Home /News /explained /Vehicle Scrappage Policy: તમારા જૂના વાહનને ભંગારમાં આપવા પર કેટલી કિંમત મળશે? આ રીતે કરો ગણતરી

Vehicle Scrappage Policy: તમારા જૂના વાહનને ભંગારમાં આપવા પર કેટલી કિંમત મળશે? આ રીતે કરો ગણતરી

વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી (Shutterstock તસવીર)

Explained Vehicle Scrappage Policy: વ્હીકલ સ્ક્રેપજ પોલિસીને લઈને લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન તેમના જૂના વાહનની કિંમત કેટલી આવશે તે છે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી જ્યારથી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી (Vehicle Scrappage Policy) જાહેર થઈ છે ત્યારથી તેના વિશે વધારે વિગત જાણવાની લોકોમાં ઉત્સુકતા રહેલી છે. સાથે જ જૂની કાર ધરાવતા લોકોમાં એક ફફડાટ પણ વ્યાપી ગયો છે કે સરકાર બળબજરીથી તેમની કાર સ્ક્રેપ ન કરી દે. સરકારે આ અંગે વિગતવાર માહિતી જાહેર ન કરતા હાલ આ પોલિસી ઘોંચમાં પડી ગઈ હોય તેવું લાગે છે. જોકે, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય (Ministry of Road Transport and Highways)ના ટ્વીટર એકાઉન્ટ પર આ પોલિસીને લગતા ફાયદા સમયાંતરે પોસ્ટ કરવામાં આવે છે. વ્હીકલ સ્ક્રેપજ પોલિસીને લઈને લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન તેમના જૂના વાહનોની કિંમત કેટલી આવશે તે છે. માર્ચ મહિનામાં જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ સંસદમાં આ બિલ રજૂ કર્યું હતું ત્યારે જણાવ્યું હતું કે, જે વાહનને ભંગારમાં મોકલવામાં આવશે તેની ભંગાર કિંમત તે ગાડીની એક્સ શો રૂમ (Ex showroom price of vehicle) કિંમતના 4થી 6% સુધી હોઈ શકે છે. એક ઉદાહરણની આ વાત સરળતાથી સમજીએ...

નીતિન ગડકરીએ સંસદમાં જે નિવેદન આપ્યું હતું તેનો જ આધાર લઈએ અને જો કોઈ વ્યક્તિ પોતાની સ્વિફ્ટ એલએક્સઆઇ (Swift LXI) કાર ભંગારમાં આપવા જશે તો તેને કેટલી કિંમત મળે તેનો અંદાજ લગાવીએ. અમદાવાદમાં આ નવી કારની એક્સ શો રૂમ કિંમત (Ex Showroom Price) લગભગ 5,85,000 રૂપિયા આસપાસ છે. એટલે જો આ કારને ભંગારમાં આપવા જાઓ તો તમને આશરે 35,100 રૂપિયા (6% લેખે ગણતરી) જેટલી કિંમત ભંગાર લેખે મળશે.

આ ઉપરાંત તમને કાર સ્ક્રેપ કરાવ્યાનું એક પ્રમાણપત્ર મળશે. આ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યા બાદ તમને નવી કાર ખરીદવા પર 5% આસપાસ કારની કંપની તરફથી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એટલે કે તમે 6,00,000 રૂપિયા (એક્સ શો રૂમ કિંમત)ની નવી કાર ખરીદો છો તો તમને તેના પર 30,000 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. તમારા કુલ ફાયદાની ગણતરી કરીએ તો 35,100+30,000= 65,100 રૂપિયા થશે.

કારની સ્ક્રેપ કિંમત, નવી કાર પર ડિસ્કાઉન્ટ ઉપરાંત કાર માલિકને વ્હીકલ રજિસ્ટ્રેશન ચાર્જ પણ નહીં ચૂકવવો પડે. એટલે માની લો કે વ્હીકલ રજિસ્ટ્રેશન ચાર્જ 20,000 હજાર રૂપિયા છે તો માલિકને 65,100+20,000 એટલે કે કુલ 85,100 રૂપિયાનો ફાયદો થશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને અન્ય લાભો આપવાની પણ સૂચના આપી છે. જે પ્રમાણે તમને રોડ ટેક્સ અને અન્ય છૂટ પણ મળી શકે છે.

આ રીતે પણ ફાયદો ઉઠાવી શકો:

27 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલય (Ministry of Road Transport and Highways) તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં એક યાદી આપવામાં આવી હતી. જે પ્રમાણે માલિકો વાહનને સ્ક્રેપમાં આપતા પહેલા તેમાં ફરીથી કામમાં આવી શકે તેવી કેટલાક પાર્ટ્સ (Vehicle parts) કાઢી શકે છે. એટલે કે આ પાર્ટ્સ પણ તમે વેચીને થોડો વધારે ફાયદો મેળવી શકો છો.

કેન્દ્ર સરકારે જાહેર કરેલી યાદી

1) સસ્પેન્સન
2) રેડિએટર
3) હેડલેમ્પસ
4) મડ ગાર્ડ
5) હેન્ડલ્સ
6) મીરર
7) સ્પ્રિંગ પ્લેટ્સ
8) વ્હીલ ડિસ્ક
9) એક્સલ

શું છે કેન્દ્રની વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી?

પશ્ચિમી દેશોમાં આ પ્રકારની પોલિસી અમલી છે. ત્યાં વાહન નોંધણી સમયે જ પોલિસી અમલમાં આવી જાય છે. ભારતમાં પણ હવે આવું જ થશે. સામાન્ય રીતે પેસેન્જર વ્હીકલનું આયુષ્ય 15 વર્ષ અને કોમર્શિયલ વ્હીકલનું આયુષ્ય 10 વર્ષનું ગણવામાં આવે છે. આ સમયગાળા બાદ વાહનો અગાઉ કરતા વધુ ઝડપથી પર્યાવરણને પ્રદૂષિત કરવાનું શરૂ કરે છે. પશ્ચિમી દેશોમાં આવા જૂના વાહનોને સ્ક્રેપયાર્ડ્સમાં મોકલવામાં આવે છે. જ્યાં તેને તોડી નાંખવામાં આવે છે અને બોડી બનાવવા માટે વપરાયેલા સ્ટીલને રિસાયકલ કરવામાં આવે છે. અત્યારસુધી ભારતમાં આવી કોઈ નીતિ નહોતી. જેના કારણે મોટાભાગના વાહનો પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે અથવા રોડની સાઈડમાં નકામા પડ્યા છે.

શું મર્યાદાથી વધુ સમયના બધા વાહનોને સ્ક્રેપ કરવાના છે?

આ સ્કીમ સ્વૈચ્છિક છે. જેથી બધા વાહનોને સ્ક્રેપ કરવાના નથી. જોકે, આયુષ્ય પૂરું કરી ચૂકેલા બધા જ વાહનોનો ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. જો વાહન ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ રહેશે, તો રિન્યૂ સર્ટિફિકેટ મળશે નહીં. જેથી તેને ચલાવી શકાશે નહીં. અલબત્ત, જો વાહન ફિટનેસ ટેસ્ટ પાસ કરી લે તો રોડ પર ચલાવવા યોગ્ય છે કે નહીં તે સાબિત કરવા દર પાંચ વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે.

આ પણ વાંચો: Maruti Suzukiની આ ગાડીઓમાં ખામી, કંપનીએ 1.81 લાખ કાર પરત ખેંચી

મારું વાહન સ્ક્રેપમાં આપવાથી મને શું ફાયદો થશે?

1) કોઈ વાહન મલિક પોતાના વાહનને સ્ક્રેપ કરવાનું પસંદ કરે તો વાહનની એક્સ-શોરૂમ કિંમતના 4થી 6 ટકા જેટલી સ્ક્રેપ વેલ્યૂ આપવામાં આવશે.

2) રોડ ટેક્સ ભરવામાં 25% સુધી મુક્તિની રાહત મળશે.

3) સ્ક્રેપિંગ સર્ટિફિકેટ બતાવનારને નવા વાહન પર 5% ડિસ્કાઉન્ટ આપવાની ભલામણ વાહન ઉત્પાદકને કરાશે.

4) વાહન નોંધણીની ફી ભરવી પડશે નહીં.

ફિટનેસ ટેસ્ટ શું છે?

ફિટનેસ ટેસ્ટ પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC) સર્ટિફિકેટ જેવો જ હશે. આ ટેસ્ટ વાહનની યોગ્યતા અને વાહન વાતાવરણને નુકસાન કરી રહ્યું છે કે નહીં તે નક્કી કરે છે. અલબત, આ ચકાસણી ફિટનેસ ટેસ્ટનું માત્ર એક પાસું જ છે. તેમાં બ્રેક ટેસ્ટ, એન્જીન ટેસ્ટ પણ થશે. મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યા અનુસાર આ પ્રકારના ટેસ્ટ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં કરવામાં આવશે. આ કેન્દ્રોની સ્થાપના PPP મોડેલ હેઠળ કરવામાં આવશે.

મારુ વાહન ફિટનેસ ટેસ્ટ પાસ ન કરી શકે તો શું થાય?

વાહન ફિટનેસ ટેસ્ટ પાસ ન કરે તેવા કિસ્સામાં તમને રિન્યુઅલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળશે નહીં. જેથી તમે વાહન રોડ પર ચલાવી શકશો નહીં. મોટર વ્હીકલ એકટ મુજબ RC વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે. અહેવાલો અનુસાર, તમે માત્ર ત્રણ વખત જ ફિટનેસ ટેસ્ટ આપી શકશો. ત્યારબાદ તમારું વાહન કોઈપણ રીતે રોડ પર દોડવા યોગ્ય રહેશે નહીં.

આ પોલિસી ક્યારથી અમલમાં આવશે?

વડાપ્રધાન મોદીએ પોલિસીને લોન્ચ કરી દીધી છે, પરંતુ આ પોલિસી ગ્રાઉન્ડ લેવલે અમલમાં આવતા હજુ ઘણો સમય લાગશે. હજી સુધી સ્ક્રેપીગ સેન્ટર તૈયાર થયા નથી. ત્યારે ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મિનિસ્ટ્રીના સેક્રેટરી ગિરિધર અરમાને કહે છે કે, 2023થી ભારે કોમર્શિયલ વાહનો નિયમો મુજબ ફિટનેસ લેવલને અનુરૂપ નહીં હોય તો તેને સ્ક્રેપ કરવા જરૂરી છે. જયારે પર્સનલ વાહનો માટે જૂન 2024થી પોલિસી લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.
First published:

Tags: Explained, Vehicle, કાર