેલ અને ગેસનો સપ્લાય કાપી નાખશે, કિંમતો વધારશે. રશિયા-યુક્રેન તણાવ વચ્ચે છેલ્લા એક મહિનામાં તેલના ભાવમાં 14 ટકાનો વધારો થયો છે. આશંકા છે કે જો સ્થિતિ પર નિયંત્રણ નહીં રાખવામાં આવે તો તેલની કિંમત પ્રતિ બેરલ 125 ડોલર સુધી પહોંચી શકે છે અને આવી સ્થિતિમાં તેની ભારત પર પણ વ્યાપક અસર પડી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુક્રેનમાં 20,000થી વધુ ભારતીય નાગરિકો છે. તેમાંથી મોટાભાગના મેડિકલ વિદ્યાર્થીઓ છે. તો બીજી બાજુ મોટી સંખ્યામાં લોકો ત્યાં આઈટી, ફાર્મા અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. ભારતની મુખ્ય ચિંતા તેના નાગરિકોની સુરક્ષાની છે. જો રશિયા યુક્રેનમાં હસ્તક્ષેપ કરશે તો યુદ્ધના કારણે સર્જાતા સંજોગોમાં ભારતીયો પણ ફસાઈ જશે. આને લઈને ભારતે એડવાઈઝરી જારી કરી છે કે ભારતીય નાગરિકો શક્ય હોય ત્યાં સુધી યુક્રેનથી પાછા ફરે.
રાજદ્વારી નફો-ખોટ
આંતરરાષ્ટ્રીય સુરક્ષાની વાત કરીએ તો ભારત ખુદ દગાખોર દુશ્મન દેશોથી ઘેરાયેલું છે. એક તરફ નાપાક ઈરાદાઓ ધરાવતું પાકિસ્તાન છે અને બીજી તરફ કપટી ચીન. તો બીજી બાજુ નેપાળ સાથે કેટલાક મુદ્દાઓ પર વિવાદ ચાલી રહ્યો છે. ખાસ કરીને લદ્દાખ અને કાશ્મીર ભારતના સૌથી સંવેદનશીલ ભાગ છે, જ્યાં પાકિસ્તાન-ચીન જેવા દેશો તરફથી પડકાર છે. આવી સ્થિતિમાં જો ભારત અમેરિકા સમર્થિત યુક્રેન અને રશિયામાંથી કોઈ એકને નારાજ કરે છે તો ચીનને રાજદ્વારી સ્તરે તેનો ફાયદો થઈ શકે છે. આવી સ્થિતિમાં ભારત તેના પંચશીલ સિદ્ધાંતોને વળગી રહેવા માંગે છે. જોકે, હાલમાં ભારતની સૌથી મોટી ચિંતા યુક્રેનમાં રહેતા ભારતીયોના વહેલા પરત આવવાની છે. કારણ કે જો યુદ્ધ થશે તો તેમનો બચાવ કરવો મુશ્કેલ અને પડકારજનક હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર