Explained: કોરોના સામે DRDOની નવી 2-DG દવા કઈ રીતે અસર કરશે?

Explained: કોરોના સામે DRDOની નવી 2-DG દવા કઈ રીતે અસર કરશે?

કોરોનાની સારવાર માટે સંપૂર્ણ અસરકારક દવા હજુ શોધાઈ નથી. જોકે, DRDOની 2-DG તરીકે ઓળખાતી નવી દવા 2-deoxy-D-glucose પર ઘણી આશા છે

  • Share this:
કોરોના વાયરસના સંક્રમણ બાદ કેટલાક દર્દીઓની સ્થિતિ ગંભીર બની જાય છે. તેઓને મેડિકલ ઓક્સિજનની જરૂર પડે છે. કોરોનાની સારવાર માટે સંપૂર્ણ અસરકારક દવા હજુ શોધાઈ નથી. જોકે, DRDOની 2-DG તરીકે ઓળખાતી નવી દવા 2-deoxy-D-glucose પર ઘણી આશા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને 17 મેના રોજ કોરોના સામેની આ દવાને લોન્ચ કરી હતી.

ડ્રગ્સ કોન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ આ દવાના ફોર્મ્યુલેશનને ગત 1 મેના રોજ મંજૂરી આપી હતી. તેનો ઉપયોગ ગંભીર કોરોના દર્દીનીની સારવારમાં ઇમરજન્સીમાં થઈ શકે છે.

ફોર્મ્યુલેશન

2-DG દવાને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ની નવી દિલ્હી સ્થિત લેબોરેટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન્સ એલાઇડ સાયન્સ (INMAS) ખાતે તૈયાર કરવામાં આવી છે. જેમાં હૈદરાબાદની દવા કંપની ડો. રેડ્ડીઝ લેબ.નો સહયોગ પણ છે.

તે કેવી રીતે કામ કરશે?

સરકારના જણાવ્યા મુજબ ક્લિનિકલ ટ્રાયલના ડેટા જણાવે છે કે, મોલેક્યુલ એ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં ઝડપથી રિકવરી લાવે છે. ઓક્સિજન પરની નિર્ભરતા ઓછી થાય છે. આ દવા વાયરસથી સંક્રમિત સેલને એકઠા કરે છે. તે વાયરલ સંશ્લેષણ અને ઉર્જા ઉત્પાદન બંધ કરીને વાયરસના વિકાસને અટકાવે છે. વાઈરલ-ઇન્ફેક્ટેડ કોષોમાં તેનો નિશ્ચિત સંચય આ દવાને અનોખી બનાવે છે. કોરોનાથી પીડિત લોકોને આ દવા રાહત આપશે.

આ પણ વાંચો - IITના પૂર્વ વિદ્યાર્થીએ USમાં સારી જોબ છોડીને ભારતમાં ડેરી શરૂ કરી, કરે છે વાર્ષિક 44 કરોડની કમાણી

ક્લિનિકલ ટ્રાયલ કેવી રીતે થયા?

INMAS-DRDOના વૈજ્ઞાનિકોએ 2020ના એપ્રિલ મહિનામાં કોરોનાની પ્રથમ લહેર સમયે લેબોરેટરીમાં પરીક્ષણ કર્યા હતા. આ સમયે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી(CCMB) સહયોગી રહ્યું હતું. આ પરીક્ષણમાં જાણવા મળ્યું કે, આ મોલેક્યુલસ SARS-Cov-2 સામે અસરકારક સાબિત થાય છે. 2020ના મે મહિનામાં DCGIની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝશન(CDSCO) દ્વારા 2 DGના બીજા તબક્કાના પરીક્ષણને મંજૂરી આપવામાં આવી હતી. આ તબક્કામાં કોરોના દર્દીઓ પર પ્રયોગ થયો હતો.

DRDO અને તેના ઇન્ડસ્ટ્રી પાર્ટનર DRL દ્વારા મેથી ઓક્ટોબર મહિનામાં 110 દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ફેઝ 2a 6 હોસ્પિટલમાં જ્યારે 2b 11 હોસ્પિટલમાં હાથ ધરવામાં આવ્યું હતું. બીજા તબક્કો સફળ રહેતા DCGIએ ત્રીજા તબક્કાના ટ્રાયલને નવેમ્બર 2020માં મંજૂરી આપી હતી. ડિસેમ્બર 2020થી માર્ચ 2021 સુધીમાં છેલ્લા તબક્કામાં 220 દર્દીઓ પર ટ્રાયલ થયું હતું. આ દર્દીઓ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુની હોસ્પિટલના હતા.

ટ્રાયલના શું ડેટા મળ્યા?

કોવિડ -19 દર્દીઓમાં ડ્રગની સલામતી અને અસરકારકતાની ચકાસણી કરવા માટે ફેઝ 2ના ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા. 2-DG કોરોના દર્દીઓ માટે સલામત હોવાની સાથે તેમની રિકવરીમાં પણ સુધારો જોવા મળ્યો હતો. અલગ અલગ બાબતે 2 DGથી સારવાર થઈ હોય તેવા દર્દીઓ અન્ય સારવારની સરખામણીમાં વધુ ઝડપથી સાજા થયા હતા. સામાન્ય સારવાર કરતા 2 DG દવા લેનાર દર્દીઓ સરેરાશ 2.5 દિવસ વહેલા સાજા થયા હતા. ત્રીજા ટ્રાયલના ડેટા મુજબ 2 DGના કારણે નોંધપાત્ર પ્રમાણમાં દર્દીઓમાં રોગનિવારક સુધારો થયો હતો. આ સાથે ત્રીજા દિવસે જ ઓક્સિજનના પરનું અવલંબન ઘટ્યું હતું. આવું જ 65 વર્ષથી વધુના દર્દીઓના કેસમાં પણ જોવા મળ્યું હતું.

શું ફાયદો?

2 DG જેનરીક મોલેક્યુલ અને ગ્લુકોઝનું એનલોગ હોવાના કારણે તેનું ઉત્પાદન સરળતાથી થઈ શકે છે. મોટા પ્રમાણમાં તે ઉપલબ્ધ કરાવી શકાય છે. દવાને સહાયક ઉપચાર તરીકે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ દવા કોઈ ચમત્કારિક ઇલાજ નથી. દવા અન્ય સારવારનો ભાગ હશે.
First published: