Home /News /explained /Explainer: ખોટા નિર્ણયો, કોરોના અને ઓછા વરસાદને લીધે શ્રીલંકામાં આવી ભયંકર ગરીબી
Explainer: ખોટા નિર્ણયો, કોરોના અને ઓછા વરસાદને લીધે શ્રીલંકામાં આવી ભયંકર ગરીબી
શ્રીલંકા પાસે આ સમયે વિદેશી મુદ્રાનો ભંડાર નથી. એવામાં તે ન તો ઇંધણ ખરીદવા સક્ષમ છે, ન ખોરાક કે ન દવાઓ. આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે દેશભરમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.
Sri Lanka Economic Crisis: ક્યારેક સરકારોના ખોટા નિર્ણયો અને કુદરતી પરિસ્થિતિઓની સાથે બદલાતી સ્થિતિ દેશને ગરીબી તરફ લઈ જઈ શકે છે. ભારત (India)નો પાડોશી દેશ શ્રીલંકા તેનું જીવંત ઉદાહરણ છે. અહીં એ કારણો જણાવવામાં આવ્યા છે જેથી શ્રીલંકાની આવી દુર્દશા થઈ છે.
Sri Lanka Economic Crisis: શ્રીલંકા (Sri Lanka) આઝાદી બાદ પહેલી વખત એટલી ખરાબ આર્થિક સ્થિતિમાં પહોંચી ગયો છે કે આખો દેશ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. લોકો પાસે ખાવા માટે કંઈ નથી બચ્યું. પેટ્રોલ ખતમ થઈ ગયું છે. વીજળી નથી, હોસ્પિટલોનું કામકાજ અટકી ગયું છે, દેશ પર ભારે દેવું ચઢી ગયું છે અને લોકો સડકો પર આવી ગયા છે. આખરે કોઈ દેશની આવી દુર્દશા કઈ રીતે થઈ શકે? અમે પ્રશ્નોત્તરી રૂપે શ્રીલંકાની આ પરિસ્થિતિ વિશે વિસ્તારથી જણાવવાનો પ્રયત્ન કર્યો છે.
શ્રીલંકામાં વર્તમાન પરિસ્થિતિ શું છે?
શ્રીલંકાની વર્તમાન પરિસ્થિતિ ખરેખર અત્યંત ખરાબ છે. લોકો ફૂડ માટે લાઈનોમાં ઊભા છે અને એમાં પણ બબાલ થઈ રહ્યો છે. લોકો ભૂખ્યા છે, વીજળીની જબરદસ્ત તંગી છે. આધિકારિક રીતે આ કાપ 10 કલાકનો છે, પણ વીજળીની સ્થિતિ એનાથી પણ બદતર છે. પેટ્રોલ પમ્પો પર લાંબી કતારો છે અને લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ ગાડી ત્યાં જ રાખીને પાછા ચાલ્યા જાય! જ્યારે ઓઈલ આવશે ત્યારે જણાવી દેવામાં આવશે. દેશના વિદેશી ચલણનો ભંડાર ખાલી થઈ ગયો છે મોંઘવારી અનેક ગણી વધી ગઈ છે. આખો દેશ ચોંકી ગયો છે કે તેઓ આવી પરિસ્થિતિમાં કઈ રીતે આવી ગયા. લોકો બોટના માધ્યમથી પડોશી દેશોમાં જઈ રહ્યા છે.
આ પરિસ્થિતિ અચાનક ઊભી થઈ કે પહેલાંથી જ ખરાબ હાલત હતી?
વર્ષ 2010માં શ્રીલંકાની અર્થવ્યવસ્થા ભાંગી રહી હતી. દેશનો આર્થિક વિકાસ દર 8 ટકાથી વધુ હતો પરંતુ છેલ્લા 3-4 વર્ષમાં અર્થવ્યવસ્થા કથળવા લાગી. તે નિશ્ચિત હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રીલંકન સરકાર દ્વારા લેવામાં આવેલા ખોટા નિર્ણયોની અસર આવી જ થશે. કોવિડ મહામારીએ પણ આમાં જબરદસ્ત યોગદાન આપ્યું. કોરોનાએ પ્રવાસન અર્થતંત્રવાળા આ દેશની કમર જ તોડી નાખી. ત્યાંના ખરાબ ચોમાસા અને રશિયા-યુક્રેનના વર્તમાન યુદ્ધે તેને વધુ ભાંગી નાખ્યું. એવું કહી શકાય કે આ સમયે શ્રીલંકાને ચારે બાજુથી આફતોએ ઘેરી લીધું છે.
જ્યારે ગોટાબાયો સરકાર 2019માં સત્તામાં આવી ત્યારે શ્રીલંકાની આર્થિક સ્થિતિ થોડી અસ્થિર દેખાતી હતી. મોંઘવારી વધી રહી હતી. દેશમાં અસંતોષ પણ હતો. આની અવગણના કરીને અથવા બધાને ખુશ કરવા સરકારે તમામ લોકોના ટેક્સ અડધા કરી દીધા. આ પછી તરત જ આ આદેશ ફરજિયાત કરવામાં આવ્યો કે હવે દેશમાં રાસાયણિક ખેતી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે અને હવે માત્ર ઓર્ગેનિક ખેતી જ કરવામાં આવશે. કોઈપણ રીતે, શ્રીલંકા કૃષિ ક્ષેત્રે બહુ અદ્યતન દેશ નથી પરંતુ તે ચોખા, ચા અને રબરનું ઉત્પાદન કરતો હતો, જેનાથી તેને ઘણું વિદેશી હૂંડિયામણ મળે છે. દેશમાં ચોખાનો પણ મોટા પાયે ઉપયોગ થતો હતો. ઓર્ગેનિક ખેતીને કારણે દેશની તમામ ખેતી બરબાદ થઈ ગઈ. કારણ કે ત્યાંની 90 ટકા ખેતી રાસાયણિક ખાતરથી થતી હતી. જેના કારણે બહારથી મોટા પાયે અનાજ, કઠોળ અને તેલની આયાત શરૂ થઈ. વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધવા લાગ્યું.
ટુરિઝમથી કમાણી કરતો આ દેશ પર્યટનને કેમ સંભાળી ન શક્યો?
તેનું મુખ્ય કારણ વર્ષ 2020માં આવેલી કોવિડ મહામારી હતી, જેણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. આ વિનાશની અસર રોગના રૂપમાં તેમજ આર્થિક રીતે પણ પડી હતી. શ્રીલંકાની આવકનો મુખ્ય સ્ત્રોત પર્યટન દ્વારા વિદેશી હૂંડિયામણ કમાવવાનો હોવાથી, લોકડાઉનને કારણે તે સંપૂર્ણપણે પડી ભાંગી ગયું. વારંવારના લોકડાઉનથી પર્યટનને નુકસાન થયું, તો સ્થાનિક વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ.
શ્રીલંકામાં બહારથી માલસામાન, તેલ વગેરેની આયાત થઈ શકે તેટલા પૈસા પણ નથી.
કોવિડ દરમિયાન શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર કઈ રીતેઓછો થઈ ગયો?
વર્ષ 2019માં શ્રીલંકાના વિદેશી મુદ્રા ભંડારમાં 7.5 અબજ ડોલરની રકમ હતી. પરંતુ ટેક્સમાં ઘટાડો તેમજ પ્રવાસનમાંથી થતી આવક અને ઉત્પાદનમાં ઘટાડાથી સરકારના આવકના સ્ત્રોત સુકાવા લાગ્યા. દેશમાં દરેક સ્તરે આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ, અનાજ, તેલ, ખાંડ, કઠોળની અછત હતી, તેને વિદેશથી આયાત કરવાનું શરૂ કરવું પડ્યું. પેટ્રોલ અને ડીઝલ પહેલેથી જ બહારથી આવી રહ્યું હતું. તેના કારણે વિદેશી મુદ્રાનો ભંડાર ખાલી થઈ ગયો. જ્યારે આ સ્થિતિ આવી ત્યારે સરકારને બહારથી માલ ખરીદવા માટે વિદેશી ચલણ ખરીદવું પડ્યું, તેનાથી પણ દેશના અર્થતંત્રને ફટકો પડ્યો. ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના જીડીપીના 10 ટકા પ્રવાસનમાંથી આવે છે.
વિદેશી મુદ્રા ખરીદવાથી કઈ રીતે શ્રીલંકાની અર્થવ્યવસ્થા ભાંગી ગઈ?
જ્યારે શ્રીલંકાએ મોટા પાયે વિદેશી ચલણ ખરીદ્યું ત્યારે તેની પોતાની કરન્સી દબાણમાં આવી અને તે નબળી પડવા લાગી. તેનું અવમૂલ્યન કરવું પડ્યું. આની અસર એ થઈ કે દેશમાં મોંઘવારી ઝડપથી વધી ગઈ. દરેક સ્તર પર તેની અસર થવા લાગી. હવે હાલત એ છે કે દરેક વસ્તુ ખૂબ મોંઘી થઈ ગઈ છે. બલ્કે, સ્થિતિ એવી પણ છે કે શ્રીલંકામાં બહારથી માલસામાન, તેલ વગેરેની આયાત કરી શકે તેટલા પૈસા પણ નથી. તેણે મદદ માટે હાથ ફેલાવવા પડી રહ્યા છે.
શ્રીલંકા પર વિદેશી દેવું કેટલું છે, તેમાં ચીનની શું ભૂમિકા છે?
શ્રીલંકા પર આશરે 7 અબજ ડોલર જેટલું વિદેશી દેવું છે, જેમાં 5અબજ ડોલરનું દેવું તો માત્ર ચીનનું છે. બાકી ભારત, જાપાન જેવા દેશોનો પણ તે દેવાદાર છે.
શ્રીલંકામાં હાલની આર્થિક સ્થિતિને કારણે લોકો પાસે ખાદ્યપદાર્થો અને આવશ્યક ચીજવસ્તુઓની અછત બાદ બળવાની સ્થિતિ સર્જાઈ છે.
આવી સ્થિતિમાં વિદેશી રોકાણ તેને ઉપયોગી થઈ શકે છે, તેની શું સ્થિતિ છે?
શ્રીલંકામાં વિદેશી રોકાણ આમ સારું નથી રહ્યું, તેણે ક્યારેય વિશ્વના અન્ય દેશોનેઉદ્યોગ સ્થાપવા કે વેપાર કરવા માટે આકર્ષ્યા નથી. વર્ષ 2018માં તેની વિદેશી રોકાણની સ્થિતિ 1.6 અબજ ડોલર હતી, જે 2020માં ઘટીને 548 મિલિયન ડોલર થઈ ગઈ છે. જે દેશો ત્યાં રોકાણ કરી રહ્યા હતા તેમણે પણ આ સ્થિતિ જોઈને રોકાણ બંધ કરી દીધું છે. ગયા વર્ષના છેલ્લા ફાઈનાન્શિયલ ક્વાર્ટરમાં શ્રીલંકાનો વિકાસ દર 1.8 અને સમગ્ર નાણાકીય વર્ષમાં 3.7 ટકા હતો, જે ઘણો ઓછો છે.
શ્રીલંકાએ કયા બોન્ડ જારી કર્યા, જેના કારણે પણ તે દબાણમાં છે?
2007 અને તે પછી, શ્રીલંકાની સરકારોએ કોઈપણ આયોજન વગર સોપોન બોન્ડ જારી કર્યા. જેમાં દેશના લોકોએ રોકાણ કર્યું પરંતુ આ પૈસાનો યોગ્ય ઉપયોગ થઈ શક્યો નથી. હવે મોટા પાયે આ બોન્ડના મેચ્યોર હોવાનો સમય આવી ગયો છે, તે શ્રીલંકાની નબળી આર્થિક સ્થિતિ પર દબાણ વધારી રહ્યા છે.
આમાં વરસાદે શું ભૂમિકા ભજવી?
ગયા વર્ષે અને અત્યાર સુધી વરસાદ ઓછો થયો એટલે તેની અસર ખેતી, વીજળી ઉત્પાદન પર પણ પડી. શ્રીલંકામાં 40 ટકા વીજળી હાઇડ્રોમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ ઓછા વરસાદને કારણે જળાશયો ખાલી છે. બાકીના પાવર સ્ટેશન ચલાવવા માટે કોલસો અને તેલની જરૂર પડે છે જે બહારથી આયાત કરવા પડે છે. તો કુદરત પણ આ સમયે શ્રીલંકા સામે ઉભી હોય તેવું લાગી રહ્યું છે.
લોકો માટે આ મોટી લડાઈ છે. કેટલાક લોકો પાસે ખાવાનું પણ નથી. હોસ્પિટલોમાં સર્જરી બંધ છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલનિ શું સ્થિતિ છે?
આ વર્ષે જાન્યુઆરીથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે શ્રીલંકાની આર્થિક સ્થિતિ ખરાબ થવા જઈ રહી છે, પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થતાં જ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો આસમાને પહોંચી ગઈ, જેના કારણે શ્રીલંકાની હાલત બગડતી ગઈ. તેના માટે ક્રૂડ ઓઈલ મેળવવું પણ મુશ્કેલ બની ગયું હતું. હાલત એવી છે કે પેટ્રોલ પંપ પર તેલ નથી. દેશમાં ડીઝલ ખતમ થઈ ગયું છે. જે તેલ આવી રહ્યું છે તે પણ જરૂરિયાત કરતા ઘણું ઓછું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 92 અને 76 ટકાનો ઉછાળો નોંધાયો છે. એટલે સુધી કે ઘરેલુ ગેસ અને કેરોસીન તેલ પણ નથી. પરિસ્થિતિ ખરેખર ગંભીર છે.
લોકો પર તેની શું અસર થઈ રહી છે?
લોકો માટે આ મોટી લડાઈ છે. કેટલાક લોકો પાસે ખાવાનું પણ નથી. મનોરંજન બંધ છે. અખબારો છપાતા નથી. તેલના અભાવે ઉદ્યોગ બેસી ગયા છે. આ સમયે જો પ્રવાસન હોય તો શ્રીલંકાને મદદ મળે, પરંતુ લોકો આવી સ્થિતિમાં શ્રીલંકા આવવાનું ટાળી રહ્યા છે. હોસ્પિટલોમાં સર્જરી બંધ છે. દવાઓ નથી. 4-5 મહિનામાં એક કપ ચાની કિંમત 25 રૂપિયાથી વધીને 100 રૂપિયા થઈ ગઈ છે.
ભારત શ્રીલંકાને કેવી રીતે મદદ કરી રહ્યું છે?
ભારત, બાંગ્લાદેશ અને ચીન હાલમાં શ્રીલંકાને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતે તેને 400 મિલિયન ડોલરની લોન આપી છે. 500 મિલિયન ડોલરનું તેલ અને ઇંધણ મોકલી રહ્યું છે. એક અબજ ડોલરની લોન ખોરાક અને દવાઓના રૂપમાં મદદ કરી રહી છે. જો કે, શ્રીલંકાએ ભારત પાસેથી વધુ 1 અબજ ડોલરની લોનની ઈચ્છા વ્યક્ત કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર