સુપ્રીમ કોર્ટે (Supreme Court) તાજેતરમાં ઉત્તરાખંડના (Uttarakhand) ના ચારધામ પ્રોજેક્ટ (Chardham Project) પર નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો. જોકે, હવે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં પર્યાવરણ સંબંધિત આપત્તિઓને સાઈડમાં કરીને આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. ત્યારે ચારધામ પ્રોજેક્ટ શું છે અને તે ભારતના સંરક્ષણ ક્ષેત્રે કેટલો જરૂરી છે તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે, ચારધામ હાઈવે પર રસ્તાઓની પહોળાઈ 5.5 મીટરથી વધારીને 10 મીટર કરવામાં આવે. જેનાથી સેનાના વાહન અને સેનાનો સામાન સરળતાથી ભારત ચીનની સીમા સુધી પહોંચી શકે છે. વર્ષ 1962 ના ચીનના યુદ્ધ બાદથી રસ્તાઓની પરિસ્થિતિ બદલાઈ નથી. આ રસ્તાઓ પર બે વાહનો સામસામેથી પસાર થઈ શકતા નથી. જેથી આ રસ્તાઓ પહોળા હોવા જરૂરી નથી. પરંતુ ઉત્તરાખંડમાં પર્યાવરણ અને પહાડોને ધ્યાનમાં રાખીને આ પ્રકારે કરવું સરળ નથી.
કોર્ટે પહેલા શું કહ્યું હતું?
8 સપ્ટેમ્બર 2020 ના રોજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડના રસ્તાઓના આકાર અને પ્રકારમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ના કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે આ નિર્ણયની વિરુદ્ધમાં અપીલ કરવી પડી હતી. કેન્દ્ર સરકારની અરજીને દહેરાદૂનની એક NGO સિટીજન્સ ઓફ ગ્રીન દૂને પડકાર આપ્યો હતો.
કઈ પર્યાવરણીય ચિંતાઓ જાહેર કરવામાં આવી હતી?
ગ્રીન દૂન NGO એ લોજિક આપ્યું હતું કે, જો રસ્તાઓની પહોળાઈ વધારીને અપગ્રેડ કરવામાં આવશે તો પહાડની ઈકોલોજી પર ખૂબ જ ખરાબ અસર થશે. જેની ભવિષ્યમાં ગંભીર અસર જોવા મળી શકે છે. છેલ્લા અનેક વર્ષોમાં ઉત્તરાખંડમાં આ પ્રકારની ગંભીર અસરો જોવા પણ મળી છે.
રસ્તાઓની પહોળાઈ અંગે પર્યાવરણ કમિટી શું માને છે?
આ મામલે સરકારે પર્યાવરણ કમિટીનું ગઠન કર્યું હતું પરંતુ, તેમાં અલગ અલગ વિચાર સામે આવતા કમિટી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, રસ્તાઓ બની શકે છે અને પર્યાવરણની ચિંતાઓ પર પણ ધ્યાન આપી શકાય છે. નિષ્ણાંતોની બીજી ટીમે કહ્યું કે, રસ્તાઓની પહોળાઈ 5.5 મીટરથી વધુ ના હોવી જોઈએ. તે ટીમના રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રસ્તાઓ પહોળા કરવાના પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે તો હિમાલયના લોકોની જેમ સૈનિકોનું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે.
ચારધામ પરિયોજનાનો ઉદ્દેશ્ય તમામ ઋતુમાં પહાડી રાજ્યના ચાર પવિત્ર સ્થળ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને જોડવાનો છે. આ પરિયોજના પૂર્ણ થયા બાદ તમામ ઋતુમાં ચારધામની યાત્રા કરી શકાશે ઉપરાંત, ભારત ચીન સીમા સુધી સરળતાથી પહોંચી શકાશે. કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે, તિબેટમાં ચીનની સેનાની વધુ સંખ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 1962 જેવા યુદ્ધને ટાળવા માટે ઉત્તરાખંડના રસ્તાઓ પહોળા હોવા જરૂરી છે.
હાલની શું પરિસ્થિતિ છે?
ચીન સાથે જોડાયેલ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથે રાજમાર્ગ, રસ્તાઓ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે ચિંતા સેવાઇ રહી છે. આ મામલે સુનાવણીમાં સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, અત્યારે આપણે એ સ્થિતિમાં નથી જેમાં આપણે ભારત ચીન સીમા સુધી મિસાઈલ લઈને જઈને તપાસ કરી શકીએ અથવા મશીન પહોંચાડી શકીએ.
પ્રોજેક્ટનો ખર્ચ
સરકારનો ચારધામ પ્રોજેક્ટ 900 કિલોમીટર લાંબો છે અને તે વિકસિત કરવામાં અંદાજે રૂ.12 હજાર કરોડનો ખર્ચ થશે. ઉત્તરાખંડના ચારેય ધાર્મિક સ્થાન યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ એકબીજા સાથે રસ્તાઓથી જોડાઈ શકશે. પહાડો પર નિયમ છે કે, ઉપરથી નીચે ઉતરતા વાહનોને પહેલા પ્રાથમિકતા આપવામાં આવે. પરંતુ ઘણીવાર આવું કરવાથી રસ્તામાં અનેક પ્રકારના સંકટ ઊભા થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2016 માં આ પ્રોજેક્ટની આધારશિલા મુકી હતી. આ પ્રોજેકટમાં ઋષિકેશથી આ યાત્રાનો આરંભ થશે અને ચારધામ સુધી જશે. આ પ્રોજેક્ટનો પહેલો રસ્તો ઋષિકેશથી નિકળશે અને ધરાસૂ નામની જગ્યા સુધી જશે. ધરાસૂથી એક રસ્તો યમુનોત્રી અને બીજો રસ્તો ગંગોત્રી સુધી જશે. ત્રીજો રસ્તો પણ ઋષિકેશથી શરૂ થશે અને રૂદ્રપ્રયાગ સુધી જશે.
રૂદ્રપ્રયાગથી એક રસ્તો કેદારનાથ માટે ગૌરીકુંડ સુધી જશે. ચોથો રસ્તો રૂદ્રપ્રયાગથી બદ્રીનાથ માટે માના ગાંવ સુધી જશે. ટનકપુરથી પિથૌરાગઢના રસ્તાને હાઈવેમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકાર અનુસાર આ પ્રોજેક્ટ હેઠળ 250 કિલોમીટર રસ્તો પહોળો થઈ ગયો છે. 400 કિલોમીટર રસ્તા પર કામ થઈ રહ્યું છે. પર્યાવરણ સાથે જોડાયેલ મંજૂરી આપવામાં આવી ના હોવાના કારણે 239 કિલોમીટર રસ્તા પર કામ બાકી છે.
છેલ્લા કેટલાક દિવસમાં ભારતે લિપુલેખમાં જે રસ્તો બનાવ્યો હતો તે, આ પ્રોજેક્ટનો એક ભાગ છે. તે રસ્તો કૈલાશ માનસરોવર સુધી જવા માટે છે. લિપુલેખનો રસ્તો રણનૈતિક રૂપે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેની મદદથી હવે ભારતીય સેના સરળતાથી ચીન-નેપાળ સીમા સુધી પહોંચી જાય છે.
ભારતીય સેનાએ કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે?
રસ્તાઓની હાલની પરિસ્થિતિને કારણે સેના માત્ર ભારે વાહન, મશીન, હથિયાર, મિસાઈલ, ટેન્ક, સૈન્ય ટુકડીઓ અને ખાદ્ય પદાર્થની વસ્તુઓ લઈ જવી મુશ્કેલ છે. બ્રહ્મોસ મિસાઈસ 42 ફૂટ લાંબી છે અને તે લઈ જવા માટે લાંબા વાહનની જરૂરિયાત છે. જો કદાચ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો આર્મી હથિયાર વગર યુદ્ધનો સામનો કેવી રીતે કરશે? જેથી ભારતીય સેનાએ તૈયારી કરવી પડશે અને સતર્ક રહેવું પડશે.
પર્યાવરણીય સમસ્યાનો સામનો કેવી રીતે કરવો?
સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તે એવા રસ્તાઓનું નિર્માણ કરશે જેનાથી કોઈપણ પ્રકારની આપત્તિ નહીં સર્જાય. સુરક્ષા અને સાવધાનીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ તમામ બાબતો અંગે સુપ્રીમ કોર્ટને વિસ્તૃત રિપોર્ટ આપ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર