સવાલ-જવાબ: જાપાનમાં 100મા પ્રધાનમંત્રી! જાપાનમાં શા માટે ઝડપથી બદલાઈ જાય છે પ્રધાનમંત્રી?

ફુમિયો કિશીદા (ફાઇલ તસવીર)

Fumio Kishida Jaapan next Prime Minister: જાપાનમાં બે સદન છે. ઉપરી સદન અને નીચલું સદન. ઉપરી સદનને હાઉસ ઓફ કાઉન્સિલર્સ કહેવામાં આવે છે અને નીચલા સદનને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ કહેવામાં આવે છે.

  • Share this:
નવી દિલ્હી: જાપાન દુનિયાનો એકમાત્ર એવો દેશ છે, જ્યાં ખૂબ જ ઝડપથી પ્રધાનમંત્રી (Prime minister of Japan) બદલાઈ જાય છે. વર્ષ 1993થી લઈને અત્યારસુધીના 28 વર્ષોમાં 15 પ્રધાનમંત્રી બદલાઈ ચૂક્યા છે. ક્યારેક ક્યારેક એવો સમય પણ આવ્યો છે, જ્યારે દર વર્ષે જાપાનમાં સરકાર બદલાયેલી જોવા મળી છે. ક્યારેક સરકારના પ્રમુખ બદલાઈ ગયા છે. તમે કદાચ એવું વિચારી રહ્યા હશો કે, વિપક્ષ પાર્ટી (Opposition party Japan)ના કારણે સરકાર બદલાઈ જાય છે અથવા ઓછા મત મળવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. આ વાત બિલકુલ સાચી નથી. આવું શા માટે થાય છે, તેનું રસપ્રદ કારણ અહીં રજૂ કરવામાં આવ્યું છે. જાપાનમાં અનેક પાર્ટીઓ છે, પરંતુ મુખ્ય પાર્ટી બે જ છે. વર્ષ 1955 બાદથી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (Liberal democratic party) જ સત્તામાં રહી છે.

સવાલ- જાપાનમાં લોકતાંત્રિક સિસ્ટમ કેવી છે અને ત્યાં ચૂંટણી કેવી રીતે થાય છે?

જાપાનમાં બે સદન છે. ઉપરી સદન અને નીચલું સદન. ઉપરી સદનને હાઉસ ઓફ કાઉન્સિલર્સ કહેવામાં આવે છે અને નીચલા સદનને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ કહેવામાં આવે છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવમાં 465 સીટ હોય છે અને દર 4 વર્ષે ચૂંટણી થાય છે. 31 ઓક્ટોબરના રોજ આ ચૂંટણી યોજાશે. સમગ્ર દેશમાં તેની ચૂંટણી સીધી રીતે થાય છે. હાઉસ ઓફ કાઉન્સિલર્સમાં 245 સીટ હોય છે અને તેમાં દરેક સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. તેની ચૂંટણી પ્રત્યક્ષ રીતે નથી યોજાતી. સરકારની ખરી તાકાત હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ પાસે હોય છે.

સવાલ- જાપાનની સંસદને શું કહેવામાં આવે છે? જાપાનમાં હાલ કઈ પાર્ટીની સરકાર ચાલી રહી છે?

જાપાનની સંસદને ડાઈટ કહેવામાં આવે છે અને તેની સ્થાપના વર્ષ 1885માં થઈ હતી. જાપાનમાં દેશનો પ્રધાન સમ્રાટ હોય છે. જાપાનમાં આજ સુધી રાજાશાહી લાગુ છે, પરંતુ તેની ખરી તાકાત ડાઈટ પાસે હોય છે. જાપાનમાં અનેક પાર્ટીઓ છે, પરંતુ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી સૌથી અધિક પ્રભુત્વ ધરાવે છે.

સવાલ- જાપાનમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી સૌથી વધુ વખત સત્તામાં કેવી રીતે રહી છે?

વર્ષ 1955માં જાપાનની રાજનીતિ ખૂબ જ અજીબોગરીબ સમયમાંથી પસાર થઈ રહી હતી. તે સમયે દેશની બે કન્ઝર્વેટીવ પાર્ટીઓએ મળીને એક પાર્ટી બનાવી છે. આ પાર્ટીનું નામ છે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી. આ પાર્ટીને અલ્ટ્રાનેશનલિસ્ટ પાર્ટી માનવામાં આવે છે, જે સમ્રાટ અને રાજપરિવાર પ્રતિ નિષ્ઠા ધરાવે છે. વર્ષ 1955 બાદથી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી સૌથી અધિક સત્તામાં રહી છે. માત્ર 1993-94 અને 2009-2012માં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાની સત્તા ગુમાવી હતી.

લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને LDP પણ કહેવામાં આવે છે. આ પાર્ટીનું મુખ્યાલય ટોક્યોમાં છે. જાપાન સરકારના ઉપરી સદનમાં LDPના 142 અને નીચલા સદનમાં 312 સદસ્ય છે. તેમણે કેમિનો પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. તેમની પાસે સૌથી અધિક બહુમત હોવાના કારણે તેમને સુપર મેજોરિટી પણ કહેવામાં આવે છે.

સવાલ- જાપાનમાં વર્ષ 1955માં અન્ય એક તાકાતવાર પાર્ટી સામે આવી હતી, તે પાર્ટીનું શું થયું?

વર્ષ 1955માં જાપાનમાં બે કન્ઝર્વેટીવ પાર્ટીઓએ મળીને લિબરલ ડેમોક્રેટિક પાર્ટી બનાવી હતી. તે જ પ્રકારે લેફ્ટ અને રાઈટ સોશિયાલિસ્ટ પાર્ટીઓએ મળીને જાપાન સોશિયાલિસ્ટ પાર્ટી બનાવી. આ પાર્ટી ક્યારેય સત્તામાં આવી શકી નથી. વર્ષ 1996માં આ પાર્ટી સંપૂર્ણ રીતે ખતમ ગઈ. તેમ છતાં, જાપાનમાં અનેક નાની નાની પાર્ટીઓ છે, જે ગઠબંધન કરી શકે છે.

સવાલ- જાપાનમાં એક જ પાર્ટી સત્તામાં શાસન કરતી આવી છે, તો પ્રધાનમંત્રી શા માટે બદલાઈ જાય છે?

જાપાનના પ્રધાનમંત્રી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પણ અધ્યક્ષ હોવા જોઈએ. દર વર્ષે સપ્ટેમ્બરમાં પાર્ટીના અધ્યક્ષની પસંદગી કરવામાં આવે છે. તે માટે પાર્ટીમાં ચૂંટણી કરવામાં આવે છે. ત્યારબાદ જે અધ્યક્ષ બને છે, તે જ પ્રધાનમંત્રી બની શકે છે. પાર્ટીમાં અધ્યક્ષની ચૂંટણીમાં અનેક ફેરફાર જોવા મળે છે, જેની અસર પ્રધાનમંત્રીના પદ પર પડે છે.

સવાલ- ગયા વર્ષે પ્રધાનમંત્રી બનેલ યોશીહિદે સુગાએ શા માટે પ્રધાનમંત્રી પદ છોડી દીધું?

સુગાએ પાર્ટીમાં નેતાની ચૂંટણી લડવાની અનિચ્છા જાહેર કરી અને તેમણે પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. આ પહેલા પ્રધાનમંત્રી રહેલ શિંઝો આબે પાર્ટી પર મજબૂત પકડ ધરાવતા હતા, પરંતુ તેમનું સ્વાસ્થ્ય સારું ન હોવાના કારણે તેમણે પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ સુગા પ્રધાનમંત્રી બન્યા હતા.

સવાલ- સુગા બાદ નવા પ્રધાનમંત્રી ફુમિયો કિશીદાને પ્રધાનમંત્રી કેવી રીતે બનાવવામાં આવ્યા?

ફુમિયોએ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીમાં 29 સપ્ટેમ્બરે પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી જીતી. ત્યારબાદ તેમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા. જાપાનની સંસદ ડાઈટમાં પણ તેમને સમર્થન આપવામાં આવ્યું હતું.

સવાલ- કિશીદો ક્યાં સુધી પ્રધાનમંત્રી રહેશે?

જાપાનમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવની ટર્મ ઓક્ટોબરમાં પૂર્ણ થઈ રહી છે, તેથી ઓક્ટોબરમાં ચૂંટણી થશે. કિશીદોની આગેવાનીમાં LDP ચૂંટણી લડશે. જો LDP ચૂંટણી જીતી જશે તો તેઓ ફરી પ્રધાનમંત્રી બનશે.

સવાલ- વર્ષ 1993 બાદ જાપાનમાં પ્રધાનમંત્રી કેવી રીતે બદલાઈ ગયા?

દર વર્ષે લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી થતી હોવાના કારણે પ્રધાનમંત્રી બદલાઈ જાય છે. આ સમયગાળા દરમિયાન અન્ય પાર્ટીઓએ ગઠબંધનવાળી સરકાર બનાવી અને LDPએ બે વાર સત્તા ગુમાવી. ત્યારબાદ ક્યારેક પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચારના આરોપોને કારણે, તો ક્યારેક સ્વાસ્થ્ય સારું ન હોવાને કારણે રાજીનામું આપવું પડ્યું. આ કારણોસર છેલ્લા કેટલાક વર્ષોમાં સતત જાપાનના પ્રધાનમંત્રી બદલાઈ ચૂક્યા છે. વર્ષ 2000 બાદ ઝડપથી પ્રધાનમંત્રી બદલાઈ ચૂક્યા છે. વર્ષ 2006 થી 2009 સુધી દર વર્ષે પ્રધાનમંત્રી બદલાઈ ચૂક્યા છે.

સવાલ- શિંઝો આબેએ પ્રધાનમંત્રી તરીકે કેટલા વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે?

શિંઝો આબે બે વાર જાપાનના પ્રધાનમંત્રી બન્યા. વર્ષ 2006માં તેઓ એક વર્ષ માટે પ્રધાનમંત્રી બન્યા. ત્યારબાદ વર્ષ 2012માં ફરી પ્રધાનમંત્રી બન્યા. તેમની આગેવાની બે કાર્યકાળ સુધી જાપાનમાં સ્થિર રહી, પરંતુ તેમનું સ્વાસ્થ્ય સારુ ન હોવાના કારણે તેમણે પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું.

સવાલ- શું અન્ય કોઈ દેશમાં અત્યાર સુધી 100 પ્રધાનમંત્રી અથવા રાષ્ટ્રપ્રમુખ રહી ચૂક્યા છે?

અન્ય કોઈ દેશમાં આ પ્રકારે થયું નથી. સમગ્ર દુનિયામાં અમેરિકા સૌથી જૂની ડેમોક્રેસી છે. અમેરિકામાં 21 જૂન 1788ના રોજ સંઘીય વ્યવસ્થા લાગુ કરવામાં આવી. ત્યારબાદથી અમેરિકામાં 46 રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. અનેક વાર રાષ્ટ્રપતિઓએ 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બીજા કાર્યકાળમાં પણ ચૂંટણી લડી અને તેઓ રાષ્ટ્રપતિ બન્યા. નોર્વે એક એવો દેશ છે, જ્યાં વર્ષ 1814માં સંવિધાન લાગુ થયું છે. નોર્વેમાં અત્યારસુધીમાં 46 પ્રધાનમંત્રી બની ચૂક્યા છે.
Published by:Vinod Zankhaliya
First published: