Human Rights Day 2021: આજે સમાનતાની જરૂરિયાત પહેલા કરતાં વધારે, જાણો ‘માનવ અધિકાર દિવસ’નો ઇતિહાસ, મહત્વ અને થીમ
Human Rights Day 2021: આજે સમાનતાની જરૂરિયાત પહેલા કરતાં વધારે, જાણો ‘માનવ અધિકાર દિવસ’નો ઇતિહાસ, મહત્વ અને થીમ
માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. (Image- Shutterstock)
Human Rights Day 2021: વર્ષ 2021 માટે સંયુક્ત રાષ્ટ્રની થીમ છે ‘સમાનતા – અસમાનતા ઘટાડવી, માનવ અધિકારોને આગળ વધારવા’ (Reducing inequalities and Advancing human rights). આ થીમ જણાવે છે કે તમામ માનવીઓ સ્વતંત્ર પેદા થયા છે અને તેમને સમાન ગૌરવ અને અધિકારો છે.
Human Rights Day 2021: માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ પૃથ્વીની દરેક વ્યક્તિને મૂળભૂત અધિકાર છે જેના વિશે જાગૃત હોવું અનિવાર્ય છે.
માનવ અધિકાર દિવસ: ઇતિહાસ
દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ દુનિયાના બધા દેશો એવું ઇચ્છતા હતા કે અડધી સદીની અંદર જ બે ભયંકર વિશ્વ યુદ્ધ થયા, તો કંઈક એવી વ્યવસ્થા કરવામાં આવે કે હવે કોઈ વિશ્વ યુદ્ધ ન જોવું પડે. પહેલા વિશ્વયુદ્ધ બાદ શાંતિ માટે જે પગલા લેવામાં આવ્યા તેમાંથી કેટલાક બીજા વિશ્વ યુદ્ધના કારણ બન્યા હતા. આનાથી બચવા માટે 1945માં સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી અને એક મહત્વનું પગલું હતું 1848માં માનવ અધિકારની વૈશ્વિક જાહેરાત. આ જાહેરાત તે વર્ષે 10 ડિસેમ્બરે કરવામાં આવી હતી અને તેથી જ આ દિવસને દર વર્ષે વિશ્વ માનવ અધિકાર દિવસ (World Human rights Day 2021) તરીકે ઉજવવામાં આવે છે.
ઉજવણીનો હેતુ
માનવ અધિકાર દિવસ લોકોના સામાજિક, સાંસ્કૃતિક અને ભૌતિક અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે જેથી દરેક વ્યક્તિની સુખ-સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાય. આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વના દેશોને તમામ લોકો માટે સમાન તકો આપવા માટે પ્રોત્સાહિત કરે છે.
પ્રેરણા કઈ રીતે મળી
બીજા વિશ્વયુદ્ધમાં દુનિયામાં માનવીય અત્યાચારોની પરાકાષ્ઠા જોવા મળી. લાખો નિર્દોષ લોકોએ ઘૃણાના કારણે અમાનવીય ત્રાસ સહન કર્યો જેમાંથી વિશ્વ દાયકાઓ સુધી બહાર નીકળી શક્યું નહીં. તેથી જ યુનાઈટેડ નેશન્સે માનવાધિકાર માટે એક ડિકલેરેશન લેટર બહાર પાડ્યો જેથી વિશ્વ માનવતાના રક્ષણની ખાતરી કરી શકે અને તમામ દેશો અસમાનતા, બહિષ્કાર અને ભેદભાવને ખતમ કરવા માટે કામ કરી શકે.
આ દિવસનું મહત્વ
આજે દર વર્ષે 10મી ડિસેમ્બરનો દિવસ વ્યક્તિને મળતા એ તમામ અધિકારોને દર્શાવે છે, જે રંગ, જાતિ, લિંગ, ભાષા, રાજકીય કે અન્ય મંતવ્યો, એ રાષ્ટ્રીય હોય કે સામાજિક, મિલકત, જન્મ અથવા અન્ય સ્તરથી સંપૂર્ણપણે મુક્ત હોય. આ દિવસ સમાનતા અને ભેદભાવ મુક્ત ભાવનાઓના સિદ્ધાંતની હિમાયત કરે છે.
વર્ષ 2021 માટે સંયુક્ત રાષ્ટ્રની થીમ છે ‘સમાનતા – અસમાનતા ઘટાડવી, માનવ અધિકારોને આગળ વધારવા’ (Reducing inequalities and Advancing human rights). આ થીમ માનવાઅધિકાર જાહેરાતની કલમ 1 થી સંબંધિત છે જે જણાવે છે કે તમામ માનવીઓ સ્વતંત્ર પેદા થયા છે અને તેમને સમાન ગૌરવ અને અધિકારો છે.
સમાનતાની પહેલા કરતાં વધુ જરૂર
સંયુક્ત રાષ્ટ્રની વેબસાઈટ પર આ થીમ વિશે વાત કરતા કહેવામાં આવ્યું છે કે સમાનતા અને બિન-ભેદભાવના સિદ્ધાંતો માનવ અધિકારોના મૂળમાં છે. યુનાઈટેડ નેશન્સ કહે છે કે આજે માનવ અધિકાર અને આ દિવસ પહેલા કરતા વધુ પ્રાસંગિક છે કારણકે વિશ્વમાં અસમાનતા ઘટાડવા માટે તેની પહેલા કરતાં વધુ જરૂર છે.
દુનિયાએ આ વર્ષે અસમાનતાના બે મોટા ઉદાહરણો જોયા છે. આમાંની એક કોવિડ-19 વેક્સીનના ઉપયોગમાં અસમાનતા છે. સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર્યું છે કે જો વેક્સીન મામલે વિશ્વમાં સમાનતાની યોગ્ય ભાવના હોત તો આપણે મહામારીનો મુકાબલો સારી રીતે કરી શક્યા હોત. તેથી અસમાનતાનો સામનો કરવા માટે વધુ ગંભીરતાની જરૂર છે.
બીજી સ્થિતિ જળવાયુ પરિવર્તનને લઈને છે. આ વર્ષે ગ્લાસગોમાં યોજાયેલી ક્લાઈમેટ સમિટમાં વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેની જે અસમાનતા ઉભરી આવી હતી, તેને લીધે ક્લાઈમેટ ચેન્જ રોકવાના પ્રયત્નોમાં અવરોધ આવ્યો છે. આ ઉપરાંત, 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ પર પણ અસમાનતાને કારણે લક્ષ્યો સિદ્ધ કરવાની ગતિ નબળી પડી છે. આજે અસમાનતાના વિવિધ રૂપોથી વધુ મજબૂતીથી લડવાની જરૂર છે જે માનવ અધિકારોને સીધી અસર કરે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર