દેશમાં છેલ્લા એક વર્ષથી ખેડૂત આંદોલન (Farmers Protest) ચાલી રહ્યું છે. કોરોના કાળ (Corona Pandemic)માં આંદોલનને લઈને ઘણા સવાલ ઊભા થયા છે. દેશમાં જ્યારે ખેડૂતોના આંદોલનની વાત નીકળે ત્યારે ચૌધરી ચરણ સિંહ (Chaudhary Charan Singh)નું નામ યાદ જરૂર આવે. ખેડૂતોના મસીહા અને દેશના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની 24મી પુણ્યતિથિ (Chaudhary Charan Singh Death Annivesary) નિમિત્તે આજે આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે.
ચૌધરી ચરણ સિંહ (Charan Singh)નો જન્મ 23 ડિસેમ્બર 1902ના રોજ મેરઠના હાપુડના નૂરપુર ખાતે થયો હતો. તેઓ જાટ પરિવાર (Jaat Family)માં જન્મ્યા હતા. આમ તો તેમનું કરિયર વકીલાતથી શરૂ થયું, પરંતુ ગાંધીજીના સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લઈ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આઝાદી પહેલા તેઓ દેશ માટે બે વાર જેલમાં પણ ગયા હતા. 1937ની ચૂંટણીમાં તેઓ યુનાઇટેડ પ્રોવીન્સની વિધાનસભાના સભ્ય પણ હતા.
આઝાદી પહેલા જ બની ગયા હતા ખેડૂતોનો અવાજ
હંમેશા કટોકટી કાળ બાદના ચરણસિંહના રાજકીય જીવનનો ઉલ્લેખ કરવામાં આવે છે. અલબત્ત તેઓ તેના ઘણા સમય પહેલા જ ખેડૂતોનો અવાજ બની ગયા હતા. દેશની આઝાદી પૂર્વે પણ તેઓ જાગીરદારો દ્વારા ખેડૂત મજૂરો પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવતા હતા. ખેડુતોની સમસ્યાઓ સાંભળીને તેઓ ખૂબ જ લાગણીશીલ બની જતા. તેઓ કાયદાના જ્ઞાનનો ઉપયોગ ખેડૂતોની ભલાઈ માટે કરતા હતા.
ચૌધરી ચરણ સિંહ ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન છે જેમણે પોતાના કાર્યકાળમાં સંસદનો સામનો નહોતો કર્યો. (તસવીર: Wikimedia Commons)
ચૌધરી ચરણ સિંહ દેશના એકમાત્ર એવા વડાપ્રધાન હતા, જેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન સંસદનો સામનો કર્યો નહોતો.
આઝાદી પછી કોંગ્રેસનો સાથ આપ્યો
તેઓ 1951માં ઉત્તરપ્રદેશ કેબિનેટમાં ન્યાય અને સૂચના મંત્રી બન્યા હતા. ત્યારબાદ તેઓ 1967 સુધી સ્ટેટ કોંગ્રેસના ટોચના ત્રણ પ્રમુખ નેતાઓમાં ગણાતા હતા. તેઓ ભૂમિ સુધાર કાયદા માટે કામ કરતા હતા. ખેડૂતો માટે તેમણે 1959ના નાગપુર કોંગ્રેસ અધિવેશનમાં પણ પંડિત નેહરુનો વિરોધ કરવામાં પણ સંકોચ નહોતો કર્યો. આ સમય સુધીમાં તેઓ ઉત્તર ભારતના ખેડૂતોનો અવાજ બની ગયા હતા.
ચૌધરી ચરણસિંહે વર્ષ 1967માં પોતાને કોંગ્રેસમાંથી અળગા કરી દીધા હતા. ત્યારબાદ તેઓ ઉત્તર પ્રદેશના પ્રથમ બિન-કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા હતા. ભારતીય લોક દળના નેતા તરીકે તેઓ જનતા ગઠબંધનમાં જોડાયા હતા. આ ગઢબંધનમાં તેમનો પક્ષ સૌથી મોટો ઘટક હતો. જોકે, રાજકીય તજજ્ઞોનું કહેવું છે કે, 1974થી તેઓ ગઠબંધનમાંથી અલગ થયા હતા. જ્યારે જયપ્રકાશ નારાયણે મોરારજી દેસાઈને વડાપ્રધાન પદ માટે પસંદ કર્યા, ત્યારે ચૌધરી ચરણસિંહને આંચકો લાગ્યો હતો. ત્યારબાદ જ્યારે 1979માં વડાપ્રધાન બન્યા બાદ કોંગ્રેસે ટેકો પરત લઈ લેતા તેમને રાજીનામું આપવું પડ્યું હતું.
ચરણ સિંહનો વારસો સંભાળનારા તેમના દીકરા ચૌધરી અજીત સિંહનું આ મહિને જ અવસાન થયું હતું. (ફાઇલ તસવીર)
અંત સુધી ખેડૂતોનો અવાજ
કોંગ્રેસના ટેકાથી ચરણસિંહનું વડાપ્રધાન બનવું તેમની છબી સામે પડકાર સમાન હતું તેવું માનવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો ચરણસિંહને હંમેશા પોતાના પ્રદેશના લોકપ્રિય નેતા માને છે. તેઓ પોતાના પ્રદેશમાં રહ્યા અને પોતાની તે જમીન ક્યારેય ન છોડી. જેથી તેઓ 1987 સુધી લોકસભામાં લોકદળની આગેવાની કરી ખેડૂતોનો અવાજ બન્યા હતા.
ચૌધરી ચરણસિંહનો પ્રભાવ ખેડૂતોથી લઈ રાજનીતિના ઊંચા સ્તર સુધી હોવાના અનેક કિસ્સા છે. આજે પણ તેમને ખેડૂતોના મસીહા માનવામાં આવે છે, જે તેમના પ્રભાવનું સૌથી મોટું ઉદાહરણ છે. તેમણે બ્રિટિશરો પાસેથી દેવા માફી બિલ પસાર કરાવવું, ખેડૂતના ખેતરોની હરાજી બંધ કરવી, ગામડાંનું વીજળીકરણ કરવું, જમીન કાયદામાં સુધારા માટે સંઘર્ષ સહિતના અનેક કામો કર્યા હતા. ખેડૂતો માટે તેમણે જુનો પક્ષ છોડી દીધો હતો અને કોંગ્રેસનું સમર્થન લઈને સરકાર પણ રચી હતી. તેમની લોકપ્રિયતામાં ક્યારેય પણ ઓટ આવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર