Home /News /explained /Explained: કૉફીના ભાવમાં શા માટે થયો ભડકો? ભારતને કઈ રીતે થશે ફાયદો?

Explained: કૉફીના ભાવમાં શા માટે થયો ભડકો? ભારતને કઈ રીતે થશે ફાયદો?

પ્રતીકાત્મક તસવીર: Shutter stock

Coffee price rise: વૈશ્વિક સ્તરે સર્જાયેલી કૉફીની અછત ભારત માટે આશીર્વાદ સમાન છે. ભારત વિશ્વમાં સાતમો સૌથી મોટો કૉફી ઉત્પાદક દેશ છે, પણ અહીં કૉફીનું ચલણ વધુ નથી

મુંબઈ: ઘણા લોકોની સવારની શરૂઆત કૉફીથી થાય છે. કોઈપણ કામ ગરમ કૉફી વગર પૂર્ણ થતું નથી અને તેના વિના દિવસ અધૂરો લાગે છે. ત્યારે આવા લોકોને કૉફીના વધતા ભાવ વહેલા-મોડા અસર કરી શકે છે. છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક સ્તરે કૉફીના ભાવમાં વધારો (Coffee price rise) થઇ રહ્યો છે. કૉફી ઉત્પાદક દેશોમાંથી પૂરતો જથ્થો આવતો નથી. જેના કારણે માંગ સામે પુરવઠાનો તાલમેલ બેસતો નથી. પરિણામે ભાવ વધે છે. પ્રતિકૂળ હવામાન, કોવિડ-19 મહામારી (Coronavirus Pandemic)ના કારણે લોકડાઉન (Lockdown) અને લોજિસ્ટિકલમાં અડચણો સહિતના પડકારોએ વૈશ્વિક કૉફી માર્કેટને ખોરવી નાંખ્યું છે, જેના કારણે કૉફીની બંને જાતો Robusta અને Arabicaનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, Robustaમાં વધુ કેફિન હોય છે અને તે બીજી જાત કરતા વધુ સ્ટ્રોંગ અને કડવી હોય છે. જ્યારે Arabicaની પ્રકૃતિ હળવી અને મીઠી હોય છે.

કૉફીના વધતા ભાવ પાછળ જવાબદાર કારણો અને તેનાથી ભારતને શું અસર થશે તે તપાસવા માટે Moneycontrol દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.

કૉફીના ભાવમાં તોતિંગ વધારો

Robusta કૉફીના વાયદા ગયા સપ્તાહે પ્રતિ ટન 2,000 ડોલરથી વધુ વધ્યા હતા. આ વર્ષે વાયદા લગભગ 50 ટકા વધ્યા છે. જ્યારે આ વર્ષે જુલાઈમાં Arabicaની કિંમત નવેમ્બર 2014 બાદ સૌથી વધુ છે. ભાવ વધારાના કારણે વિશ્વમાં બેવરેજની કિંમત પણ વધી છે. થોડા સમય પહેલા Robustaના ભાવ Arabica કરતા થોડા ઓછા હતા, પરંતુ ગત અઠવાડિયે આવેલા ઉછાળાના કારણે બંનેની કિંમત સમાન થઈ ચૂકી છે.

બ્રાઝીલે કૉફી માર્કેટ સળગાવ્યું

બ્રાઝીલ છેલ્લા 150 વર્ષોથી સૌથી મોટો કૉફી ઉત્પાદક દેશ રહ્યો છે. હાલ બ્રાઝીલમાં કૉફી માટે પ્રતિકૂળ વાતાવરણ છે. અનિયમિત વરસાદ પછી કૉફીનો પાક અત્યંત ઠંડા હવામાનથી પ્રભાવિત થયો છે. જે કૉફીના છોડને નુકસાન પહોંચાડે છે. 1994 પછી આ સૌથી ઠંડુ વાતાવરણ હોવાથી પાકને અસર થઈ છે. જેના કારણે ત્યાં કૉફીનું ઉત્પાદન છેલ્લા બે દાયકાના તળિયે પહોંચી જાય તેવી દહેશત છે. પરિણામે વૈશ્વિક બજારમાં કૉફીના ભાવમાં ભડકો થયો છે.

સામાન્ય રીતે પહેલેથી જ સુકાયેલા અને નબળા પડી ગયેલા છોડ પર ઠંડીનો પ્રકોપ પડે ત્યારે કૉફીના પાકને નુકસાન થવાની દહેશત વધી જાય છે. અત્યારે વાતાવરણથી થયેલી ક્ષતિ એટલી ગંભીર છે કે, બ્રાઝીલમાં કૉફીના કેટલાક બગીચામાં પાકનું ફરીથી વાવેતર કરવાની સ્થિતિ સર્જાઈ શકે છે. જેને પરિપક્વ થતા વર્ષો લાગશે.

કૉફીનું ઉત્પાદન કરતા અન્ય દેશો

બ્રાઝીલ બાદ વિયેતનામમાં કૉફીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ત્યાં કોરોના વાયરસના વધતા કેસને રોકવા લાદવામાં આવેલા લોકડાઉનના કારણે સપ્લાય ખોરવાઈ છે. સરકારે કૉફીની નિકાસનું કેન્દ્ર ગણાતા હો ચી મિન્હ સિટીમાં લોકડાઉન લાદ્યું છે. જેને લઈને વાવેતરના બીજની હેરફેર પણ અસરગ્રસ્ત છે. પરિણામે વિયેતનામની કૉફી વિશ્વભરના ગ્રાહકો સુધી પહોંચી શકતી નથી.

coffee price hike globally
પ્રતીકાત્મક તસવીર


કૉફીનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક દેશ કોલંબિયા છે. ત્યાં પણ કૉફીની સપ્લાય સામે પડકારો ઉભા છે. દેશમાં સરકાર વિરોધી દેખાવોના કારણે પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે આ વર્ષે મે મહિનામાં કોલંબિયાની કૉફીના ભાવને ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા અને વૈશ્વિક સ્તરે પુરવઠા તેમજ બજારના સેન્ટિમેન્ટને અસર થઈ હતી.

લોજિસ્ટિક્સની તકલીફોએ કૉફીના સળગતા ભાવમાં ઘી હોમ્યું

અત્યારે કૉફી સહિતના અનેક ખાદ્ય પદાર્થો અને સામાન કન્ટેનર્સની અછત અને ઊંચા ભાડાની તકલીફથી પરેશાન છે. દક્ષિણ અમેરિકા માટે આ સમસ્યા એકદમ ગંભીર છે. જેના કારણે બ્રાઝિલિયન અને કોલમ્બિયન કૉફીની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. માલ અગાઉથી બુક કરાવ્યો હોવા છતાં જહાજો ઉપલબ્ધ ન હોવાના કારણે કૉફીના પુરવઠામાં અછત ઉભી થઇ છે.

ભારતને શું અસર થશે?

વૈશ્વિક સ્તરે સર્જાયેલી કૉફીની અછત ભારત માટે આશીર્વાદ સમાન છે. ભારત વિશ્વમાં સાતમો સૌથી મોટો કૉફી ઉત્પાદક દેશ છે, પણ અહીં કૉફીનું ચલણ વધુ નથી. અહીં કૉફીના બદલે ચા વધુ પીવાય છે. ભારતમાં મોટાભાગે Arabica કૉફીનું ઉત્પાદન થાય છે. જેમાંથી 70 ટકા કૉફી નિકાસ થાય છે. કૉફી બોર્ડના ડેટા અનુસાર નિકાસકારોને સારા ભાવ મળી રહ્યા છે અને 2020-21માં ઉત્પાદનમાં 12 ટકાનો વધારો થયો છે.

ભારતીય નિકાસકારો પાસે વિયેતનામ કે સાઉથ અમેરિકાની સરખામણીએ વધુ કન્ટેનર છે. કાજુની આયાત સાથે આવતા કન્ટેનરનો ઉપયોગ કૉફીની નિકાસ માટે કરવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે ભારતીય કૉફીની નિકાસમાં 10 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બ્રાઝીલમાં વાતાવરણ પ્રતિકૂળ રહેવાના કારણે ભાવમાં હજી વધુ ઉછાળો આવી શકે છે. બ્લુમબર્ગના અહેવાલ મુજબ પ્રતિકૂળ હવામાનની આગાહીને કારણે 30 ઓગસ્ટના રોજ Arabica કૉફીનો વાયદો વધ્યો હતો. જે કૉફીમાં ટોચના સપ્લાયર બ્રાઝિલમાં અસ્વસ્થ પાક માટે પડકાર દર્શાવે છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, બ્રાઝિલમાં કૉફીના મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં આગામી સપ્તાહોમાં પ્રતિકૂળ હવામાનની આગાહી કરવામાં આવી છે. જેના કારણે વૈશ્વિક સ્તરે કૉફીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Business, Coffee, Coronavirus, Environment, Explained

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन