નવી દિલ્હી: એક મહિનાથી આપણે દિલ્હી (Delhi) અને કેન્દ્ર સરકાર (Central Govt)ની લડાઈ જોઈ રહ્યાં છીએ. કેજરીવાલ સરકાર મોદી સરકારને સરમુખત્યાશાહી પદ્ધતિ ન અપનાવવા અરજીઓ કરી રહી છે. કેન્દ્રની સરકાર કહે છે અમે તો સૂચવેલા માપદંડોને આધારે જ કાયદામાં ફેરફાર કરી રહ્યાં છે. સૌથી મોટો સવાલ છે કે આ કાયદો છે શું? કેન્દ્ર સરકારે એવા તો શું ફેરફાર સૂચવ્યા છે કે દિલ્હીની રાજ્ય સરકાર વિરોધના વાવટા સાથે જ ફરી રહી છે? દિલ્હીમાં મુખ્યમંત્રી કરતા મોટો હોદ્દો ઉપરાજ્યપાલ(LG)નો થવાની આશંકા કેમ વ્યકત કરવામાં આવી રહી છે? તો આવો જાણીએ આ સમગ્ર ઘટનાક્રમ અને કાયદામાં થઈ રહેલ ફેરફારો વિશે વિગતવાર...
કેન્દ્ર સરકારે લોકસભા (Loksabha) બાદ ગઈકાલે રાજ્યસભામાં ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (એમેન્ડમેન્ટ બિલ) 2021 (Government of National Capital Territory of Delhi (Amendment) Bill, 2021) વિપક્ષના હોબાળા સાથે પસાર કર્યું છે. આ સુધારો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (Lieutenant Governor)અને દિલ્હી સરકારના મુખ્યમંત્રીના અધિકાર ક્ષેત્ર સ્પષ્ટ કરે છે. જોકે, હજી આ ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ જ કાયદો બનશે. આક્ષેપ છે કે આ સુધારો દિલ્હીના મુખ્યપ્રધાનની શક્તિ ઘટાડશે અને લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા કેન્દ્રને વીટો પાવર આપશે. જેમાં રાજ્ય સરકાર પર રાજ કરવાનો, તેમને કામ ન કરવા દેવાનો અને કામમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર હશે.
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેજા હેઠળ બનેલી આમ આદમી પાર્ટીની સરકાર બાદ ખાસ કરીને મુખ્યમંત્રી અને એલજી વચ્ચે અનેક મુદ્દે ગજગ્રાહ ચર્ચામાં રહ્યાં છે. સ્થિતિ એટલી વણસી ગઈ કે અધિકાર માટેની લડત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ. 2019માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદા થકી એલજી અને દિલ્હી સરકારની ભૂમિકા અને અધિકારક્ષેત્રને સ્પષ્ટ કરવાની ફરજ પડી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી સીએમ અને એલજી પછી વિવાદ ઓછો થયો પરંતુ સમાપ્ત થયો નથી.
ઘણા સમયથી દિલ્હીમાં ચાલી રહેલા બંને વહીવટી પક્ષકારોના વિવાદને દૂર કરવા માટે ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી (National Capital Territory-NCT) ઑફ દિલ્હી એક્ટમાં કેન્દ્ર સરકારે સુધારો કરવાનું વિચાર્યું. સંસદના બંને ગૃહોમાં આ ખરડો પસાર થતા હવે એલજીનું કાર્યક્ષેત્ર વિશાળ બન્યું છે. બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યના કેબિનેટ અથવા સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય અમલમાં મૂકતા પહેલા લેફ્ટનન્ટ ગવર્નરનો અભિપ્રાય લેવો જરૂરી રહેશે.
સુપ્રીમ કોર્ટે 2018ના પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું હતું કે, દિલ્હી સરકાર જે પણ નિર્ણય લેશે તે અંગે તે એલજીને જાણકારી આપશે. પરંતુ એલજીની સહમતી જરૂરી નથી. પરંતુ હવે આ બિલ અંતર્ગત એલજીને એવી સત્તા મળી ગઈ છે કે, જો તે મંત્રી પરિષદના કોઈ નિર્ણયથી સહમત ન હોય તો મુદ્દાને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે.
મુખ્યમંત્રીની સાથે સરકારનું કદ ઘટશે?
બિલ પ્રમાણે દિલ્હી વિધાનસભા દ્વારા બનાવાયેલા કોઈ પણ કાયદામાં સરકારને ઉપ-રાજ્યપાલથી પરવાનગી આવશ્યક રહેશે. ઉપ-રાજ્યપાલે તમામ નિર્ણયો, પ્રસ્તાવો અને એજન્ડાની જાણકારી આપવી પડશે. જો એલજી અને મંત્રી પરિષદ વચ્ચે કોઈ મુદ્દે મતભેદ થાય તો એલજી તે મુદ્દાને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે. એટલું જ નહીં LG વિધાનસભામાં પાસ એવા કોઈ બિલને મંજૂરી નહીં આપે જે વિધાનમંડળના શક્તિ-ક્ષેત્રની બહાર હોય, તેઓ તેને રાષ્ટ્રપતિ વિચાર કરી શકે તે માટે રિઝર્વ રાખી શકશે. બિલ અંતર્ગત દિલ્હીમાં ચૂંટાયેલી સરકારના અધિકાર સીમિત કરવામાં આવ્યા છે.
બિલ પ્રમાણે દિલ્હી વિધાનસભા પોતે કે તેની કોઈ કમિટી એવો નિયમ નહીં બનાવે જે તેને દૈનિક પ્રશાસનની ગતિવિધિઓ પર વિચાર કરવા કે કોઈ વહીવટી નિર્ણયની તપાસ કરવા અધિકાર આપે. આ એવા અધિકારીઓ માટે ઢાલનું કામ કરશે જેમને હંમેશા વિધાનસભા કે તેની સમિતિઓ દ્વારા સમન્સ મળવાનો ડર હોય.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર